રહસ્ય પર ફોકસ, ડીટેલ્સને નજરઅંદાજ

26 September, 2022 03:25 PM IST  |  Mumbai | Harsh Desai

પાત્રોની બૅક સ્ટોરીને દેખાડવામાં નથી આવી અને દરેક પાત્રને ઉપર-ઉપરથી દેખાડવામાં આવ્યું છે જેથી સ્ટોરીમાં ડીટેલિંગની ઊણપ દેખાઈ આવે છે : જુહી ચાવલા પાસે ખાસ કામ નહોતું, પરંતુ ક્રિતિકા કામરા અને કરિશ્મા તન્નાએ ખૂબ જ સારું કામ કર્યું છે

હશ હશ

હશ હશ

કાસ્ટ : જુહી ચાવલા, કરિશ્મા તન્ના, ક્રિતિકા કામરા, સોહા અલી ખાન, આયેશા ઝુલ્કા, શહાના ગોસ્વામી

ડિરેક્ટર : તનુજા ચંદ્રા, કોપાલ નૈથાની, આશિષ પાન્ડે

રિવ્યુ : બે સ્ટાર (ઠીક-ઠીક)

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થઈ રહેલી ‘હશ હશ’ની સ્ટોરી ચાર મહિલાઓની આસપાસ ફરે છે. આ શો દ્વારા જુહી ચાવલા અને આયેશા ઝુલ્કાએ કમબૅક કર્યું છે. તનુજા ચંદ્રા, કોપાલ નૈથાની અને આશિષ પાન્ડે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી સાત એપિસોડની આ સિરીઝની સ્ટોરી જુહી ચતુર્વેદી, શિખા શર્મા અને આશિષ શર્માએ લખી છે.

સ્ટોરી ટાઇમ

આ શોમાં જુહી ચાવલાએ ઇશીનું પાત્ર ભજવ્યું છે જે એક પબ્લિક રિલેશન ફર્મ ચલાવતી હોય છે અને બિઝનેસમૅન અને પાવરફુલ પૉલિટિકલ પાર્ટી વચ્ચે બ્રોકર તરીકે પણ કામ કરતી હોય છે અને તે ખૂબ જ મોટા સ્કૅન્ડલમાં ફસાઈ હોય છે. તે અનાથ હોય છે અને તેની સાથે મીરા અનાથ આશ્રમમાં રહેતી હોય છે, જેને તે નાની બહેન માને છે. ઇશી મોટી થઈને ખૂબ જ પૈસાદાર બની જાય છે અને તેની ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય છે. આ બેસ્ટ ફ્રેન્ડ્સમાં ફૅશન-ડિઝાઇનર ઝાયરાનું પાત્ર શહાના ગોસ્વામીએ ભજવ્યું છે. બીજી બેસ્ટ ફ્રેન્ડ ખૂબ જ પૈસાદાર પંજાબી ઘરની હાઉસવાઇફ ડૉલી હોય છે જે પાત્ર ક્રિતિકા કામરાએ ભજવ્યું છે. ત્રીજી બેસ્ટ ફ્રેન્ડ ભૂતપૂર્વ જર્નલિસ્ટ સાઇબા હોય છે. તેણે ફૅમિલી પર ફોકસ કરવા માટે અને તેની કલીગનું મર્ડર થઈ ગયું હોવાથી જર્નલિઝમ છોડી દીધું હોય છે. આ સ્ટોરીની શરૂઆતમાં ડૉલીની ઍનિવર્સરીની પાર્ટી હોય છે. એમાં ડૉલી માટે તેની સાસુ એક રિસૉર્ટનો રૂમ બુક કરાવે છે અને ત્યાં તેના પતિ સાથે સેક્સ કરવા કહે છે જેથી તે જલદી મમ્મી બની શકે. ડૉલીની લાઇફમાં તેની સાસુનું ખૂબ જ સ્ટ્રેસ હોય છે. ઝાયરા તેની લવ લાઇફથી પરેશાન હોય છે અને તે કોના માટે આટલું કામ કરી રહી હોય છે એ તેને નથી ખબર હોતી. આ બધાની વચ્ચે ઝાયરા આ પાર્ટીની બહાર ઇશીને એક વ્યક્તિ સાથે ઝઘડો કરતાં જુએ છે. એ માણસ મારી નાખવાની ધમકી આપતો હોય છે. આ ઝઘડાને ઝાયરા જોઈ લે છે અને તે ઇશીનો પીછો કરે છે. ઝાયરાને અચાનક જતાં જોઈને સાઇબા અને ડૉલી પણ તેનો પીછો કરે છે. તેઓ જ્યારે ઇશી પાસે પહોંચે ત્યારે તેને એક માણસ મારી નાખવાની કોશિશ કરતો હોય છે. આથી ડૉલી ત્યાં નીચે પડેલી ઇશીની બંદૂક ઉઠાવે છે અને તેને ગોળી મારી દે છે. તે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે. ઇશી દરેકને ત્યાંથી જતા રહેવા કહે છે અને બધો બ્લેમ પોતાના માથે ઉઠાવી લે છે. જોકે બીજા દિવસે સવારે ઇશી મૃત હાલતમાં મળી આવે છે. તેનું મર્ડર થયું કે પછી સ્કૅન્ડલને કારણે તેણે સુસાઇડ કર્યું એ કોઈને ખબર નથી હોતી. આથી પોલીસ ઑફિસર ગીતા તેહલાનનું પાત્ર ભજવતી કરિશ્મા તન્ના આ કેસની તપાસ કરે છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

આ શોની શરૂઆત ખૂબ જ સારી રીતે કરવામાં આવી હતી, પરંતુ એને જે રીતે આગળ વધારવામાં આવ્યો છે એના લીધે એને ખૂબ જ માર પડ્યો છે. જુહી શરૂઆતમાં જ મૃત્યુ પામી હોય છે, પરંતુ મોટા ભાગનાં દૃશ્યો ફ્લૅશબૅકમાં હોય છે. જોકે આ સ્ટોરીને જે રીતે રજૂ કરવામાં આવી છે એમાં એટલી મજા નથી આવી. કમલ હાસનની ‘વિક્રમ’ પાસેથી આ માટે કેટલીક નોટ્સ લઈ શકાઈ હોત. જોકે શોના પહેલા બે-ત્રણ એપિસોડ સુધી રહસ્ય જાળવી રાખવાની ખૂબ જ કોશિશ કરવામાં આવી છે, પરંતુ ત્યાંથી સ્ટોરીને જે રીતે ટ્રીટમેન્ટ આપી છે એનાથી શો કઈ દિશામાં ગયો એ સમજમાં નથી આવી રહ્યું. જુહી અને તેના સાથી દ્વારા સ્ક્રિપ્ટ જે રીતે લખવામાં આવી છે એમાં પણ ઘણા પ્રૉબ્લેમ છે. ચાર બેસ્ટ ફ્રેન્ડ્સ હોય છે, પરંતુ તેઓ કેવી રીતે મળ્યાં એની કોઈ સ્ટોરી નથી. જુહી અનાથ આશ્રમમાંથી બહાર આવી કેવી રીતે આટલી પાવરફુલ બની એની કોઈ સ્ટોરી નથી. તેના પાત્રને ખૂબ જ કમજોર રીતે લખવામાં આવ્યું છે. સાત એપિસોડની આ સીઝનમાં રાઇટર્સને બૅક સ્ટોરી દેખાડવાનો ટાઇમ ન મળ્યો હોય એ માનવામાં નથી આવતું. આ બૅક સ્ટોરીને કારણે પાત્ર સાથે કનેક્ટ થવામાં ઘણી તકલીફ પડે છે. તેમ જ જે રીતે ભૂતકાળ અને વર્તમાનને દેખાડવામાં આવ્યા છે એવી તનુજા જેવી ડિરેક્ટર પાસે આશા નહોતી. કરિશ્માનું પાત્ર પણ ઉપર-ઉપરથી લખ્યું હોય એવું લાગે છે. તે ફક્ત અને ફક્ત તેની ગટ ફીલિંગ્સ પર કામ કરતી હોય છે. તેને બધું પથારીમાં જ મળી જતું હોય એવું લાગે છે.

પર્ફોર્મન્સ

જુહી ચાવલા આ શો દ્વારા કમબૅક કરી રહી છે, પરંતુ તેનું પાત્ર ખૂબ જ કમજોર છે. તે ખૂબ જ પાવરફુલ હોય છે અને દરેક સ્થિતિને ખૂબ જ સારી રીતે હૅન્ડલ કરી શકે એવી દેખાડવાની કોશિશ કરી છે પરંતુ તેની બૉડી લૅન્ગ્વેજને જોઈને એવું લાગતું નથી. તે પણ હંમેશાં ડરેલી-ડરેલી રહેતી હોય છે. શહાના ગોસ્વામીનું પાત્ર સારું છે. તેણે તેને આપેલી સ્ક્રિપ્ટને ન્યાય આપવાની પૂરેપૂરી કોશિશ કરી છે. કેટલીક સિચુએશનને તે ખૂબ જ સારી રીતે હૅન્ડલ કરે છે તો કેટલીક સિચુએશનમાં તેનો ગુસ્સો ફૂટે છે. આ બન્ને સાઇડને તેણે ખૂબ જ સારી રીતે દેખાડી છે. સૌથી સારું પાત્ર ક્રિતિકા કામરાનું છે. એક ફ્રર્સ્ટ્રેટ અને સ્ટ્રેસમાં રહેતી હાઉસવાઇફનું પાત્ર તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેમ જ તેના પાત્રમાં જે ચેન્જ આવે છે એ પણ તેની સ્ટોરી સાથે જોઈ શકાય છે. આ ચેન્જ તેણે ખૂબ જ સહજતાથી આણ્યો છે. સોહા અલી ખાન પાસે ખાસ કોઈ કામ નથી. તે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ હોવા છતાં કેટલાંક કામ એ રીતે કરે છે કે જાણે સામાન્ય વ્યક્તિ હોય. જેનું મર્ડર કર્યું હોય તેની જ કાર તે ફાઇવ‍સ્ટાર હોટેલમાંથી લઈ આવે છે. સીસીટીવી નામક કોઈ વસ્તુ હોય એ પોલીસ અને મેકર્સ બન્ને ભૂલી ગયા હોય એવું લાગે છે. કરિશ્માએ પણ ધારવા કરતાં સારું કામ કર્યું છે. તેનો ગુસ્સો અને ઇમોશનલ સાઇડ બન્ને જોઈ શકાય છે. જોકે તેના પાત્રને વધુ સારું બનાવ્યું હોત તો મજા આવી ગઈ હોત. આયેશા ઝુલ્કાનો સ્ક્રીન ટાઇમ લિમિટેડ છે. તેને ફક્ત છેલ્લા એક એપિસોડમાં કામ કરવાની તક મળી છે.

આખરી સલામ

‘હશ હશ’ની પહેલી સીઝન આવી ગઈ છે અને બીજી પણ આવશે એ નક્કી છે. જોકે પહેલી સીઝનને જે રીતે ઉપરછલ્લી બનાવી હતી એવી ભૂલ બીજી સીઝનમાં ન કરવામાં આવે એવી આશા છે.

entertainment news Web Series amazon prime juhi chawla harsh desai soha ali khan