ક્રીએટિવિટીના નામે અપશબ્દોને સાંખી નહીં લેવાય : અનુરાગ ઠાકુર

21 March, 2023 04:30 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ડિજિટલ પ્લૅટફૉર્મ પર વધતી અશ્લીલતાને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી

અનુરાગ ઠાકુર

ડિજિટલ પ્લૅટફૉર્મ પર જે પ્રકારે અશ્લીલતા દેખાડવામાં આવે છે એને જોતાં ચિંતા વ્યક્ત કરતાં કેન્દ્રીય ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ક્રીએટિવિટીના નામે અપશબ્દોને સાંખી નહીં લેવાય. તેમનું કહેવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ પર વાંધાજનક કન્ટેન્ટ અને અપશબ્દોનો વધુ ઉપયોગ થાય છે અને એ વિશેની અનેક ફરિયાદો મને મળી છે. એ બદલ તેમણે OTT પ્લૅટફૉર્મ્સને ચેતવણી આપી છે. એ વિશેનો એક વિડિયો તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. એ વિડિયોમાં અનુરાગ ઠાકુર કહી રહ્યા છે, ‘હાલમાં OTT પ્લૅટફૉર્મ્સની અનેક ​ફરિયાદો આવી રહી છે. આ ફરિયાદો પ્રોડ્યુસ દૂર કરી શકે છે. ૯૦થી ૯૨ ટકા ફરિયાદો તેઓ કન્ટેન્ટમાં બદલાવ કરીને દૂર કરી શકે છે. ત્યાર બાદ એ અસોસિએશનના લેવલ પર આવે છે. તો મુખ્યત્વે ફરિયાદો ત્યાં પણ દૂર થઈ જાય છે. છેલ્લે એ સરકાર પાસે આવે છે, જેમાં વિભાગીય સમિતિના સ્તરે એના પર કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા થોડા દિવસોથી આવી ફરિયાદોમાં વધારો થયો છે અને ડિપાર્ટમેન્ટ એને ગંભીરતાથી લે છે. જો એમાં પરિવર્તન કરવાની જરૂર લાગે તો અમે કરીએ છીએ.’

એ વિડિયોને ટ્વિટર પર શૅર કરીને અનુરાગ ઠાકુરે ટ્વીટ કર્યું કે ‘ક્રીએટિવિટીના નામે ગાળ, અપશબ્દો અને અસભ્યતાને સાંખી નહીં લેવાય. OTT પર વધતા અશ્લીલ કન્ટેન્ટની ફરિયાદને લઈને સરકાર ગંભીર છે. જો એને લઈને નિયમોમાં કોઈ પરિવર્તન કરવાની જરૂર પડી તો એમાં પાછીપાની નહીં કરવામાં આવે. અશ્લીલતા અને અપશબ્દો અટકાવવા માટે સખત પગલાં લેવામાં આવશે.’

entertainment news Web Series anurag thakur