પોતાની છબી ખરડાવવા માટે મીડિયા પર આક્રોશ ઠાલવ્યો મુનમુન દત્તાએ

13 September, 2021 10:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને તમારી પાસે સારી વસ્તુની આશા હતી, પરંતુ શિક્ષિત લોકો જે પ્રકારે કમેન્ટ કરી રહ્યા છે એને જોતાં લાગે છે કે આપણે કેટલા પછાત છીએ. મહિલાઓને સતત તેની ઉંમરને લઈને હાંસીને પાત્ર બનાવવામાં આવે છે.

મુનમુન દત્તા

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ મીડિયા પર તેની છબીને નુકસાન પહોંચાડવાનો આરોપ મૂક્યો છે. ચર્ચા એવી ચાલી રહી છે કે આ સિરિયલમાં ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ સાથે તેના અફેરની અફવા ઊડી છે. બન્ને વચ્ચે ૯ વર્ષનો ગૅપ છે. એથી બન્નેની સોશ્યલ મીડિયામાં ખૂબ નિંદા થઈ રહી છે. હવે આ તમામ અટકળોને લઈને સામાન્ય લોકોને સંબોધીને પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એ પોસ્ટમાં મુનમુન દત્તાએ લખ્યું છે કે ‘મને તમારી પાસે સારી વસ્તુની આશા હતી, પરંતુ શિક્ષિત લોકો જે પ્રકારે કમેન્ટ કરી રહ્યા છે એને જોતાં લાગે છે કે આપણે કેટલા પછાત છીએ. મહિલાઓને સતત તેની ઉંમરને લઈને હાંસીને પાત્ર બનાવવામાં આવે છે. તમારી આ મજાકથી કોઈના મન પર શું વીતે છે એની તમને જાણ છે? તમને એની કોઈ પરવા નથી. ૧૩ વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પાડ્યા બાદ ૧૩ મિનિટની અંદર તમે મારી ગરિમાને ઠેસ પહોંચાડી છે. એથી જો હવે કોઈ ડિપ્રેસ્ડ જણાઈ આવે અને પોતાનો જીવ લેવા માગે તો જરા વિચારજો કે તમારા કોઈ શબ્દોએ તો તેને ઠેસ નથી પહોંચાડી. આજે મને પોતાને ભારતની દીકરી કહેતાં શરમ આવે છે.’
તો બીજી તરફ મીડિયાને સંબોધીને ઇન્સ્ટાગ્રામ પર મુનમુન દત્તાએ લખ્યું છે કે ‘મીડિયા અને ઝીરો ક્રેડિબિલિટીવાળા જર્નલિસ્ટને કહેવા માગું છું કે લોકોની પ્રાઇવેટ લાઇફ વિશે તેમની મંજૂરી વગર છડેચોક ઉછાળવાની પરવાનગી તમને કોણે આપી? તમારા આવા વર્તનને કારણે તેમની છબીને જે નુકસાન થયું છે એની જવાબદારી તમે લેશો? એક માતાએ જ્યારે તેમનો દીકરો ગુમાવ્યો ત્યારે તેના દરદની પણ પરવા વગર તમે માત્ર તમારા ટીઆરપીને વધારવા માટે કૅમેરામાં એને કંડારવામાં માંડ્યા હતા. સેન્સેશનલ આર્ટિકલ્સ અથવા તો હેડલાઇન્સ છાપવા માટે તમે કોઈ પણ હદ સુધી જઈ શકો છો, પરંતુ એનાથી થનાર નુકસાનની જવાબદારી તમે લેશો? જો નહીં તો તમને શરમ આવવી જોઈએ.’

television news indian television entertainment news taarak mehta ka ooltah chashmah