લૉકડાઉન થતાં ‘હમારીવાલી ગુડ ન્યુઝ’ની કાસ્ટ ઍન્ડ ક્રૂ હરિયાણામાં

16 April, 2021 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષની જેમ જ અત્યારે ૧૫ દિવસ માટે તમામ સિરિયલોનાં શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યાં છે

જુહી પરમાર

મુંબઈમાં કોરોનાના વધતા જતા કેસને કારણે મહારાષ્ટ્ર સરકારે વીક-એન્ડ કરફ્યુ-કમ-લૉકડાઉન લાગુ કરી દીધું છે. આ સંજોગોમાં ટીવી-ઇન્ડસ્ટ્રીને મોટી અસર પડી રહી છે. ગયા વર્ષની જેમ જ અત્યારે ૧૫ દિવસ માટે તમામ સિરિયલોનાં શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યાં છે. આ સ્થિતિમાં ઘણી સિરિયલોએ પોતાના સેટ મુંબઈથી અન્ય સ્થળે ફેરવવા માંડ્યા છે. ઝીટીવીના શો ‘હમારીવાલી ગુડ ન્યુઝ’ની કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સે પણ પોતાનો સેટ મુંબઈથી હરિયાણાના માનેસર ખાતે શિફ્ટ કરી નાખ્યો છે. શોમાં મુખ્ય મેલ કૅરૅક્ટર ભજવતા ઍક્ટર રાઘવ તિવારીએ કહ્યું કે ‘ગુરુવારે સરકારે કરફ્યુનો આદેશ આપ્યો એ પછી થોડા સમયમાં જ પ્રોડક્શન-હાઉસે નિર્ણય લઈને ૧૬ એપ્રિલથી આખા સેટને હરિયાણાના માનેસરમાં શિફ્ટ કરવાનું નક્કી કર્યું છે. હું જાણું છું કે આ સમય ખૂબ મુશ્કેલ છે, પરંતુ અમે અમારું કામ અટકાવી શકતા નથી. કામ અટકવાથી કેવી સ્થિતિ સર્જાય છે એ અમે ગયા વર્ષે લૉકડાઉનમાં જોયું છે. કોરોના વાઇરસથી લડવું જરૂરી છે, એની સાથે જ અમારે શોને ચાલુ રાખવા માટેના વિકલ્પ વિશે પણ વિચારવું પડશે.’

રાઘવે ઉમેર્યું કે ‘દિલ્હી પણ કોરોના સામે સુરક્ષિત નથી, પરંતુ માનેસર દૂર વસેલું હોવાને કારણે વધુ સુરક્ષિત છે. અમે ત્યાં માત્ર અમારા માટે જ નહીં, પરંતુ ત્યાંના સ્થાનિક લોકોની સુરક્ષા માટે પણ બાયો-બબલ તૈયાર કરીશું.’ 

entertainment news television news indian television coronavirus covid19 lockdown