દસ વર્ષમાં ત્રણ વાર કરવામાં આવી રાજુની ઍન્જિયોપ્લાસ્ટી

22 September, 2022 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસ વર્ષ પહેલાં પહેલી વાર મુંબઈની કોકિલાબેન હૉ​સ્પિટલમાં હાર્ટના પ્રૉબ્લેમને કારણે તેની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી

સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાજંલી આપવા માટે પુરીમાં તૈયાર કરેલું આર્ટ.

રાજુ શ્રીવાસ્તવે દસ વર્ષમાં ત્રણ વાર ઍન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ સાથે જ તેના બ્રેઇન સેલ્સ પણ ડેડ થઈ ગયા હોવાથી એ તેના મૃત્યુનું કારણ બન્યું હતું. રાજુ શ્રીવાસ્તવનું ગઈ કાલે મૃત્યુ થયું હતું અને આજે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રાજુ જ્યારે ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો ત્યારે તેને કાર્ડિઍક અરેસ્ટ આવતાં તે પડી ગયો હતો. તેને ૨૦-૨૫ મિનિટમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં જ તેની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ ઍન્જિયોપ્લાસ્ટી સફળ રહી હતી, પરંતુ તેના કેટલાક બ્રેઇન સેલ્સ ડેડ થઈ ગયા હતા. દિમાગમાં ઑક્સિજન ન મળવાથી ડૉક્ટર્સને ટેન્શન આવી ગયું હતું. ડૉક્ટરે પહેલેથી જ કહી દીધું હતું કે આ વસ્તુનો કોઈ ઇલાજ નથી. ડૉક્ટર સતત પ્રયત્ન કરી રહ્યા હતા કે દિમાગમાં ઑક્સિજન પહોંચી શકે, પરંતુ એ શક્ય નહોતું થયું. હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યાના બાર દિવસ બાદ તેને બ્રેઇન ડેડ જાહેર કરી દેવામાં આવ્યો હતો. ૪૩ દિવસમાં ફૅમિલીએ એક જ વાર રાજુની આંખની પાંપણ અને હાથની આંગળીને હલતાં જોયાં હતાં. તેના ફૅમિલીને આશા હતી કે કોઈ ચમત્કાર થઈ શકે. જોકે દુઃખની વાત છે કે એવું કંઈ થઈ ન શક્યું.

રાજુની છેલ્લાં દસ વર્ષમાં ત્રણ વાર ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. દસ વર્ષ પહેલાં પહેલી વાર મુંબઈની કોકિલાબેન હૉ​સ્પિટલમાં હાર્ટના પ્રૉબ્લેમને કારણે તેની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. સાત વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં તેને ઍડ્મિટ કરવામાં આવ્યો હતો જ્યાં તેની બીજી વાર ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જોકે ત્યાર બાદ તેની હેલ્ધ સારી હતી. સાત વર્ષ બાદ ફરી હાલમાં જ ગયા મહિને તેની ત્રીજી વાર ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.

entertainment news television news raju shrivastav indian television