`ડૉક્ટર સ્ટ્રેન્જ ઇનટુ ધ મલ્ટિવર્સ ઑફ મૅડનેસ` રિવ્યુ: મલ્ટિવર્સ ઑફ સૅડનેસ

07 May, 2022 02:12 PM IST  |  Mumbai | Harsh Desai

સ્ટોરી ખૂબ જ કમજોર છે અને આખી ફિલ્મમાં એટલે કે દરેક મલ્ટિવર્સમાં ડૉક્ટર સ્ટ્રેન્જ તેની ગર્લફ્રેન્ડને લઈને ખૂબ જ દુખી હોય છે : ઍક્શન પણ ખાસ નથી અને ત્રણ-ચાર દૃશ્યોને બાદ કરતાં ગ્રાફિક્સ પણ જોવાની મજા આવે એવાં નથી

મલ્ટિવર્સ ઑફ સૅડનેસ

ફિલ્મ : ડૉક્ટર સ્ટ્રેન્જ ઇનટુ ધ મલ્ટિવર્સ ઑફ મૅડનેસ

કાસ્ટ : બેનેડિક્ટ કમ્બરબૅચ, એલિઝાબેથ ઑલ્સન, ઝોચિતી ગોમેઝ

ડિરેક્ટર : સૅમ રાઇમી

રિવ્યુ : બે સ્ટાર (ઠીક-ઠીક)

માર્વલ સિનેમૅટિક યુનિવર્સની આગામી ફિલ્મ ‘ડૉક્ટર સ્ટ્રેન્જ ઇનટુ ધ મલ્ટિવર્સ ઑફ મૅડનેસ’ ગઈ કાલે રજૂ થઈ છે. ‘અવેન્જર્સ : એન્ડગેમ’ બાદ પણ આ યુનિવર્સને આગળ વધારવામાં આવી રહ્યું છે. ‘સ્પાઇડર મૅન : નો વે હોમ’ બાદ આ ફિલ્મ આવી છે એથી એ ફિલ્મમાં ડૉક્ટર સ્ટ્રેન્જે મલ્ટિવર્સ સાથે છેડછાડ કરી હતી એનું પરિણામ તેણે આ ફિલ્મમાં ભોગવવું પડી રહ્યું છે. આ સાથે જે વાન્ડા એટલે કે સ્કારલેટ વિચ પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં છે. વેસ્ટવ્યુ બાદ તેની લાઇફમાં શું થયું એની સ્ટોરી આ ફિલ્મમાં કહેવામાં આવી છે. આથી ફિલ્મની સાથે અહીં ડિઝની + હૉટસ્ટાર પર આવેલી દરેક કૅરૅક્ટરની સ્ટોરી સાથે પણ કનેક્ટ કરવામાં આવ્યું છે.
સ્ટોરી ટાઇમ
ડૉક્ટર સ્ટ્રેન્જે મલ્ટિવર્સના દરવાજા સાથે છેડખાની કરી હોવાથી એક દિવસ એક એલિયન એક છોકરીનો પીછો કરતો-કરતો પૃથ્વી પર આવી જાય છે. આ છોકરીનું નામ અમેરિકા છે જે પાત્ર ઝોચિતી ગોમેઝે ભજવ્યું છે. અમેરિકાને બચાવવા માટે ડૉક્ટર સ્ટ્રેન્જ એટલે કે બેનેડિક્ટ કમ્બરબૅચ એલિયન સામે ફાઇટ કરે છે. તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેને ખબર પડે છે કે અમેરિકા મલ્ટિવર્સમાં ટ્રાવેલ કરી શકતી હોય છે અને એથી તેનો પાવર લેવા માટે કોઈ વિલન તેની પાછળ પડ્યું હોય છે. આ વિલન કોઈ નહીં, પરંતુ વાન્ડા હોય છે. વાન્ડા એકલી પડી ગઈ હોય છે અને પોતાને ખુશ રાખવા માટે તે સપનાં જોતી હોય છે અને એ સપનાંમાં તે પોતાની સાથે તેનાં બાળકોને જોતી હોય છે. આ બાળકો તેનાં પોતાનાં નથી હોતાં પરંતુ મલ્ટિવર્સમાં અન્ય વાન્ડાનાં હોય છે. તે અન્ય મલ્ટિવર્સમાં જઈને આ બાળકોને પોતાની સાથે રાખવા માગતી હોય છે અને એથી જ તે કોઈ પણ ભોગે અમેરિકાનો પાવર લેવા માગતી હોય છે. આ પાવર જો તે લઈ લે તો અમેરિકા મૃત્યુ પામશે અને એથી જ ડૉક્ટર સ્ટ્રેન્જ એ નથી થવા દેવા માગતો. આથી ડૉક્ટર સ્ટ્રેન્જની સામે ટક્કર લેવા માટે વાન્ડા ડાર્કહોલ્ડ બુકનો સહારો લે છે. આ બુકની મદદથી તેને ડાર્ક પાવર મળે છે અને તે વિલન બની જાય છે. આ ડાર્કહોલ્ડથી બચવાનો ઉપાય વિશાંતિ બુકમાં હોય છે અને એ બુક ઘણાં યુનિવર્સમાં ડૉક્ટર સ્ટ્રેન્જ શોધવા નીકળે છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
માઇકલ વોલ્ડ્રોન દ્વારા આ ફિલ્મનો સ્ક્રીનપ્લે લખવામાં આવ્યો છે. માર્વલ એનાં ગ્રાફિક્સ, એની ઍક્શન, એના સ્ટોરી ટેલિંગ અને એના ટ્વિસ્ટ માટે જાણીતું છે. જોકે માઇકલે આ ફિલ્મમાં ઇમોશન્સનો ઓવરડોઝ આપ્યો છે. તેણે એક મેસેજ આપવાની કોશિશ જરૂર કરી છે કે સુપરહીરો પણ લાઇફમાં ખુશ નથી રહી શકતા. તેમ જ તેમને પણ અન્ય વ્યક્તિના સાથની જરૂર હોય છે. જોકે દરેક દૃશ્યમાં એકની એક વાત. દરેક યુનિવર્સમાં ડૉક્ટર સ્ટ્રેન્જ ફક્ત ને ફક્ત તેની ગર્લફ્રેન્ડના નામનું રડતો હોય છે. એક વાર તો એવું કહેવાનું મન થઈ જાય કે કોઈ આને ગર્લફ્રેન્ડ શોધી આપો જેથી સ્ટોરી આગળ વધે. તેમ જ વાન્ડાને પણ તેનાં બાળકો મેળવવા પાછળ એટલી ઘેલી બતાવી છે કે તે શું પોતાનું અને શું બીજાનું એ સમજી નથી શકતી. જોકે વાન્ડાનું સમજમાં આવે છે, પરંતુ સ્ટ્રેન્જને પણ એવો જ જોવો ખરેખર સ્ટ્રેન્જ લાગે છે. સૅમ રાઇમીએ છેલ્લી સુપરહીરો ફિલ્મ ૨૦૦૭માં આવેલી ‘સ્પાઇડર મૅન 3’ને ડિરેક્ટ કરી હતી. તેમણે ૨૦૧૩માં આવેલી ‘ઓઝેડ ધ ગ્રેટ ઍન્ડ પાવરફુલ’ને ડિરેક્ટ કરી હતી. મલ્ટિવર્સને એક્સપ્લોર કરવું સહેલું નથી. જોકે ‘સ્પાઇડર મૅન : નો વે હોમ’માં જે રીતે મલ્ટિવર્સને દેખાડવામાં આવ્યું હતું એટલી મજા નથી. હા, આ ફિલ્મમાં જુદાં-જુદાં મલ્ટિવર્સમાં જરૂર લઈ જવામાં આવે છે પરંતુ એ એટલું એક્સાઇટિંગ નથી લાગતું. આ મલ્ટિવર્સમાં એકાદ મલ્ટિવર્સનું દૃશ્ય ચૂકી ગયા તો પણ કોઈ ખાસ ફરક નથી પડતો. સૅમ રાઇમીના ડિરેક્શનનો આ સૌથી મોટો માઇનસ પૉઇન્ટ છે. આ ફિલ્મ જોઈને એવું લાગે છે કે મલ્ટિવર્સ ઑફ ઇમોશન્સ કે પછી મલ્ટિવર્સ ઑફ સૅડનેસ છે. ઇમોશન્સ સાથે ફિલ્મને દર્શકો સુધી સારી રીતે કનેક્ટ કરી શકાય છે, પરંતુ વધુપડતાં ઇમોશન્સ પર સ્ટોરી પર ભારે પડે છે. ગ્રાફિક્સ પણ એટલાં ખાસ નથી. પહેલી ડૉક્ટર સ્ટ્રેન્જમાં જે ગ્રાફિક્સ હતાં એ ખરેખર અદ્ભુત હતાં, પરંતુ સેકન્ડ પાર્ટમાં બે-ત્રણ દૃશ્યને છોડતાં તેમણે કોઈ ખાસ ગ્રાફિક્સનો ઉપયોગ નથી કર્યો. સેટ સારા બનાવ્યા છે, પરંતુ માર્વલે તેમની ગેમ એક સ્ટેપ ઉપર લાવવી જોઈએ એ અહીં જોવા નથી મળ્યું. ઍક્શન પણ કંઈ ખાસ નથી. એક દૃશ્યમાં મ્યુઝિક નોટ્સનો ઉપયોગ ફાઇટ માટે કરવામાં આવ્યો એ ખરેખર સારો ક્રીએટિવ કૉલ હતો. આ નોટ્સની સાથે ઍક્શન દરમ્યાન બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બદલાતું હતું. એ દૃશ્યમાં ડિરેક્ટર અને મ્યુઝિક ડિરેક્ટર ખરેખર સિન્કમાં હતા.
પર્ફોર્મન્સ
ડૉક્ટર સ્ટ્રેન્જને અહીં ઘણી વાર સ્ટ્રેન્જ રીતે દેખાડવામાં આવ્યો છે. જોકે તેણે તેનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. તેના લુક પરથી લાગે છે કે તે થોડો ઘરડો થઈ ગયો છે, પરંતુ તે જેટલો સ્ટ્રેન્જ છે એટલો જ સ્ટ્રેન્જ દેખાડવામાં આવ્યો છે. ગર્લફ્રેન્ડ માટે રડતો, પણ એવું અહીં કોણે કહ્યું...?! બેનેડિક્ટે દરેક ઇમોશનને સારી રીતે દેખાડ્યું છે, પરંતુ આ તેની પોતાની ફિલ્મ હોય એવું નથી લાગતું. તેના કરતાં વાન્ડા પર ફોકસ કર્યું હોય એવું વધુ દેખાડવામાં આવ્યું છે. વાન્ડાની ફિલ્મમાં ડૉક્ટર સ્ટ્રેન્જે કામ કર્યું હોય એવું લાગે છે. જોકે વાન્ડા એટલે કે એલિઝાબેથ ઓલ્સેને તેનાં ઇમોશન્સને ખૂબ જ સારી રીતે દેખાડ્યાં છે. તે જ્યારે સ્કારલેટ-વિચ બને છે ત્યારે પણ તે ખરેખર વિચ લાગે છે. ઝોચિતી ગોમેઝના પાત્રને પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. તે કેવી રીતે આવી અને તેનો પાવર શું છે એ હજી સુધી જણાવવામાં નથી આવ્યું, પરંતુ તે ખૂબ જ કૉન્ફિડન્ટ લાગે છે. એક દૃશ્યમાં તો તે ડૉક્ટર સ્ટ્રેન્જને પણ ખાઈ ગઈ હતી. આ સિવાયનાં તમામ પાત્રોએ પણ સારું કામ કર્યું છે.
આખરી સલામ
આ ફિલ્મમાં એક્સમૅન અને ફૅન્ટૅસ્ટિક ફોરનાં પાત્રોને પણ દેખાડવામાં આવ્યાં છે અને એ જ્યારે આવે ત્યારે એક્સાઇટમેન્ટ રહે છે. જોકે મલ્ટિવર્સના કૅપ્ટન અમેરિકા અને કૅપ્ટન માર્વલને ખૂબ જ નબળા દેખાડવામાં આવ્યા છે. તેમને આટલી જલદી હાર માનતા જોઈને માર્વલ પર ખૂબ જ દયા આવે છે.

entertainment news bollywood news harsh desai