આજે ઓપન થાય છે નવું નાટક મેં મારું જ કરી નાખ્યું

31 March, 2019 11:55 AM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે નવું નાટક મેં મારું જ કરી નાખ્યું

સંજય ડી ઝાએ લખ્યું છે નાટક

ટચવૂડ પ્રોડક્શન્સ નિર્મિત, સંજય ડી. ઝા લિખિત અને વિશાલ જરીવાલા દિગ્દર્શિત નાટક ‘મેં મારું જ કરી નાખ્યું’માં અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચેનો ફરક સમજાવે છે, પણ એ સમજાવવાની રીત કૉમેડી છે. નાટકના દિગ્દર્શક વિશાલ જરીવાલા કહે છે, ‘કોઈ એક વાતને સાચી માનીને આગળ વધવા કરતાં તો તમારે એ વાતની ખરાઈ કરવી જોઈએ. જો ખરાઈ ન કરો તો એવી હાલત થઈ જાય જેવી આ નાટકના હીરો સમીરની થાય છે.’

સમીર અને સલોનીનાં મૅરેજને ઑલમોસ્ટ પંદર વર્ષ થઈ ગયાં છે અને હવે તે બન્ને ડિવૉર્સ લેવાનાં છે. આ ડિવૉર્સનું કારણ થોડું હાસ્યાસ્પદ છે, પણ એ જ હકીકત છે. સમીર જેના પર ખૂબ શ્રદ્ધા ધરાવે છે એ કોમલબાબાએ એવી આગાહી કરી છે કે પંદર દિવસમાં તેનું મોત નક્કી છે. સમીર નથી ઇચ્છતો કે તેની ગેરહાજરીમાં સલોની હેરાન થાય અને એટલે તે પોતાના ધીરજ નામના ચોવીસ કલાક દારૂ પીધેલા ફ્રેન્ડની મદદથી સલોની માટે હસબન્ડ શોધવાનું કામ શરૂ કરે છે. લાંબી મથામણ પછી બન્ને નક્કી કરે છે કે અનાયાસે ઘરે આવી ગયેલા સલોનીના ફ્રેન્ડ વિનીત સાથે સલોનીનાં મૅરેજ કરાવવાં. સલોની પણ હસબન્ડની અંતિમ ઇચ્છાને માન આપીને મૅરેજ માટે તૈયાર થઈ જાય છે અને અહીંથી કન્ફ્યુઝનનો ધોધમાર વરસાદ ચાલુ થાય છે. નાટકના લેખક સંજય ડી. ઝા કહે છે, ‘આ જે બધી મૂંઝવણ અને ગોટાળાઓ છે એ માનવાં અઘરી છે, પણ એમ છતાં માનવી પડે એવી વાસ્તવિક પણ છે. આગળ શું થાય છે અને સમીર ખરેખર પોતે કેવો અટવાય છે અને અટવાયા પછી આ બધામાંથી બહાર આવે છે કે નહીં એ તો નાટકમાં રિવીલ થશે.’

આ પણ વાંચોઃ આવી રહી છે ગુજરાતી ફિલ્મ 'G'

‘મેં મારું જ કરી નાખ્યું’ના મુખ્ય કળાકારોમાં ડેનિશ પુનિવાલા, નિમિષા જરીવાલા, વિશાલ જરીવાલા, સૌમિલ, ચેતન પટેલ અને જૈમિન ડોક્ટર છે. નાટકનો શુભારંભ આજે બપોરે ચાર વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarat news mumbai