‘હલકી ફુલકી’ અને રવીન્દ્ર જાડેજાનો શો સંબંધ છે?

16 December, 2021 09:19 AM IST  |  Mumbai | Rashmin Shah

નેહા મહેતા સ્ટારર આ ગુજરાતી ફિલ્મ રવીન્દ્ર જાડેજાના સગા સાળા શત્રુઘ્નસિંહ સોલંકીએ પ્રોડ્યુસ કરી છે

રવીન્દ્ર જાડેજા અને શત્રુઘ્નસિંહ સોલંકી

ટીમ ઇ​િન્ડયાના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને હવે રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘હલકી ફુલકી’ વચ્ચે સીધો સંબંધ છે. નેહા મહેતા સ્ટારર આ ગુજરાતી ફિલ્મ રવીન્દ્ર જાડેજાના સગા સાળા શત્રુઘ્નસિંહ સોલંકીએ પ્રોડ્યુસ કરી છે. હા, ‘સર’ જાડેજાનો સગો સાળો. માત્ર વીસ વર્ષની ઉંમર ધરાવતા શત્રુઘ્નની ઇચ્છા એન્ટરટેઇનમેન્ટ ફીલ્ડમાં દાખલ થવાની હતી, જેના માટે તે બે વર્ષથી યોગ્ય તકની રાહ જોતો હતો. ફાઇનલી તેને ‘હલકી ફુલકી’ની સ્ટોરી પસંદ પડી અને તેણે એ ફિલ્મ પ્રોડ્યુસ કરી.
મજાની વાત એ છે કે શત્રુઘ્નસિંહ આ ફિલ્મમાં પ્રોડ્યુસ તરીકે જ ડેબ્યુ નથી કરતો, તેણે આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એક સિંગર તરીકે પણ એન્ટ્રી કરી છે. યસ, શત્રુઘ્નસિંહ સોલંકીએ કવિ અને ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ એવા ડૉ. મુકુલ ચોકસીએ લખેલું ‘ચાય ગરમ...’ ગીત ફિલ્મમાં ગાયું છે. રવીન્દ્ર જાડેજાની વાઇફ અને શત્રુઘ્નની મોટી બહેન રીવાબા જાડેજા કહે છે, ‘મને આજે પણ યાદ છે કે તે ગમે એટલો થાકેલો હોય તો પણ પોતાના સિન્ગિંગ ક્લાસ ક્યારેય મિસ કરે નહીં. મ્યુઝિક માટેનો તેનો જે શોખ છે એ જોઈને જ કહું છું કે તે મ્યુઝિકમાં બહુ આગળ વધશે એની અમને સૌને ખાતરી છે.’
શત્રુઘ્નસિંહની આ પહેલી ફિલ્મ શુક્રવારે રિલીઝ થશે. આ ફિલ્મનું ટ્રેલર રવીન્દ્ર જાડેજાએ જ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર રિલીઝ કર્યું હતું. શત્રુઘ્નસિંહ કહે છે, ‘મારે સારી ફિલ્મ પ્રોડ્યુસ કરવી હતી. હું જયંત ગિલાટરને મળ્યો. તેમણે મને ‘હલકી ફુલકી’ની વાર્તા સંભળાવી અને મેં નક્કી કર્યું કે આ જ ફિલ્મ પ્રોડ્યુસ કરવી છે. સિંગર તરીકે એ સમયે મેં તો વિચાર્યું પણ નહોતું કે હું કોઈ સૉન્ગ ગાઈશ, પણ મને તક મળી અને મેં એ પણ ઝડપી લીધી.’

entertainment news dhollywood news gujarati film ravindra jadeja Rashmin Shah