અમિતાભ બચ્ચન મારી સામે હોય અને હું બોલું... લાઇટ્સ, કૅમેરા, ઍક્શન

23 June, 2026 11:30 AM IST  |  Mumbai | Varsha Chitaliya

વેન્ટિલેટર, ડિયર ફાધર, ઝમકુડી અને બધું ALRIGHT છે જેવી ગુજરાતી ફિલ્મોના ડિરેક્ટર ઉમંગ વ્યાસનું આ સપનું છે. કાંદિવલીમાં રહેતા આ યંગ ડિરેક્ટર અર્બન ગુજરાતી ફિલ્મોમાં બૉલીવુડ ટચ ઉમેરીને પ્રેક્ષકો માટે ભરપૂર મનોરંજન પીરસી રહ્યા છે

ડિરેક્ટર ઉમંગ વ્યાસ

૨૦૨૪ની હૉરર કૉમેડી ફિલ્મ ‘ઝમકુડી’ની સફળતા બાદ ડિરેક્ટર, રાઇટર અને ઍક્ટર ઉમંગ વ્યાસ વધુ એક ગુજરાતી કૉમેડી ફિલ્મ લઈને આવ્યા છે - ‘બધું ALRIGHT છે’. બે દાયકાથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉમંગભાઈની આ ચોથી ગુજરાતી ફિલ્મ છે. વિરાજ ઘેલાણી અભિનીત આ ફિલ્મની સ્ટોરી વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘ફિલ્મમાં સિચુએશનલ કૉમેડી છે. કર્મ કરવા જઈએ અને કાંડ થઈ જાય એવી વાર્તા છે. ફિલ્મનો હીરો બિરજુ UKથી ઇન્ડિયા પાછો આવ્યા પછી જાતજાતના વાયદા કરે છે. તેના પપ્પા કન્ડિશન રાખે છે કે લાઇફમાં સેટલ થઈ જા તો ધંધો સોંપી દઉં. બિરજુ ઊલમાંથી ચૂલમાં પડે છે અને હાસ્યનું હુલ્લડ સર્જાય છે. ફિલ્મમાં વિરાજ ઘેલાણી, જાહ્‌નવી ગુરનાણી, મેહુલ બુચ, દીપ વૈદ્ય, વિનીતા જોશી, શરદ વ્યાસ, પ્રેમ ગઢવી, મોરલી પટેલ અને ખુશ્બૂ ત્રિવેદી જેવાં કલાકારો પ્રેક્ષકોને ભરપૂર મનોરંજન પીરસે છે.’

ફુલ એન્ટરટેઇનમેન્ટ

ઉમંગ વ્યાસ ડિરેક્ટર તરીકે ૨૦૧૮માં ‘વેન્ટિલેટર’, ૨૦૨૨માં ‘ડિયર ફાધર’, અને ‘ઝમકુડી’ જેવી હિટ ગુજરાતી ફિલ્મો આપી ચૂક્યા છે. ગુજરાતી ફિલ્મો ઉપરાંત ‘મોહેંજો દારો’, ‘જોકર’, ‘ખેલેં હમ જી જાન સે’, ‘વૉટ્સ યૉર રાશિ’ જેવી બૉલીવુડની ફિલ્મોમાં તેઓ અસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ કહે છે, ‘એક તબક્કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીનો ડાઉનફૉલ આવી ગયો હતો. યુવા દિગ્દર્શકો અને કલાકારોની એન્ટ્રી બાદ એમાં પ્રાણ ફૂંકાયા. કારકિર્દીની શરૂઆતમાં આશુતોષ ગોવારીકરના માર્ગદર્શનમાં કામ કર્યું હોવાથી મારી ફિલ્મમાં બૉલીવુડની ઝલક જોવા મળે છે. સેટ પર કૅમેરામેન, સાઉન્ડથી લઈને એડિટિંગ સુધી તમામ ડિપાર્ટમેન્ટના હેડ હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા હોય છે. વાસ્તવમાં અત્યારે અર્બન મૉડર્ન ગુજરાતી ફિલ્મોનો જમાનો છે. બીબાઢાળ ફિલ્મો નથી ચાલવાની. અલગ-અલગ પ્રકારની ફિલ્મો ડિરેક્ટ કરવાની મજા આવે છે. ૨૦૧૮માં આવેલી ‘વેન્ટિલેટર’ કૉમેડી-ડ્રામા હતી. પહેલી જ ફિલ્મમાં જૅકી શ્રોફ અને પ્રતીક ગાંધીને ડિરેક્ટ કરવાની તક મળી. જોકે મોટી સ્ટારકાસ્ટ સાથે કામ કરવાનું પ્રેશર હતું. ૨૦૨૨માં રજૂ થયેલી ‘ડિયર ફાધર’ પારિવારિક ફિલ્મ હતી. ઊંચા ગજાના કલાકાર પરેશ રાવલને હું શું ડિરેક્ટ કરી શકું? ફિલ્મમાં પાછો તેમનો ડબલ રોલ હતો. ઍક્ટિંગમાં તેમની માસ્ટરી છે. સેટ પર તેઓ હળવા મૂડમાં રહેતા. આ લર્નિંગ એક્સ્પીરિયન્સ હતો. ૨૦૨૪માં આવેલી ‘ઝમકુડી’માં હૉરર અને કૉમેડીનું બૅલૅન્સ રાખવાનું હતું. ટાઇટલ ટ્રૅક સુપરહિટ થયું હતું. અલગ જૉન્રની ફિલ્મ હોવાથી ઘણા ચૅલેન્જિસ હતા. વિરાજ સાથે આ મારી પહેલી ફિલ્મ હતી. ‘બધું ALRIGHT છે’માં અમે ફરીથી સાથે કામ કર્યું છે. ઇન્ડસ્ટ્રીમાં લોકો અમને ગુજરાતી ફિલ્મની ડેવિડ ધવન-ગોવિંદાની જોડી કહી રહ્યા છે.’

ફિલ્મોમાં કઈ રીતે આવ્યા?

કાંદિવલીમાં રહેતા ૪૧ વર્ષના ઉમંગભાઈનો પરિવાર શિક્ષણજગત સાથે સંકળાયેલો છે. કાંદિવલીના એક સમયના વિખ્યાત વ્યાસ ક્લાસિસવાળા વ્યાસ પરિવારના ઉમંગભાઈએ પારિવારિક વ્યવસાયથી અલગ માર્ગ પસંદ કરીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સફળ કારકિર્દી બનાવી છે. સર્જનાત્મક ક્ષેત્રમાં કઈ રીતે આવ્યા એ વિશે જણાવતાં તેઓ કહે છે, ‘ભણવાની સાથે રમતગમતમાં મારી રુચિ હતી. પ્રોફેશનલ ક્રિકેટ રમતો હતો. ગ્રૅજ્યુએશન થયા પછી મારી સમક્ષ બે વિકલ્પ હતા : ક્રિકેટ અથવા ફિલ્મ. પરિવારમાં બધા ફિલ્મો જોવાના શોખીન. ઘરમાં જૂનાં ગીતો વાગતાં હોય. સંગીતમય વાતાવરણ હતું. શિક્ષકોનું માઇન્ડસેટ પ્રોગ્રેસિવ હોય. પરિવારે અલગ ક્ષેત્રમાં જવાના વિચારને વધાવી લીધો. જોકે ચેતીને ચાલજે એવી શિખામણ પણ આપી. ત્યાર બાદ લંડનથી ફિલ્મમેકિંગનો કોર્સ કર્યો. ૨૦૦૭માં આશુતોષ ગોવારીકરને અસિસ્ટ કરવાથી શરૂઆત કરી. ઍક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો. ‘મોહેંજો દારો’માં નાનો રોલ કર્યો હતો. રાઇટિંગનું પૅશન તો છે જ. વાર્તા લખીને ડેવલપ કરું છું. ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અનાયાસ આવ્યો. અભિષેક જૈનની ફિલ્મ ‘બે યાર’ જોયા પછી મને લાગ્યું કે અર્બન ગુજરાતી ફિલ્મોનો જમાનો આવી ગયો છે. ‘વેન્ટિલેટર’ ડિરેક્ટ કરવાનું કહેવામાં આવ્યું તો તક ઝડપી લીધી. માતૃભાષામાં કામ કરવાની મજા આવી રહી છે. જોકે દિગ્દર્શક તરીકે મારા માટે ભાષા કરતાં વાર્તા વધુ મહત્ત્વની છે. મારો અનુભવ કહે છે કે કૉમેડી લખવું સૌથી અઘરું છે. ફિલ્મ રિલીઝ થયા પછી અમે થિયેટરની વિઝિટ કરીને ઑડિયન્સનું ફીડબૅક લઈએ છીએ. યુવા પેઢી ગુજરાતી સિનેમા જોવાનું પસંદ કરે છે. ​જોકે બહુ લાંબી ફિલ્મો તેમને પસંદ નથી આવતી. ડિરેક્ટર તરીકે ફિલ્મની લંબાઈ અને છેલ્લા સીન સુધી પ્રેક્ષકોને સ્ટોરી સાથે કનેક્ટેડ રાખવા ચૅલેન્જિંગ પાર્ટ છે. આજે ફાસ્ટ ફૉર્વર્ડનો જમાનો છે. ૩૦ સેકન્ડની રીલમાં પણ પહેલી પાંચ સેકન્ડમાં મજા ન આવે તો લોકો સ્ક્રોલ કરીને આગળ વધી જશે. ફૉર્મેટ કોઈ પણ હોય, કન્ટેન્ટ સારું હશે તો ચાલશે. ગુજરાતીમાં અત્યારે એક્સપરિમેન્ટલ સિનેમાનો દોર ચાલે છે.’

આગામી પ્રોજેક્ટ

ફિલ્મો ઉપરાંત ઉમંગભાઈએ સોની લિવ પર ઉપલબ્ધ વેબ-સિરીઝ ‘રિયલ કશ્મીર ફુટબૉલ ક્લબ’ની સ્ક્રિપ્ટ લખી છે. આગામી પ્રોજેક્ટ, ડ્રીમ અને નવતર પ્રયોગને લઈને તેઓ ઉત્સાહિત છે. ઉમંગભાઈ કહે છે, ‘બૅક-ટુ-બૅક ‘ઝમકુડી 2’ અનાઉન્સ થઈ ગઈ છે. સીક્વલ હોવાથી કૉમેડીનો તડકો પણ ડબલ નાખવાનો છે. બધા ડિરેક્ટરની જેમ મારી ઇચ્છા પણ બૉલીવુડની ફિલ્મ ડિરેક્ટ કરવાની છે. આમિર ખાન, હૃતિક રોશન અને અબોવ ઑલ લેજન્ડ અમિતાભ બચ્ચનને ડિરેક્ટ કરવા છે. બચ્ચનસરને હાથ જોડીને વિનંતી કરવી છે કે એક વાર થોડી ક્ષણો માટે મારા સેટ પર આવો. મારે ફક્ત એટલું જ કહેવું છે કે લાઇટ્સ, કૅમેરા, ઍક્શન... આ મારું ડ્રીમ છે. વેબ-સિરીઝની ઑફર આવે છે, પરંતુ મને એમાં વધુ રસ નથી. વાર્તા ઘણી લાંબી હોય, ઘણા એપિસોડ હોય, સમય પણ ખૂબ જોઈએ. પ્રેક્ષકોનાં રીઍક્શન્સ પણ મળતાં નથી. ક્રીએટિવ સૅટિસ્ફૅક્શન નથી અને ફેલ્યર-રેટ હાઈ હોય છે. હું પ્રોસેસ-ઓરિએન્ટેડ પર્સન છું. ફિલ્મો જેવી મજા બીજા પ્લૅટફૉર્મ પર નથી આવતી. જોકે ક્યારેક ફન ખાતર ઍક્ટિંગ કરવી ગમે છે. સંયુક્ત કુટુંબમાં રહું છું. વ્યસ્તતા વચ્ચે પત્ની અને ટીનેજ ડૉટર માટે સમય કાઢીને આનંદ કરી લઉં છું.’

gujarati film latest films dhollywood news entertainment news Varsha Chitaliya