ગુજરાત સરકારે ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ `નાયિકા દેવી` કરી ટેક્સ ફ્રી

04 June, 2022 01:48 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Online Correspondent

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ આપવાની જાહેરાત કરી છે

ગુજરાતી ફિલ્મ `નાયિકા દેવી`નું પોસ્ટર

ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને ગુજરાત રાજ્યમાં કરમુક્તિનો લાભ આપવામાં આવ્યો છે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

આ અંગે મુખ્યપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે “મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવન, સાહસ-શૌર્ય તેમજ મહમ્મદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરીને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને જીવંત રાખતી ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી’ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.”

આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમ જ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ નાયિકા દેવી પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહમદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને પ્રદર્શિત કરે છે.

entertainment news dhollywood news gujarat bhupendra patel