અક્ષય કુમારની માનહાની કેસની નોટિસનો યુટ્યુબર રાશિદ સિદ્દીકીનો વિરોધ

21 November, 2020 03:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષય કુમારની માનહાની કેસની નોટિસનો યુટ્યુબર રાશિદ સિદ્દીકીનો વિરોધ

રાશિદ સિદ્દીકી, અક્ષય કુમાર

યુટ્યુબર રાશિદ સિદ્દીકી (Rashid Siddqui)એ બૉલીવુડ અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)ના 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસનો વિરોધ કર્યો છે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સિદ્દીકીએ તેના વકીલ જેપી જયસ્વાલ મારફતે મોકલેલા જવાબમાં લખ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસમાં તેણે જે વીડિયો બનાવ્યો, તેમાં કંઈપણ અપમાનજનક નથી. તેણે અક્ષય કુમાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા, અફસોસજનક અને દમનકારી ગણાવ્યા છે અને સાથે જ કહ્યું છે કે આ આરોપોનો ઉદ્દેશ હેરાન કરવાનો છે.

અક્ષય કુમારે મોકલાવેલી 500 કરોડ રૂપિયાની માનહાની કેસની નોટિસના જવાબમાં રાશિદ સિદ્દીકીના વકીલ જેપી જયસ્વાલે લખ્યું છે કે, ‘સુશાંત સિંહ રાજપૂતના ડેથ કેસને સિદ્દીકી સહિત ઘણા સ્વતંત્ર પત્રકારોએ કવર કર્યો, કારણકે ઘણા પ્રભાવશાળી લોકો તેમાં સામેલ હતા અને જાણીતી મીડિયા ચેનલ્સ સાચી માહિતી આપી રહી ન હતી. તેણે એવું પણ લખ્યું કે બોલવાની આઝાદી નાગરિકોનો મૌલિક અધિકાર છે. સિદ્દીકી દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટને અપમાનજનક માની શકાય નહીં, કારણકે તેણે નિષ્પક્ષતા સાથે પોતાનું મંતવ્ય રાખ્યું. સિદ્દીકી દ્વારા રિપોર્ટ કરવામાં આવેલા ન્યૂઝ પહેલેથી જ પબ્લિક ડોમેનમાં હતા અને તેણે સૂત્રો તરીકે અન્ય ન્યૂઝ ચેનલ્સનો હવાલો આપ્યો હતો. આ સિવાય માનહાનીની નોટિસ લેટ મોકલવા પર પણ સવાલ પેદા થાય છે કારણકે વીડિયો ઓગસ્ટ 2020માં અપલોડ થયા હતા’.

વધુમાં લખ્યું છે કે, ‘500 કરોડ રૂપિયા નુકસાન ભરપાઈ માટે એકદમ અર્થ વગરના અને અનુચિત છે અને આ સિદ્દીકી પર પ્રેશર બનાવવાના ઇરાદે માગવામાં આવ્યા છે. સિદ્દીકી અક્ષય કુમારને તેમની નોટિસ પરત લેવાની અપીલ કરે છે અને જો તે આવું નહીં કરે તો તેના વિરુદ્ધ લીગલ પ્રોસેસ શરૂ કરવામાં આવશે’.

આ પણ વાંચો: અક્ષય કુમારે એક યુટ્યુબરને મોકલી રૂ.500 કરોડની માનહાનિની નોટિસ, જાણો કેમ?

તમને જણાવી દઈએ કે, ગત બુધવારે અક્ષય કુમારે રાશિદ સિદ્દીકીને 500 કરોડ રૂપિયાની માનહાનીની નોટિસ મોકલી હતી. અક્ષયનો યુટ્યુબર પર આરોપ છે કે તેણે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલો નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો અને તેના પર રિયા ચક્રવર્તીને કેનેડા ભાગવામાં મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

entertainment news bollywood bollywood news bollywood gossips youtube akshay kumar