24 April, 2026 07:12 AM IST | Mumbai | Varsha Chitaliya
મિતુલ પટેલે પૅસિવ યૂથનેઝીઆ જેવા જટિલ અને સંવેદનશીલ વિષય પર બનાવી પોતાની સૌપ્રથમ હિન્દી ફિલ્મ
મિતુલ પટેલની આજે ૨૪મી વર્ષગાંઠ છે અને આજે ૨૪ એપ્રિલના દિવસે જ તેની ફિલ્મ મર્સી રિલીઝ થઈ રહી છે : અનેક વિદેશી ફિલ્મ-ફેસ્ટિવલોમાં રજૂ થઈને વખણાઈ ચૂકી છે આ ફિલ્મ
ફિલ્મ ‘મર્સી’ સિનેજગત અને સોશ્યલ મીડિયા પર હાલમાં ચર્ચાનો વિષય બની છે. આજે આ ફિલ્મ ભારતનાં ૧૦ શહેરો મુંબઈ, સુરત, દિલ્હી, ચેન્નઈ, બૅન્ગલોર, લખનઉ, ચંડીગઢ, અમદાવાદ, કલકત્તા અને પુણેનાં થિયેટરોમાં રિલીઝ થઈ છે. ત્યાર બાદ નેધરલૅન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમબર્ગમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝ થશે. ગયા અઠવાડિયે શ્રી વિલે પાર્લે કેળવણી મંડળના જુહુસ્થિત જુહુ જાગૃતિ હૉલમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી કૉલેજ-કૅમ્પસમાં ઉત્સાહનો માહોલ છે, કારણ કે ઉષા પ્રવીણ ગાંધી (UPG) કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિતુલ પટેલની આ પહેલી ફિલ્મ છે. રસપ્રદ વાત એ છે કે ‘મર્સી’ બનાવવાનો વિચાર મિતુલને કૉલેજકાળમાં આવ્યો હતો, પણ ફિલ્મ બની ગ્રૅજ્યુએશન પછી. માત્ર બાવીસ વર્ષની ઉંમરે તેણે પૅસિવ યૂથનેઝીઆ જેવા જટિલ અને સંવેદનશીલ વિષય પર ફિલ્મ બનાવવાની હિંમત કરી અને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો અવૉર્ડ પણ જીત્યો. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં મિતુલ દિલ ખોલીને જણાવે છે UPG કૉલેજના સ્ટુડિયોથી ફિલ્મમેકર સુધીની સફરની.
જટિલ વિષય કેમ પસંદ કર્યો?
થોડા દિવસો પહેલાં હરીશ રાણાના ઇચ્છામૃત્યુએ દેશભરમાં ચકચાર જગાવી હતી. ૧૩ વર્ષથી કોમામાં રહેલા હરીશ માટે સુપ્રીમ કોર્ટે પૅસિવ યૂથનેઝીઆ એટલે કે તેની લાઇફ-સપોર્ટ સિસ્ટમ હટાવી લેવાની મંજૂરી આપી હતી. ઍક્ટિવ યૂથનેઝીઆમાં દરદીને મૃત્યુ આપવા કંઈક ઍક્શન લેવામાં આવે છે, જ્યારે પૅસિવ યૂથનેઝીઆમાં દરદીને જિવાડી રાખતી સિસ્ટમ હટાવી દઈને તેને કુદરતી રીતે મૃત્યુ આપવાનું હોય છે. ‘મર્સી’માં આ વિષય પર વાત કરવામાં આવી છે. જોકે ‘મર્સી’ની પટકથા બહુ પહેલાં લખાઈ હતી. ફિલ્મ, ટેલિવિઝન અને ન્યુ મીડિયા પ્રોડક્શન (FTNMP) કોર્સના ૨૦૨૦-’૨૩ના બૅચના વિદ્યાર્થી મિતુલ પટેલને એક ઇન્ટરવ્યુ જોઈને ફિલ્મની કહાણી લખવાનો વિચાર આવ્યો હતો. આ સંદર્ભે વાત કરતાં મિતુલ કહે છે, ‘ડિગ્રી કોર્સમાં છેલ્લા વર્ષમાં શૉર્ટ ફિલ્મ બનાવવાની હોય છે. કૉલેજના વર્ગખંડ એટલે કે સ્ટુડિયોમાં બેસીને સ્ટોરી લખતો હતો. દરમ્યાન પરેશ રાવલનો ઇન્ટરવ્યુ જોયો જેમાં તેમણે ICUમાં દાખલ તેમની બીમાર માતા વિશે વાત કરી હતી. હૉસ્પિટલના ડીને પરેશભાઈને સમજાવ્યા કે તમે માતાની જિંદગી નથી લંબાવી રહ્યા, તેમનું મૃત્યુ લંબાવી રહ્યા છો. તેઓ કોઈ નિર્ણય નહોતા લઈ શકતા. ઇન્ટરવ્યુમાં તેમણે પછી એમ પણ કહ્યું કે માતાને મારા માટે એટલો પ્રેમ હતો કે હું કોઈ નિર્ણય લઉં એ પહેલાં જ તેણે દુનિયા છોડી દીધી જેથી દીકરા તરીકે મને કોઈ રિગ્રેટ ન રહે. મને તેમની વાત સ્પર્શી ગઈ. આ એવો ગ્રે ટૉપિક છે જેમાં કોઈ રાઇટ આન્સર નથી. મારો પ્લાન કોર્સના છેલ્લા વર્ષમાં શૉર્ટ ફિલ્મ બનાવવાનો હતો, પણ કોઈ કારણસર એ વખતે વિચાર પડતો મૂકવો પડ્યો. ગ્રૅજ્યુએશન પછી ૨૦૨૪ના અંતમાં ફિલ્મ બની અને દુનિયાભરમાં ફરીને હવે ભારતમાં રિલીઝ થવાની છે.’
સિનેજગતમાં પદાર્પણ
મૂળ સુરતનો મિતુલ પટેલ સ્ટોરીટેલર છે. વાર્તાઓ લખવાનો શોખ તેને મુંબઈ ખેંચી લાવ્યો. તે અંધેરીમાં નાનીના ઘરે રહે છે. કૉલેજમાં શૉર્ટ ફિલ્મ પડતી મુકાઈ એ પછી તેણે ફીચર ફિલ્મને ધ્યાનમાં રાખીને નવેસરથી પટકથા લખવાનું શરૂ કર્યું. ઇન્ડી ફિલ્મ સર્કિટ નામના વૉટ્સઍપ ગ્રુપ દ્વારા તેનો સિનેમા સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે સંપર્ક થયો. એમાં ફિલ્મના પ્રોડ્યુસર અને અભિનેતા રાજ વાસુદેવા પણ હતા. આગળ વાત કરતાં મિતુલ કહે છે, ‘સ્ક્રિપ્ટ પસંદ પડ્યા પછી અમે ફિલ્મ બનાવવા પર કામ શરૂ કર્યું. ફિલ્મમાં મોટા દીકરા પાસે બીમાર માતા અંગે નિર્ણય લેવા એક રાતનો સમય છે. એમાં ૯ પાત્રો છે અને બધાના મત જુદા છે. દરેકના મત રીઝનેબલ છે અને જસ્ટિફાય પણ થાય છે એ જ આ ફિલ્મની ખાસિયત છે. ૧ કલાક ૪૦ મિનિટની મૂવીમાં આદિલ હુસૈન, રાજ વાસુદેવા અને નિહારિકા રાયઝાદાએ અભિનય કર્યો છે. સંગીત શ્વેતા પંડિતનું છે અને સોનુ નિગમે એક ગીત ગાયું છે. શૂટિંગ મુંબઈમાં જ થયું છે. નવેમ્બર ૨૦૨૪માં ફિલ્મ બની ગઈ હતી. વિષય સંવેદનશીલ અને જટિલ હતો. ઉપરાંત ઑડિયન્સને થિયેટર સુધી ખેંચી લાવે એવી મોટી સ્ટારકાસ્ટ નહોતી એટલે અમે એને ફિલ્મ-ફેસ્ટિવલોમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું. નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NDFC), ધી ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ અસોસિએશન (IMPPA)ની મદદથી વિદેશમાં યોજાતા વિવિધ ફિલ્મ-ફેસ્ટિવલો માટે અપ્લાય કર્યું. લોકોને વાર્તા પસંદ આવી અને ‘મર્સી’એ સમગ્ર વિશ્વમાં પ્રવાસ કર્યો.’
બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર
‘મર્સી’ને અસંખ્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ-મહોત્સવોમાં પસંદ કરવામાં આવી છે. એમાં શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, UK એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, મેલબર્ન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ટ્રેલર-લૉન્ચનો સમાવેશ થાય છે. ૨૦૨૫માં લંડન ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘મર્સી’ને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મનો અવૉર્ડ મળ્યો હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં જયપુર ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં મિતુલને બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટરનો અવૉર્ડ અને રાજ વાસુદેવાને બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ મળ્યો છે. ફિલ્મ ‘મર્સી’ના રાઇટર, ડિરેક્ટર અને કો-પ્રોડ્યુસર મિતુલે ફિલ્મ બનાવી ત્યારે તેની ઉંમર બાવીસ વર્ષ હતી. જોગાનુજોગ આજે ૨૪ એપ્રિલે તેના બર્થ-ડે પર ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને આ તેની ૨૪મી વર્ષગાંઠ છે. તેનું કહેવું છે કે આ ફિલ્મ મિડલએજના લોકોને વધુ કનેક્ટ કરશે, કારણ કે આવા વિષય પર નિર્ણય લેવો કઠિન છે એનો અનુભવ તેમને થયો હશે.
શ્રી વિલે પાર્લે કેળવણી મંડળનું ગૌરવ
UPG કૉલેજના FTNMP કોર્સના પ્રોગ્રામ કો-ઑર્ડિનેટર, પ્રોફેસર અને મેન્ટર આશિષ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘‘મર્સી’ ફક્ત ફિલ્મ નથી, એ એક ઊંડી માનવીય સંવેદનાની કહાણી છે. વિદેશમાં ખૂબ વખણાયેલી આ ફિલ્મના નિર્માણનો પાયો શ્રી વિલે પાર્લે કેળવણી મંડળમાં નખાયો એનો અમને ગર્વ છે. ‘મર્સી’એ સ્ટુડન્ટ ગ્રૅજ્યુએશન ફિલ્મ પ્રોજેક્ટ તરીકે શરૂઆત કરીને પ્રતિષ્ઠિત અવૉર્ડ મેળવ્યા સુધીની સફર કરી એ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી છે. મૅનેજમેન્ટ, ફૅકલ્ટી, વિદ્યાર્થીઓ અને સમગ્ર UPG પરિવાર માટે મિતુલની સફળતા ફક્ત ભૂતપૂર્વ વિદ્યાર્થીની સિદ્ધિ નથી; એ એક ઉદાહરણ છે કે માર્ગદર્શન, સર્જનાત્મક સ્વતંત્રતા અને શૈક્ષણિક શ્રેષ્ઠતા તમને ઊંચાઈએ દોરી જાય છે. આજે આપણી નજીકનાં થિયેટરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ દરેકે જોવી જોઈએ. અમને આશા છે કે આ ફિલ્મ નૅશનલ અવૉર્ડ પણ જીતશે.’