10 August, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહન કપૂર
‘રામાયણ’નું અંગ્રેજી ટ્રેલર રિલીઝ થતાં જ ચર્ચામાં છવાઈ ગયું છે. આ ટ્રેલરમાં ‘રાવણ’ની ભૂમિકા ભજવી રહેલા યશના ગુંજતા અને રોબદાર અવાજે લોકોને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. શરૂઆતમાં અનેક દર્શકોને લાગ્યું હતું કે આ અવાજ ખુદ યશનો છે, પણ હકીકતમાં આ અંગ્રેજી સંવાદોની પાછળ જાણીતા ઍક્ટર મોહન કપૂરની કળા છુપાયેલી છે.
ટ્રેલરમાં યશના લંકાપતિ રાવણના પાત્રને પોતાનો ભારેખમ અને પ્રભાવશાળી અંગ્રેજી અવાજ આપનાર કલાકાર અભિનેતા મોહન કપૂર છે. પોતાના આગવા ગંભીર અવાજ અને બહુમુખી અભિનયશૈલી માટે જાણીતા મોહન કપૂરે રાવણનાં દૃશ્યોને અત્યંત પ્રભાવશાળી અને ભયાવહ બનાવી દીધાં છે. તેના અવાજમાં રહેલી ઊંડાઈ અને ટોન યશની સ્ક્રીન-પ્રેઝન્સ તથા તેના વિશાળકાય ગેટઅપ સાથે સંપૂર્ણ રીતે મૅચ થઈ જાય છે. આ વૉઇસ-ઓવરે રાવણના પૌરાણિક અને શક્તિશાળી પાત્રની ભવ્ય શરૂઆતને વધુ મજબૂત બનાવી છે. ગ્લોબલ કન્ટેન્ટ અને હૉલીવુડ ફિલ્મોના શોખીન દર્શકો માટે મોહન કપૂરનો ચહેરો અને તેનો અવાજ નવો નથી. તેણે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સિનેમાનું નામ રોશન કર્યું છે.