ગર્જના નહીં, પરંતુ સોસાયટી પર સીધો પંજો

19 June, 2021 11:18 AM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ થોડી લાંબી અને ધીમી છે : પાત્રોને વધુ સારી રીતે લખવાની જરૂર હતી : પૉલિટિક્સની સાથે પિતૃપ્રધાન સોસાયટી, સોશ્યલ ઇશ્યુ અને પર્યાવરણ જેવા ઘણા ઇશ્યુને આવરી લેવામાં આવ્યા છે

ગર્જના નહીં, પરંતુ સોસાયટી પર સીધો પંજો

પ્રાણીના નામ પર કેવી રીતે પૉલિટિક્સ કરવામાં આવે છે અને કેવી રીતે વાઘનો શિકાર કરવામાં આવે છે એને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે : ફિલ્મ થોડી લાંબી અને ધીમી છે : પાત્રોને વધુ સારી રીતે લખવાની જરૂર હતી : પૉલિટિક્સની સાથે પિતૃપ્રધાન સોસાયટી, સોશ્યલ ઇશ્યુ અને પર્યાવરણ જેવા ઘણા ઇશ્યુને આવરી લેવામાં આવ્યા છે

શેરની 

કાસ્ટ : વિદ્યા બાલન, બ્રિજેન્દ્ર કાલા, વિજય રાઝ, નીરજ કાબી અને મુકુલ ચઢ્ઢા
ડિરેક્ટર : અમિત મસુરકર
   
વિદ્યા બાલનની ‘શેરની’ ગઈ કાલે ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને રાજકુમાર રાવની ‘ન્યુટન’ના ડિરેક્ટર અમિત મસુરકરે ડિરેક્ટ કરી છે. સ્ક્રિપ્ટને આસ્થા ટિકુએ લખી છે જ્યારે ડાયલૉગને યશસ્વી મિશ્રા અને અમિતે લખ્યા છે. ૧૩૧ મિનિટની આ ફિલ્મમાં વિદ્યા લીડ રોલમાં છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની સ્ટોરી માનવી અને જંગલ વચ્ચેની છે. ફિલ્મમાં વિદ્યાએ વિદ્યા વિન્સેન્ટનું પાત્ર ભજવ્યું છે જે મધ્ય પ્રદેશના એક નાનકડા ગામડામાં ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર તરીકે જૉઇન કરે છે. જોકે અહીં તે પોતે ફસાઈ ગઈ હોય એવું તેને શરૂઆતમાં લાગે છે અને તે નોકરી છોડી દેવાની પણ વાત કરે છે. જોકે તેના પતિ મુકુલ ચઢ્ઢા તેને ના પાડે છે, કારણ કે રિસેશનને કારણે તેની નોકરી પણ જાય એવું તેને લાગતું હોય છે. ત્યાર બાદ સ્ટોરી આગળ ચાલે છે અને એક શેરની જેને ટી12 નામ આપવામાં આવ્યું હોય છે એ જંગલની આસપાસના નાનકડાં ગામોમાં રહેનાર વ્યક્તિઓનાં પ્રાણીઓનો શિકાર કરતી હોય છે અને ત્યાર બાદ એ લોકોનો જ શિકાર કરતી થઈ જાય છે. આ શેરનીથી લોકોને કેવી રીતે બચાવવા એ આ ફિલ્મનો વિષય સમજતા હો તો અહીં તમારી ભૂલ થાય છે, કારણ કે ટ્વિસ્ટ એ છે કે આ શેરનીને લોકોથી કેવી રીતે બચાવવી એના પર ફિલ્મ છે અને એ જ સ્ક્રિપ્ટનો પ્લસ પૉઇન્ટ છે.
ડિરેક્શન અને ડાયલૉગ
અમિત મસુરકરે એક રીતે જોવા જઈએ તો ‘ન્યુટન’ અને ‘શેરની’ બન્નેની થીમ એકસરખી પસંદ કરી છે, જેમાં ફાયદો અંતે ગામના લોકોને થાય છે. જોકે અહીં મનુષ્ય અને જંગલ વચ્ચે થતા મતભેદને દેખાડવામાં આવ્યા છે. શરૂઆતમાં ફિલ્મ સારી જાય છે, પરંતુ મધ્યમાં ફિલ્મ થોડી આઉટ ઑફ ટ્રૅક થઈ જતી દેખાઈ છે. અમિતના ડિરેક્શનમાં ઘણી ભૂલો દેખાઈ આવે છે. ઘણાં દૃશ્યો જમ્પ લાગે છે અને સબપ્લૉટને અડધેથી છોડી મૂક્યાનો અહેસાસ થાય છે. જોકે ૧૩૧ મિનિટની ફિલ્મ ઘણી લાંબી છે અને એટલી જ ધીમી પણ છે.
પર્ફોર્મન્સ
વિદ્યા બાલને એક ફૉરેસ્ટ ઑફિસરના પાત્રને ખૂબ જ સારો ન્યાય આપ્યો છે. જોકે તેના પાત્રને હજી સારું લખવાની જરૂર હતી. તે જેટલી ટૅલન્ટેડ ઍક્ટર છે એ ટૅલન્ટનો પાત્રમાં ઉપયોગ કરવામાં નથી આવ્યો. જોકે એમ છતાં વિદ્યાએ પિતૃપ્રધાન સોસાયટીમાં એક મહિલાએ કેવી રીતે સહન કરવું પડે છે અને કામ કરવું પડે છે એ ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે. વિજય રાઝ દ્વારા ભજવવામાં આવેલું પ્રોફેસર નુરાનીનું પાત્ર પણ ખૂબ જ સારું હતું. તે એકમાત્ર એવો વ્યક્તિ હોય છે જે વિદ્યાને સપોર્ટ કરે છે. આ સાથે જ બ્રિજેન્દ્ર કાલાનું પાત્ર ખૂબ જ સારું છે. એક નકામા ગવર્નમેન્ટ ઑફિસરનું પાત્ર તેણે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે અને તેને જોઈને લાગે છે કે ઘણી જગ્યાએ સરકારી ઓફિસરો આવા જ હોય છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું નામ અહીં કોણે લીધું? નીરજ કાબી અને શરત સક્સેનાને પણ તેમના લિમિટેડ પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે.
પ્લસ પૉઇન્ટ
બેઅર ગ્રિલ્સનું આ મૅન વર્સ વાઇલ્ડ નથી, પરંતુ અહીં હાલત એના કરતાં પણ ખરાબ છે. જંગલમાં લોકો કેવી રીતે પૉલિટિક્સ રમે છે એના પર ફિલ્મની સ્ટોરી છે. લોકો એટલી હદે પૉલિટિક્સ રમે છે કે એક જાનવર કેમ જંગલ છોડીને લોકોને મારી નાખે છે એનો સુધ્ધાં તેઓ વિચાર નથી કરતા. તેમ જ આદમખોર શેરનીને મારી લોકોને બચાવી નામ કમાવવા માગતા હોય છે. આ પિતૃપ્રધાન સોસાયટી અને ફૉરેસ્ટ ઑફિસરમાં એક મહિલાએ શું-શું સહન કરવું પડે છે એ દેખાડવામાં આવ્યું છે. તેમ જ જંગલના પૉલિટિક્સની સાથે એમાં થતા કરપ્શન (જેને રેવન્યુ નામ આપવામાં આવ્યું છે)ને પણ દેખાડવામાં આવ્યું છે. આ સાથે જ સોશ્યલ, પૉલિટિક્સ અને પર્યાવરણના ઇશ્યુને પણ સમાવવામાં આવ્યા છે. ખાસ કરીને તો ડિવિઝનલ ફૉરેસ્ટ ઑફિસર હોવા છતાં મહિલાઓને કંઈ ગણવામાં નથી આવતી એને સારી રીતે દેખાડવામાં આવ્યું છે. ગામડાના લોકો જે રીતે વર્તન કરે છે એ રીતે જ તેમને વાસ્તવિકતાથી દેખાડવામાં આવ્યા છે. તેમ જ જંગલને ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યું છે.
માઇન્સ પૉઇન્ટ
ફિલ્મને થોડી ટૂંકી કરી શકાઈ હોત. તેમ જ સબપ્લૉટને વધુ સારી રીતે કનેક્ટ થાય એ રીતે દેખાડી શકાયા હોત. શેરની જ્યારે ગામડાના લોકો અથવા તો તેમનાં પ્રાણીઓનો શિકાર કરે છે અને એનાથી તેમને જે હેરાનગતિ અથવા તો પીડા થતી હોય એ સારી રીતે દેખાડી નથી શકાઈ. તેમ જ જંગલના નામ પર જે બે વ્યક્તિ વચ્ચે પૉલિટિક્સ ચાલતું હોય એ બે વ્યક્તિ PK અને GKના પાત્રને પણ વધુ સારી રીતે દેખાડવાં જરૂરી હતાં. ફૉરેસ્ટ ઑફિસર પર કોઈ હુમલો કરે ત્યારે તેની સજા ખૂબ જ વધુ હોય છે. આમ છતાં તેમના પર જ્યારે હુમલો કરે છે અથવા તો જીપને સળગાવી દેવામાં આવે છે ત્યારે કોઈ કાર્યવાહી નથી થતી.
આખરી સલામ
આ ફિલ્માં કોઈ શેરનીની દહાડ નથી, પરંતુ સીધો પંજો જ માર્યો છે. આપણે કેવી રીતે જંગલ સાફ કરી રહ્યા છીએ અને કેમ પ્રાણીઓ હવે જંગલની બહાર આવી રહ્યાં છે એ દેખાડવામાં આવ્યું છે. પૉલિટિક્સના નામ પર કેવી રીતે હજી પણ વાઘનો શિકાર કરવામાં આવે છે એ દેખાડવામાં આવ્યું છે.

bollywood news bollywood bollywood gossips vidya balan entertainment news harsh desai