03 August, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉર્વશી રાઉતેલા
ઉર્વશી રાઉતેલાએ સોશ્યલ મીડિયામાં સ્ટોરી શૅર કરીને દાવો કર્યો છે કે લંડન ઍરપોર્ટ પરથી તેની ૭૦ લાખ રૂપિયાનાં ઘરેણાં ભરેલી એક બૅગ ચોરાઈ ગઈ છે. ઉર્વશીએ જણાવ્યું છે કે તે વિમ્બલ્ડનની મૅચ જોવા માટે લંડન ગઈ હતી ત્યારે ગૅટવિક ઍરપોર્ટના લગેજ-બેલ્ટમાંથી તેની લક્ઝરી બૅગ ચોરાઈ ગઈ હતી. ઉર્વશીએ દાવો કર્યો છે કે તેણે બૅગ શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ એ મળી નહોતી.
સોશ્યલ મીડિયા પોસ્ટમાં ઉર્વશીએ ફ્લાઇટની વિગતો સાથે બૅગનો ફોટો શૅર કર્યો અને લખ્યું, ‘અન્યાય સહન કરવો એ અન્યાયનું પુનરાવર્તન કરવા જેવું છે. મુંબઈથી એમિરેટ્સની ફ્લાઇટે ઉડાન ભર્યા પછી ગૅટવિક ઍરપોર્ટ પર લગેજ-બેલ્ટમાંથી મારી બૅગ ચોરાઈ ગઈ હતી. મેં એને મેળવવા માટે તાત્કાલિક મદદની વિનંતી કરી હતી. જોકે અધિકારીઓએ મદદ કરી નહોતી.’
ઉર્વશીએ પોતાની પોસ્ટમાં એમિરેટ્સ ઍરલાઇન્સ અને લંડન પોલીસને ટૅગ કર્યાં છે અને અધિકારીઓને તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે.