પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન જાળવી રાખ્યું

28 May, 2022 01:33 PM IST  |  Mumbai | Harsh Desai

૩૬ વર્ષ બાદ બનેલી ટૉમ ક્રૂઝની આ ફિલ્મને દરેક ડિપાર્ટમેન્ટમાં ન્યાય આપવામાં આવ્યો છે : ઍક્શન દૃશ્યો પહેલાં કરતાં વધુ દિલધડક બનાવવામાં આવ્યાં છે

પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન જાળવી રાખ્યું

ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન : મૅવરિક’ હાલમાં રિલીઝ થઈ છે. ૧૯૮૬માં આવેલી ટોની સ્કૉટ ડિરેક્ટેડ ટૉમ ક્રૂઝની ‘ટૉપ ગન’ની આ સીક્વલ છે. ૩૬ વર્ષ બાદ આ ફિલ્મની સીક્વલ બની છે, પરંતુ એને બનાવવા પૂરતી નથી બનાવવી. આની પાછળ સ્ટોરી પર ખૂબ મહેનત કરવામાં આવી છે અને આ ફિલ્મ દ્વારા પહેલી ફિલ્મને પણ પૂરેપૂરો ન્યાય આપવામાં આવ્યો છે. જોસેફ કોસિન્સ્કી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મની સ્ટોરી પીટર ક્રૅગ અને જસ્ટિન માર્ક્સ દ્વારા લખવામાં આવી છે. તેમણે ફિલ્મની સ્ટોરીમાં મૅવરિક એટલે કે ટૉમ ક્રૂઝના પાત્રને કેન્દ્રમાં રાખ્યો છે. જોકે સ્ટોરી અમેરિકન નેવીની સ્કૂલ ‘ટૉપ ગન’ની આસપાસ જ છે અને એના મિશનને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, મૅવરિકની લાઇફમાં આટલાં વર્ષમાં શું બન્યું એને નહીં.
મૅવરિક છેલ્લાં ૩૩ વર્ષથી સેવા કરી રહ્યો છે. તે એક ભૂલ કરે અને તેને ટૉપ ગનમાં ટીચર તરીકે મોકલી દેવામાં આવે છે. તેણે ખરેખર ભૂલ કરી હોય છે કે પછી તેના સાથી-મિત્ર આઇસેનનો પ્લાન હોય એ કહેવું મુશ્કેલ છે. મૅવરિક ટૉપ ગન તો પહોંચે છે, પરંતુ ત્યાં તેની જૂની યાદો ફરી તાજી થાય છે. તેના કો-પાઇલટ રિયો એટલે કે ગુસમૅનનો દીકરો આ સ્કૂલમાં હોય છે. તે તેના પિતાના મૃત્યુ માટે મૅવરિકને જવાબદાર ગણતો હોય છે એથી તેમની વચ્ચે મનમુટાવ થાય છે. જોકે ગવર્નમેન્ટનું એક મિશન હોય છે જે એકદમ ઇમ્પૉસિબલ હોય છે અને એ માટે બેસ્ટમાં બેસ્ટ પાઇલટને એ માટે તૈયાર કરવા મૅવરિકને બોલાવવામાં આવે છે. મૅવરિક છેલ્લાં ૩૩ વર્ષથી સર્વિસમાં હોય છે, પરંતુ તે હજી પણ કૅપ્ટન જ હોય છે. તે પ્રમોશન નથી લેતો એની પાછળનું કારણ તેણે હંમેશાં પાઇલટ બની રહેવું છે. તેને ઑફિસમાં બેસવામાં જરાય રસ નથી હોતો (ફિલ્મમાં કહેવામાં નથી આવ્યું, પરંતુ એ દેખીતું છે. મૅવરિકની પ્લેન માટે રહેલી દીવાનગી એ કહી દે છે).
પહેલી ફિલ્મમાં છોકરીઓ મૅવરિકની દીવાની હોય છે, પણ આ સીક્વલમાં મૅવરિક એકલો હોય છે. તે તેની લાઇફમાંથી દૂર થનારા લોકો પછી થતા દુઃખને સહન નથી કરી શકતો. આટલાં વર્ષ બાદ ફરી સ્ક્રીન પર આવે છે ત્યારે તેના ખભા પર તેની લાઇફનું અને કેટલાક ગિલ્ટનું ભારણ પણ હોય છે. આ દરેક વસ્તુને ડિરેક્ટરે ખૂબ સારી 
રીતે દેખાડી છે. સ્ટોરી મૅવરિકની હોવા છતાં તે મૅવરિકની નહીં, પણ ‘ટૉપ ગન’ની દેખાઈ એ રાઇટર અને ડિરેક્ટરની કમાલ છે.
ફિલ્મનાં મોટા ભાગનાં ઍક્શન દૃશ્યો પ્લેનનાં છે. આથી સુપરઝૂમ દૃશ્યો વખતે સેનિમૅટોગ્રાફરે ખરેખર કમાલ દેખાડી છે. પ્લેન પર લાગતો હવાનો ફોર્સ સ્ક્રીન પર જોઈ શકાય છે. આ સાથે જ ડિરેક્ટરે પણ કેટલાંક દિલધડક દૃશ્યોને ફિલ્માવ્યાં છે. અમિતાભ બચ્ચનની ભાષામાં કહીએ તો ‘ટૉપ ગન’ની પરંપરા, પ્રતિષ્ઠા અને અનુશાસન જાળવી રાખ્યાં છે. ટૉમ ક્રૂઝની ઍક્ટિંગ વિશે કહેવું તેનું અપમાન ગણાશે. દુનિયામાં તે એકમાત્ર એવો ઍક્ટર છે જે તેની દરેક ઍક્શન પોતે કરે છે. પ્લેન હોય કે હેલિકૉપ્ટર તે પોતે ચલાવે છે. તેણે જ્યારે તેના વિન્ગમૅનની પસંદગી કરવાની હોય ત્યારે એક વાર તે આપણી પસંદગી કરે એવો અહેસાસ થાય છે. ટૉમ ક્રૂઝે ફિલ્મનું પ્રમોશન પણ એ જ રીતે કર્યું છે. ફિલ્મના પ્રીમિયરથી લઈને ‘ધ લેટ લેટ શો’ માટે પણ તે ઍરપ્લેન અને હેલિકૉપ્ટર ઉડાડીને જતો જોવા મળ્યો હતો. ગુસના દીકરા રુસ્ટરનું પાત્ર માઇલ્સ ટેલરે ભજવ્યું છે. ટૉમ ક્રૂઝ જેવા ઍક્ટર સાથે સેકન્ડ લીડ ભજવવું મુશ્કેલ છે છતાં તેણે ખૂબ સારી રીતે પર્ફોર્મ કર્યું છે.
મૅવરિકને એક બારમાં કામ કરતી સિંગલ મધર પેની પર દિલ આવી જાય છે. પેનીનું પાત્ર જેનિફર કોનેલીએ ભજવ્યું છે. તે એકદમ કૉન્ફિડન્ટ અને ઇન્ડિપેન્ડન્ટ જોવા મળી છે. જોકે દુઃખની વાત એ છે કે તેને વધુ સ્ક્રીન-સ્પેસ નથી આપવામાં આવી. પેનીની દીકરીનું અમિલિયાનું પાત્ર લિલિયેના વ્રેએ ભજવ્યું છે. લિલિયેનાનું પાત્ર એક-બે દૃશ્ય માટે હશે, પરંતુ તે મૅવરિકને જ્ઞાન આપી જાય છે અને તેને તેની ભૂલનો પણ અહેસાસ કરાવે છે. આ પાત્ર જેટલું સારું એટલું જ ફની પણ છે.
આ ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર સારો છે, પરંતુ લેડી ગાગાનું ગીત ‘હોલ્ડ માય હૅન્ડ’ બાજી મારી જાય છે. આ ગીતની પહેલેથી જ પ્રશંસા કરવામાં આવી રહી હતી, પરંતુ ફિલ્મમાં એ વધુ સારું લાગે છે. ટૉમ ક્રૂઝ, તેની ઍક્શન, તેના ચાર્મ અને હૉલીવુડની ગ્રૅન્ડ લેવલ પર બનાવવામાં આવતી ફિલ્મમેકિંગને જોવા માટે પણ આ ફિલ્મને થિયેટર્સમાં જોઈ શકાય છે.

bollywood news bollywood bollywood gossips entertainment news harsh desai