દીના પાઠકને ૧૦૦મા વર્ષે સલામઃ લિંબુ પાણીની માફક

04 March, 2022 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્ક્રીન અને સ્ટેજની બહાર પણ દીના પાઠક એક સતત ઉઘડતું રહેતું પાત્ર હતાં – તેમની સ્મૃતિમાં તેમનાં દીકરી રત્ના પાઠક શાહે લખેલો લેખ તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વહેંચ્યો છે.

સઈદ મિર્ઝાની ફિલ્મ `મોહન જોશી હાઝિર હો`માં દીના પાઠક અને ભીષ્મ સહાની. / દીના પાઠક

દીના પાઠક, એક આલા દરજ્જાનાં અભિનેત્રી. તેમનો અવાજ, પહોળું કપાળ, તેજસ્વી ચહેરો – આ પ્રતિભા જાણે જાજરમાન શબ્દમાં જીવ પુરતી. આજે 4થી માર્ચે તેમની ૧૦૦મી જન્મતિથિ છે. તેમણે સ્ક્રીન પર ઢગલાંબંધ પાત્રો ભજવ્યાં. ‘ખુબસૂરત ફિલ્મની કડક મા નિર્મલા ગુપ્તા તો ગોલમાલમાં માની એક્ટિંગ કરનારી મા કમલા શ્રીવાસ્તવ, તો ભૂમિકા ફિલ્મનાં મિસીઝ. કાળે. આ લિસ્ટ લાંબુ છે. નાટકના મંચ પર તેમનું ઓજસ ગ્રીનરૂમના અરીસાની આસપાસ ઝળહળતી રોશની જેવું બમણું હતું તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. અભિવ્યક્તિ અને હાવભાવની વાત આવે ત્યારે તેમનો ચહેરો નવરસનો નાટ્ય વેદ હતો.  સ્ક્રીન અને સ્ટેજની બહાર પણ દીના પાઠક એક સતત ઉઘડતું રહેતું પાત્ર હતાં – તેમની સ્મૃતિમાં તેમનાં દીકરી રત્ના પાઠક શાહે લખેલો લેખ તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વહેંચ્યો છે. આ વાંચનાર તમામને દીના પાઠકના બહુ પરિમાણિય વ્યક્તિત્વની સાથે માની હૂંફ ચોક્કસ વર્તાશે. (દીના પાઠકની સ્મૃતિમાંઃ 4/3/1922-11/10/2002)

ઢગલાબંધ બીજી સ્મૃતિઓમાં આ ખાસ અલગ તરી આવે છે

૩૦ જેટલા જુવાન અભિનેતાઓનું એક ગ્રૂપ મુંબઈથી એક ટ્રેનમાં ચઢવા મથી રહ્યું છે, માત્ર પંદર રિઝર્વેશન થયા છે, પહોંચવાનું છે – અમદાવાદ. દીના પાઠક દિગ્દર્શિત નાટક ‘મિથ્યાભિમાન’ નાટકના મંચન માટે. અમારે બસ યેનકેનપ્રકારેણ ત્યાં પહોંચવાનું હતું. શો તો થવો જ જોઇએ! મારાં મા સિવાય બધાં સખત ચિંતામાં હતા, તેણે અમને બધાંયને એવી ખાતરી આપી ટ્રેનમાં ચઢાવી દીધા કે કોઇને કોઇ રીતે બેસવાની જગ્યા મળી જશે. તેણે કહ્યું, “આપણે સાચવી લેશું.”  અમે બધું સાચવી પણ લીધું, અમે નહીં, તેણે.

અમે બોરીવલી બોલીએ તે પહેલાં તો ગુસપુસ થવા માંડી, ‘દીના પાઠક, દીના પાઠક!’ માએ તેનું સ્મિત આખા ડબ્બામાં જાણે રેલાવ્યું અને તેને બદલામાં તરત જ સીટ મળી ગઇ, તે પણ સહ-પ્રવાસીઓના ભરપુર અટેન્શન સાથે. ઘણાંએ તેનાં નાટકો જોયા હતા –“મેના ગુર્જરી” સૌથી વધુ પ્રચલિત હતું. ઘણાંએ તેની ફિલ્મો જોઇ હતી – “જલ બિન મછલી નૃત બિન બિજલી” તેની માનીતી ફિલ્મ હતી (હજી ગોલમાલ આવી ન હતી)! કેટલાકનાં કાકા કે માસી હતાં  જુનાગઢ-અમદાવાદ- પુના કે મુંબઈમાં- જે તેને ઓળખતાં હતાં. બાકીનાં બધાં આ જાજરમાન – વાઇબ્રન્ટ વ્યક્તિને જોઇને જાણે છક્કડ ખાઇ ગયાં હતાં. મૂળ તો ૩ જુદી જુદી ગુજરીતી બોલીમાં, વળી એકદમ સાફ મરાઠી અને બંગાળીમાં પણ બોલીને – જેમ જ્યારે જે ભાષાની જરૂર પડી તેમ – પ્રવાસીઓની સાથે હંમેશા રહેતા નાસ્તા માણતાં માએ પોતાના વિશ્વમાં વસતા બધા મજાનાં પાત્રોની વાર્તાઓ કહી તેમને મોજ કરાવી દીધી. અમે દાહણુ પહોંચ્યા તે પહેલાં અમારામાંના ૧૫ અનરિઝર્વ્ડ મુસાફરો પણ ડબ્બામાં ગોઠવાઇ ગયા હતા. સાથે માથી પ્રભાવિત થયેલો TC પણ (અને જેને પૈસા પણ ચૂકવી દિધા હતા)! એ આખા ડબ્બામાં જાણે અમે જ હતા – ઘણા કિસ્સામાં તો જેમની સીટ હતી એ ખૂણામાં ટૂંટીયું વાળીને બેઠા હતા અને અમારાંમાનાં કોઇ એક છોકરાંએ તેમની જગ્યા પર આરામથી લંબાવ્યું હતું.

આવી હતી મારી મા! અથવા તો તેનામાં રહેલો એક બહુ અગત્યનો હિસ્સો આવો હતો. તેને લોકો બહુ ગમતાં. માણસો જાણે તેની લેબોરેટરી હતાં, તેની એક્ટિંગની તાલીમ માટેની સ્કૂલ જોઇ લો. લોકો તેને માટે નવા વિચારોની યુનિવર્સિટી હતાં. મને નથી લાગતું કે તેણે કંઇ બહુ વાંચ્યું હતું કે સંશોધન કર્યું હતું પણ તેને બદલે રસપ્રદ લોકો સાથે રહીને, તેમના થકી માએ બધું મેળવ્યું હતું, જાણ્યું હતું – કવિઓ, લેખકો, સંગીતકાર, નૃત્યકાર, સ્કોલર્સ, વૈજ્ઞાનિકો, રાજકરાણીઓ, ટ્રેડ યુનિયનવાળા, ખેડૂતો, દુકાનદારો, હેરડ્રેસર્સ, પત્રકારો – બધાં જ. કોઇ વાદળી – સ્પંજની માફક મા બધા આઇડિયા શોષી લેતી અને પોતાની જિંદગી અને એક્ટિંગની જાણકારી માટે તેમનો ઉપયોગ કરતી – ન્યૂક્લિયર સાયન્ટિસ્ટથી માંડીને નર્સ સુધી – તે બધાંયને નજીકથી ઓળખતી. આમાંના કોઇ પણ તેમને ક્યારેય બેચેન ન કરતાં. તે બહુ ખુશીખુશી પોતાને કોઇ વિષય અંગે કંઇ ન ખબર હોય તો સ્વીકારી લેતી, પછી તે ઊર્દુ કવિતાઓ હોય કે દાળઢોકળી બનાવવાની રીત હોય (તેને ખાવાનો બહુ શોખ હતો પણ રાંધવાની મજા ન આવતી). સામા માણસને એકવાર જરા ટાઢક વળે પછી તેમના વ્યક્તિત્વમાંથી જે પણ મળી શકે તે મા મેળવી / કઢાવી લેતી.

જો આ વાંચી એમ લાગે કે એ લોકોનો ઉપયોગ કરતી તો એ કંઇ ખોટું ચિત્ર નથી ખડું થયું. તે લોકોને પોતાની જરૂર માટે વાપરતી પણ વળતર પણ અનેકગણું વાળતી. જે તેનાં મિત્ર બન્યાં, તેમને મા પોતાનો સમય, લાડ, તેમનામાં અને તેમના પરિવારમાં પોતાનો અંગત રસ – આ બધું આપતી. આખા દેશમાં તેનાં વ્હાલા, લાંબા સમયથી હોય તેવાં ઘણાં મિત્રો હતાં. સુપ્રિયા અને હું તો મજાક કરતાં કે ભારતમાં એવું કોઇ શહેર નથી જ્યાં માનું એવું ઘર ન હોય જ્યાં તેમને ઉમળકાભેર આવકાર ન મળતો હોય!

તેની સાથે જે કામ કરતાં તેમને તે પોતાની સંનિષ્ઠતા, તેમની ઉત્સુકતા, સતત સારું કરવાની તેની ચાહ, પોતાના પાત્રને નરી માણસાઇથી સમજવાની આવડત અને આંતરસુઝ ઉપરાંત તેમને માણસ તરીકે સમજવામાં પુરેપુરો રસ લેતી, તેમનામાં અને તેમના પરિવારોમાં શું ખાસ છે તે પણ જોતી. તેનાં હેરડ્રેસર સાથેની તેની વાતો હોય કે પછી તેનાં ડાયરેક્ટર સાથેનો તેનો વહેવાર હોય – આ લાક્ષણિકતા બધાં માટે સરખી હતી.

જેમની સાથે તે ટૂંકી વાતચીત પણ કરતી – પછી તે ટ્રેનમાં મળ્યાં હોય, રોટેરિયન્સ હોય જેમની મિટીંગ્ઝ તે સંબોધતી – તે તમામ પર તે પુરું ધ્યાન આપતી, પોતાની રમૂજ, પોતાની વાર્તાઓ આ વાતચીતનો ભાગ પણ રહેતી વળી તેમનામાં અને તેમના પરિવારમાં પણ પુરો રસ લેતી. એક વખત તેમણે શિરડી જતાં રસ્તામાં એક સ્ત્રી અને તની ૩ દીકરીઓ સાથે દોસ્તી કરી; તેના વર્ષો પછી થાણામાં તેમના ઘરે માએ કેટલી વાર સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન ભોજન ખાધું છે (તેમને મળવા તે છેક થાણા સુધી જતાં), વળી દીકરીઓ માટે યોગ્ય મુરતિયા શોધવામાં પણ તે પરોવાઇ અને તેથી વધારે જરૂરી તેમના એકના એક દીકરા માટે યોગ્ય છોકરી શોધવામાં પણ તેણે મદદ કરી. તેમનાં લગ્નોમાં પણ ગઇ અને જે ફિલ્મી વાર્તાઓ સાંભળવામાં બધાંને મોજ પડે તેવી વાતો કરી મહેમાનોને જલસા પણ કરાવ્યાં! મા જાણે તમના પરિવારનાં એક સભ્ય જ બની ગઇ. તે દાદી, માસી, ફઇ જ નહીં ક્યારેક તો મા પણ હતી, જેને કોઇપણ પોતાના પરિવારમાં આ સગપણનાં વિકલ્પ તરીકે પસંદ કરી શકતા. સુપ્રિયાને કે મને ક્યારેય આ વાતની ચીઢ ન ચડતી તે પુરાવો છે કે તે અમારે માટે પણ કેટલી પ્રતિબદ્ધ હતી. ઉલટાનું અમને તે બીજાઓ માટે જે હતી તે બાબતનો હંમેશા ગર્વ રહેતો. તે બધે ગોઠવાઇ જતી – બંધબેસતી. તેની મામી હંમેશા કહેતાં, “દીના લીંબુ પાણી જેવી છે, તે ખાટો મીઠો બંન્ને સ્વાદ બની શકે છે.”

તેમનાં મામીએ આવું ઘણી વાર કહ્યું અને તે ય જિંદગીમાં ઘણું પહેલાં – કારણકે માએ આખી વાતને જાણી હૈયે રાખી હતી અને જિંદગીનો મોટો હિસ્સો તેમણે જે સંજોગો હતા તેમાં બંધબેસવામાં પસાર કર્યો. સૌરાષ્ટ્રના એક સિવિલ એન્જિનિયરની વ્હાલી લાગે એવી દીકરી જે સમય કરતાં પહેલાં મોટી થઇ ગઇ હતી, તેમાંથી તે એક એવી વ્યક્તિમાં બદલાઇ જે માનતી હતી કે,  ‘જો મારી બહેન કરી શકે તો હું પણ કરી શકું – આ વિદ્રોહી વૃત્તિ ત્યાં સુધી રહી જ્યાં સુધી તેણે પોતાનામાં રહેલી અભિનેત્રીને ન પામી.  આ તેના અસ્તિત્વનો પાયાનો પથ્થર હતો. તે એક આકર્ષક, ઉત્સાહી, મલ્ટી-ટેલેન્ટેડ પરફોર્મર તરીકે ઉભરી આવે અને ત્યાર બાદ એક લક્ષ્ય કેન્દ્રી થિએટરની (નાટક) પ્રતિભા તરીકે. એક સમયે  (૪૦ના અને ૫૦ના શરૂઆતી દાયકામાં) જ્યારે નાટક વિશ્વનાં લોકો આખા ભારતમાં એક નવી આધુનિક ઓળખાણ શોધી રહ્યા હતા ત્યારે તેણે ‘નટ મંડળમાં પોતાની આગવી શોધ કરી. અમદાવાદમાં તેણે શરૂ કરેલી એક નાટક કંપની  જ્યાં જાતભાતના નાટકો પ્રોડ્યુસ થતાં – ભવાઇ (મેનાગુર્જરી)થી માંડીને ઇબ્સન (ડોલ્સ હાઉસ – ઢિંગલી ઘર)ના નાટકો સુધી.  તે એક્ટર મેનેજર હતી, પોતાના ટ્રૂપને ખુબ કાળજીથી તાલીમ આપવામાં વ્યસ્ત; ઇન્‍ડિયન પીપલ્સ થિએટર એસોસિએશન (ઇપ્ટા) સાથેના દિવસોમાં તેણે આ આવડતો કેળવી હતી. ઇપ્ટા સાથે દુકાળ માટે ભંડોળ એકઠું કરવા કરેલા ડાન્સ શો માટે થઇ તેણે આખા દેશનું ભ્રમણ કર્યું હતું. આ અનુભવે તેને જ નહીં પણ તેની બાકીની જિંદગીને પણ ધરમૂળથી બદલી નાખી; ત્યાર પછી તો કોઇના દોરી સંચારથી ચાલતી કઠપૂતળી થવાનું તેને ધરાર માફક ન આવ્યું.

વળી સિનેમા વાયા ઘર સાચવવું વાયા બાળકો ઉછેરવાં જેવા ફાંટા પણ  (ડાઇવર્ઝન )હતા (કેટલાક તેને સેલ-આઉટ પણ કહેતાં). હું કહીશ કે આ બધા તબક્કે તેણે પોતાના વ્યક્તિત્વમાં બહુ અગત્યનાં અને ક્યારેક મૂળભૂત પરિવર્તનો આણ્યાં જેથી તે આ ચોકઠાઓમાં બંધબેસી શકે. વૂડી એલનની ફિલ્મ ‘ઝેલિગ’માં જે પાત્ર છે તેની માફક તે દર વખતે સહેજ અલગ વ્યક્તિ બની જતી – એક વ્યક્તિ જે તેનીઆસપાસના લોકો જેવી છે. પણ આ આખી વાર્તાની ખરી સફળતા એ સત્યમાં છે કે તે તેના બહુ બધાં વ્યક્તિત્વના સરવાળા કરતાં કંઇક ગણી વધારે હતી; દીનાના આ બધાં રૂપ એક સાથે રહેતા હતાં, એક બીજા સાથે અને એ લોકો સાથે પણ સંપર્કમાં રહેતા જેમણે તેના બહુવિધ અસ્તિત્વ ઘડ્યાં હતાં. તેને મિત્રો હતાં, સારા મિત્રો હતા અને તેની કોયડા જેવી જિંદગીના દરેક તબક્કાના મિત્રો હતા અને બધી જ પીડા, ક્યારયે ન પુરા કરાયેલા વાયદાઓથી પરે તે પોતાની જાત સાથે અને દુનિયા સાથે પુરી શાતામાં હતી, તેને હૈયે શાંતિ હતી.

બીજી એક યાદગીરી

મોડી રાત્રે મા મોટા ડબલ બેડ પર બેઠી છે, એક નાનકડી ડીમ લાઇટ ચાલે છે અને જાપાનીઝ રમીના પત્તાં આસપાસ પડ્યાં છે. તે બે બાજી ડીલ આઉટ કરે છે, બંન્ને બાજી પોતે જ રમે છે, બંન્નેમાં અંચઇ પણ કરે છે અને બંન્ને માટે ખુશ પણ થાય છે તથા દુઃખી પણ થાય છે!

આ  સ્વરૂપાંતર – મેટામોર્ફોસિસ અટક્યું નહીં. તેનો છેલ્લો અવતાર નાનીનો હતો (મારા પતિના મતે તે સૌથી સફળ અવતાર હતો). તે અમારાં છોકરાંઓ સાથે બહુ મજાની હતી. સાચી દોસ્ત, તેને છોકરાંઓ સાતે બહુ જ મજા પડતી અને છોકરાંઓ પણ આ લાડ એટલા જ હોશથી પાછું વાળતાં. તેમને હી-મેન અને જી.આઇ.જો., ક્રિકેટ અને WWF, સ્ટિરિયો નેશન અને બૅકસ્ટ્રીટ બૉય્ઝ વિષે પણ ખબર હતી -  આ માટે છોકરાઓને થેંક્યુ કહેવું પડે. વળી કુછ કુછ હોતા હૈ, બાર્બી ડૉલ્સ, રિબન્સ અને લેસ ડ્રેસિઝ, ચણિયા ચોળી વિશે છોકરીઓને લીધે ખબર હતી. તે તેમની વાર્તાઓ સાંભળતી અને પોતાની વાર્તાઓ કહેતી, મારો દીકરો કહે છે તેમ, “બા આસપાસ હોય તો કશું સુસ્ત હોય જ નહીં, તે બધાંને અને બધું જ ખુશખુશાલ કરી દે છે.”

આમાં આપણાં બધાય માટે એક બોધ છે! કઇ રીતે શાલિનતા સાથે અને સરસ રીતે વૃદ્ધ થવું:  કઇ રીતે ફરિયાદ કર્યા વિના એકલતા સ્વીકારવી; કઇ રીતે અન્યોમાં અને તેમની જિદંગીમાં, તેમના ભવિષ્યમાં એવું કંઇક શોધવું જે વાતનો મનને ટેકો રહે; કંઇક એવું જેનું જતન કરી શકાય, જેને પ્રોત્સાહન આપી શકાય, જેની સાથે જાતને જોડી શકાય. તે ચાર પેઢીઓ સાથે જોડાઇ – તેના માતાપિતાથી અમારા સંતાનો અને તેમનાં મિત્રો. તેને અમારી જિંદગીનો હિસ્સો થવું હતું, અમારા ઉત્સાહને વહેંચવો હતો અને આમ કરવા માટે તે સતત પોતાની જાતમાં કંઇ નવું ઉમેરતી રહી. અજાણતાં જ તેણે મને સ્પષ્ટ કરી આપ્યું કે કુટુંબ, ખાસ કરીને બાળકો કોઇપણ વ્યક્તિ માટે શું કરી શકે છે. તે માણસને જાતની પાર જોતાં શીખવે છે તે પણ સૌથી સાહજીક રીતે. સાવ નહિંવત્ અહમ ધરાવનારી વ્યક્તિઓમાં હું કોઇને જાણતી હોઉં તો તે મા હતી.  કોઇનું અનુકરણ કરવાનું હોય તો મને આનાથી બહેતર દ્રષ્ટાંતની જરૂર જ નથી.

ઘટનાઓથી તરબતર એક જિંદગીને ૧૦૦ વર્ષ પુરા થઇ રહ્યા હોય ત્યારે કોઇને જાત માટે શું બતાડવાનું હોય? કેટલાક નવો ચિલો ચાતરનરા અવ્વલ દરજ્જાના કામ – કમનસીબે તેનો કોઇ રેકોર્ડ નથી; કેટલીક ઘણી સારી પણ મોટે ભાગે સાધારણ (મીડિઓકર) એવી ફિલ્મોની યાદી – કમનસીબે તે બધું પાછું સચવાયેલું છે; ધીરે ધીરે એવા લોકોની સંખ્યા પણ પાંખી થઇ રહી છે જે નાટકના ક્ષેત્રમાં તેના યોગદાનની ખાતરી આપી શકે; થોડા એવોર્ડ્ઝ; કોઇ થિએટર ગ્રૂપ નથી જે તેનાં પ્રકારના કામને આગળ ધપાવે (આ વાતનો તેને હંમેશા વસવસો રહેતો); તેના કૌશલ્ય અંગેની કોઇ દંતકથાઓ વાર્તાઓ નહીં (જેનો તેને કોઇ વસવસો નહોતો); મોટી સંખ્યામાં લોકો જે તેન ભરપૂર પ્રેમથી અને પ્રશંસાથી યાદ કરે છે (તેને પોતાની શાંતિ સભામાં હાજર રહેવાનું બહુ ગમ્યું હોત) અને અમે– સુપ્રિયા તથા હું!

છેલ્લી બાબત મારે માટે અગત્યની છે. અમે એવું તે શું વણ્યું છે જાતમાં જેનાથી તેને અમારી પર ગર્વ થાત? અભિનેત્રી તરીકે અમે તેનાથી અલગ છીએ પણ માણસ તરીકે અમારી તેનો અઢળક પાડ માનવાનો છે. તેની પાસેથી અમે શીખ્યાં કે માણસો સારા હોય છે, રસપ્રદ હોય છે તે જિદંગીનો મુખ્ય આધાર છે અને તેમનાથી ડરવાની કોઇ જરૂર નથી, તથા તેમની સાથે સ્વીકાર અને પ્રેમથી વહેવાર કરવો જોઇએ. તેઓ પણ આપણી જિંદગીનું મુખ્ય કેન્દ્ર હોઇ શકે છે, બીજી બધાં પાસાઓનું મહત્વ ખેરવ્યા વિના પણ!

તમે સાંભળ્યું હશે કે વડના છાયડામાં બીજા કોઇ છોડને દરજ્જો ન મળી શકે. પણ મારું વડનું ઝાડ, મારી માએ મને એ બધું જ મેળવવા માં મદદ કરી જે મને જોઇતું હતું અને તેનાથી વધારે પણ મેં મેળવ્યું. તેણે મને સહકાર આપ્યો, મને પ્રોત્સાહન આપ્યું, મને સાચી દિશામાં વાળી, મારી ટીકા કરી, મારા દરેક સાહસમાં તે મારી સાથે હતી (અને ખાસ તો) તેણે મને મુક્ત છોડી. ઉપરાંત તે મને પ્રેમ કરે છે અને તેને મારા પર વિશ્વાસ છે તે અંગે તેણે એક ક્ષણ માટે પણ મને ક્યારેય એ વહેમ નથી થવા દીધો. તેનું આ ઋણ ચુકવવાનો એક માત્ર રસ્તો છે કે આ તમામ હું મારા સંતાનોને વારસમાં આપું. હું તેમનું લીંબુ પાણી બનું. તેમની જિંદગીમાં સ્વાદ ઉમેરું, મીઠો કે ખાટો.

(મૂળ આર્ટિકલનો અનુવાદઃ ચિરંતના ભટ્ટ)

 

ratna pathak supriya pathak Gujarati Natak Gujarati Drama entertainment news bollywood news