સવાસો કલાકાર-કસબીઓ સાથે રમાશે થિયેટર પ્રીમિયર લીગ

24 January, 2023 03:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શુક્રવારે બોરીવલીની મૈત્રી ટર્ફ પર સવારથી રાત સુધી રમાનારી આ બૉક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૮ મેન્સ ટીમ અને ૩ વિમેન્સ ટીમ ભાગ લેશે

સવાસો કલાકાર-કસબીઓ સાથે રમાશે થિયેટર પ્રીમિયર લીગ

માત્ર કલાકારો જ નહીં, ટેક્નિશ્યનથી માંડીને રંગમંચ સાથે જોડાયેલી દરેકેદરેક વ્યક્તિ એક છત નીચે આવે, ભાઈચારાની ભાવના સાથે આગળ વધે અને સૌકોઈનો એકબીજા માટે પ્રેમ જળવાયેલો રહે એવા ભાવથી ગુજરાતી રંગભૂમિ માટે TPL એટલે કે થિયેટર પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે, જે શુક્રવારે સવારથી રાત સુધી બોરીવલીના સાંઈબાબા નગરમાં આવેલા મૈત્રી ટર્ફ પર રમાશે. બૉક્સ ક્રિકેટની આ ટુર્નામેન્ટ ગયા વર્ષે પણ રમાડવામાં આવી હતી, પણ કોરોનાકાળ વચ્ચે સ્વાભાવિક રીતે એનું આયોજન નાના સ્તર પર રાખવામાં આવ્યું હતું, પણ આ વખતે થિયેટર પ્રીમિયર લીગમાં કુલ ૧૧ ટીમનો સમાવેશ થયો છે, જેમાં ૮ મેન્સ ટીમ અને ૩ વિમેન્સ ટીમ છે.

આ પણ વાંચો : ખંડાલામાં એકમેકનાં થયાં રાહુલ-આથિયા, આથિયાએ શૅર કરી લગ્નની ઈનસાઈડ તસવીરો

થિયેટર પ્રીમિયર લીગનો વિચાર સૌપ્રથમ ઍક્ટર-ડિરેક્ટર ચિંતન મહેતાને આવ્યો હતો, જે તેણે પોતાના નિર્માતા-દોસ્ત એવા ભરત નારાયણદાસ ઠક્કરને કહ્યો અને મનમાં ઝળકેલો વિચાર નક્કર પરિણામમાં ફેરવાયો. ચિંતન મહેતાએ કહ્યું હતું, ‘અમારો હેતુ ક્લિયર છે કે બધા સાથે મળે અને પરસ્પર નિકટ આવે. કામસર તો બધા એકબીજાને ઓળખતા જ હોય છે, એ સિવાય પણ તેમની વચ્ચે ભાઈચારો વધે એ જ કારણે અમે થિયેટર ઍક્ટિવિટી કરવાને બદલે મેદાનમાં આવ્યા અને આપણા દેશમાં જે ક્રિકેટને ધર્મ માનવામાં આવે છે એ જ ધર્મને અમે પણ અપનાવ્યો.’
થિયેટર પ્રીમિયર લીગને માત્ર ઍક્ટર અને ટેક્નિશ્યનો તરફથી જ નહીં, પણ સપોર્ટર્સનો પણ જબરદસ્ત હૂંફાળો પ્રતિસાદ મળ્યો. શિવાનંદ શેટ્ટી, ગોપાલ શેટ્ટી, પ્રોડ્યુસર ભરત નારાયણદાસ ઠક્કર અને વિશાલ ગોરડિયા, રસોઈ, અરવિંદભાઈ ખત્રી ઍન્ડ સન્સ, અલંકાર ઑપ્ટિશિયન્સ, શેમારુ મી, પરેશ દાણી પ્રોડક્શન્સ, હેત પરિવાર, નીલા ટેલિફિલ્મ્સ અને ઓમ શક્તિ કેટરર્સ સાથે ‘મિડ-ડે’ પણ થિયેટર પ્રીમિયર લીગમાં જોડાયું તો સંજય ગોરડિયા અને ટીકુ તલસાણિયા જેવા દિગ્ગજ કલાકારોએ પણ ટીમ-TPLને માર્ગદર્શનથી માંડીને સહયોગ આપવાનું શરૂ કર્યું એટલે નૅચરલી ચિંતન મહેતા અને ભરત નારાયણદાસ ઠક્કરનો ઉત્સાહ બેવડાયો, તો સાથોસાથ જે પ્રકારે મૅચમાં ભાગ લેવા માટે પણ કલાકાર-કસબીઓએ ઉમળકો દેખાડ્યો અને એણે પણ જબરદસ્ત કામ કર્યું. ચિંતન મહેતાએ કહ્યું હતું કે ‘ગયા વર્ષ કરતાં આ વખતે બમણી ટીમ છે અને ૩ તો વિમેન્સ ટીમ પણ છે, જેમાં નીલમ પંચાલ, આર્યા રાવલ, રિદ્ધિ નાયક-શુક્લા જેવી ખ્યાતનામ ઍક્ટ્રેસ પણ રમશે.’

આ પણ વાંચો : ગુજરાતી રંગભૂમિ મુંબઈના કલાકારો માટે થિયેટર પ્રીમિયર લીગનું આયોજન

ટીમ અને રંગમંચનું સંયોજન

થિયેટર પ્રીમિયર લીગમાં રમાનારી ૧૧ ટીમને ગુજરાતી રંગભૂમિના ૧૧ લૅન્ડમાર્ક એવાં ગુજરાતી નાટકોનાં નામની ઓળખ આપવામાં આવી છે. મેન્સ ટીમની વાત કરીએ તો એને ‘ખીલાડી’, ‘બાઝીગર’, ‘તોખાર’, ‘ગુરુબ્રહ્મા’, ‘રંગીલો’, ‘અભિનય સમ્રાટ’, ‘છેલછબીલો’ અને ‘જડબેસલાક’ જેવાં નામો આપવામાં આવ્યાં છે તો વિમેન્સ ટીમમાં સમાવેશ થાય છે એ ત્રણ ટીમને ‘પટરાણી’, ‘સંતુ રંગીલી’ અને ‘લાલીલીલા’ નામ આપવામાં આવ્યું છે.

મેન્સમાં આવતી ૯ ટીમના કૅપ્ટનમાં કપિલ ભુતા, પ્રતીક હરપળે, સ્વપ્નિલ માણે, લિનેશ ફણસે, ચિંતન મહેતા, અમર ભુતા, પાર્થ દેસાઈ અને દિનેશ ગાંધી કૅપ્ટન છે તો વિમેન્સ ડિપાર્ટમેન્ટમાં આવતી ત્રણ ટીમનું સુકાન પૂજા દમણિયા, કિંજલ ભટ્ટ અને માનસી મહેતાને સોંપવામાં આવ્યું છે.

ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા સવાસો જેટલા કલાકાર-કસબીઓ થિયેટર પ્રીમિયર લીગમાં ભાગ લેશે.

entertainment news Sanjay Goradia