10 August, 2025 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફિલ્મ નિર્માતાઓ પહોંચ્યા મંદિરમાં
ફિલ્મ `મહાવતાર નરસિંહા` (Mahavatar Narsimha) આ ઍનિમેશન ફિલ્મ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર (અર્ધ-સિંહ, અર્ધ-માનવ)ની કથા પર આધારિત છે. આ ફિલ્મની વાર્તા વિષ્ણુપુરાણ અને ભાગવતપુરાણમાંથી લેવામાં આવી છે. હવે હોમ્બલે ફિલ્મ્સે જાણે ઈતિહાસ રચ્યો છે. ફિલ્મ `મહાવતાર નરસિંહા` ની સફળતાની પ્રથમવાર મંદિરમાં ઉજવણી કરવામાં આવી હતી. હોમ્બલે ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત થયેલી ક્લિમ પ્રોડક્શન્સની ફિલ્મ `મહાવતાર નરસિંહા` બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ સાથે જ ફિલ્મને દેશભરના પ્રેક્ષકો દ્વારા ખુબ જ ચાહના મળી રહી છે. આ ફિલ્મ હિટ તો થઇ છે સાથે તેનાથી પણ આગળ વધીને નવો વિક્રમ પણ સર્જી રહી છે. આ ફિલ્મ જોવા માટે થિયેટરો હકડેઠઠ ભરાઈ રહ્યાં છે. આ ફિલ્મ જબરદસ્ત કમાણી કરી રહી છે. આ ફિલ્મની સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે હોમ્બલે ફિલ્મ્સ ભારતીય સિનેમાની વાસ્તવિક તાકાત છે.
આ ફિલ્મ (Mahavatar Narsimha) ઇતિહાસ રચી રહી છે ત્યારે નિર્માતાઓએ તેની સફળતાની અનોખી રીતે ઉજવણી કરવાનું પસંદ કર્યું હતું. `મહાવતાર નરસિંહા` ની જબરદસ્ત સફળતાની ઉજવણી કરવા માટે આ ફિલ્મની ટીમ મંદિરમાં પહોંચી છે. અગાઉ ક્યારેય ન બન્યું હોય તેવો ઉજવણીનો આ રસ્તો લોકોને પસંદ પડી રહ્યો છે. પ્રથમવાર મુંબઈના જુહુમાં ઇસ્કોન મંદિરમાં આ ફિલ્મની સફળતાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હોમ્બલે ફિલ્મ્સના સહ-સ્થાપકો ચાલુવે ગૌડા, અનિલ થડાની, દિગ્દર્શક અશ્વિન કુમાર અને નિર્માતા શિલ્પા કુમાર ઉપસ્થિત રહ્યા હતા. ક્લબ અને પબનો માર્ગ છોડીને નિર્માતાઓએ આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો અને ફિલ્મની સફળતા માટે ભગવાનનો આભાર વ્યક્ત કર્યો હતો.
હોમ્બલે ફિલ્મ્સ અને ક્લિમ પ્રોડક્શન્સે આ ભવ્ય એનિમેટેડ ફ્રેન્ચાઇઝી (Mahavatar Narsimha)ની સત્તાવાર શ્રેણી રજૂ કરી છે, જે આગામી સમયમાં ભગવાન વિષ્ણુના દસ દિવ્ય અવતારોની ગાથા કહેશે. આ શ્રેણીનો પહેલો મણકો `મહાવતાર નરસિંહા` થી વર્ષ 2025માં રજુ થયો. હવે મહાવતાર પરશુરામ (2027), મહાવતાર રઘુનાથ (2029), મહાવતાર દ્વારકાધીશ (2031), મહાવતાર ગોકુલાનંદ (2033), મહાવતાર કલ્કી ભાગ-1 (2035) અને મહાવતાર કલ્કી ભાગ-2 (2037) આવશે. આ શ્રેણી નવી ટેકનોલોજી અને ભવ્યતા સાથે ભારતીય પૌરાણિક કથાઓને દર્શકો સમક્ષ રજૂ કરવાના નેમ સાથે રજૂ થઇ રહી છે.
મહાવતાર નરસિંહા (Mahavatar Narsimha) એ અશ્વિન કુમાર દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. ક્લિમ પ્રોડક્શન્સ હેઠળ શિલ્પા ધવન, કુશલ દેસાઈ અને ચૈતન્ય દેસાઈ દ્વારા નિર્મિત છે. હોમ્બલે ફિલ્મ્સ સાથે તેનો હંમેશા જોડાણ આકર્ષક સામગ્રી લઈને આવે છે. ભાગીદારીનો હેતુ વિવિધ મનોરંજન પ્લેટફોર્મ દ્વારા સિનેમેટિક શ્રેષ્ઠ કૃતિ રજૂ કરવાનો છે. અદભૂત દ્રશ્યો, સાંસ્કૃતિક વિવિધતા, શ્રેષ્ઠ ફિલ્મ ટેકનોલોજી અને મજબૂત કથા સાથે આ ફિલ્મ 25 જુલાઈ, 2025ના રોજ 3D અને પાંચ ભારતીય ભાષાઓમાં રજૂ કરવામાં આવશે.