30 October, 2026 11:07 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનીતા અડવાણી, રાજેશ ખન્ના
બૉલીવુડના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો દાવો કરનાર ભૂતપૂર્વ ઍક્ટ્રેસ અનીતા અડવાણીને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. ગઈ કાલે અદાલતે તેની એ અરજી ફગાવી દીધી હતી જેમાં તેણે રાજેશ ખન્ના સાથેની કથિત લિવ-ઇન રિલેશનશિપને લગ્ન તરીકે માન્યતા આપવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસને ‘લક્ઝરી લિટિગેશન’ એટલે કે બિનજરૂરી કાનૂની લડાઈ ગણાવ્યો હતો.
રિપોર્ટ પ્રમાણે સુનાવણી દરમ્યાન અનીતા અડવાણી તરફથી હાજર રહેલા વકીલે અદાલતમાં જણાવ્યું હતું કે તેની અસીલ આ કાનૂની લડાઈ દ્વારા સન્માન મેળવવા માગે છે. વકીલે દલીલ કરી હતી કે સિવિલ કેસમાં તેની માગણીનો આધાર ગરિમા અને સન્માનની ભાવના છે. જોકે અદાલતે આ દલીલોને અરજી પર વિચાર કરવા માટે પૂરતી ગણી નહોતી.
રાજેશ ખન્નાનું ૨૦૧૨ના જુલાઈમાં અવસાન થયું હતું. અનીતા અડવાણીનો દાવો હતો કે તે ઘણાં વર્ષો સુધી રાજેશ ખન્ના સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહી હતી પણ તેમના અવસાન પછી તેને મુંબઈમાં આવેલા રાજેશ ખન્નાના બંગલા ‘આશીર્વાદ’માંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. આ પછી અનીતા અડવાણીએ ૨૦૧૩માં ડિમ્પલ કાપડિયા અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ મહિલાઓને ઘરેલુ હિંસાથી રક્ષણ આપતા કાયદા હેઠળ મૅજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. તેણે દર મહિને ભરણપોષણ મેળવવાની માગણી કરી હતી તેમ જ બાંદરામાં ત્રણ બેડરૂમવાળો ફ્લૅટ આપવાની ડિમાન્ડ પણ કરી હતી.