કદી વિચાર્યું નહોતું કે ‘ગદર: એક પ્રેમ કથા’નાં ડાયલૉગ્સ અને ગીતો આટલાં ફેમસ થઈ જશે: સની દેઓલ

14 June, 2021 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૦૧ની ૧૫ જૂને રિલીઝ થઈ હતી

સની દેઓલ

સની દેઓલનું કહેવું છે કે તેણે કદી પણ નહોતું વિચાર્યું કે ‘ગદર: એક પ્રેમ કથા’નાં ડાયલૉગ્સ અને ગીતો લોકોમાં આટલાં લોકપ્રિય બની જશે. આ ફિલ્મમાં સની દેઓલની સાથે અમીષા પટેલ, અમરીશ પુરી અને લિલેટ દુબે પણ જોવા મળ્યાં હતાં. આ ફિલ્મ ૨૦૦૧ની ૧૫ જૂને રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સની દેઓલે તારા સિંહનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મને લઈને સની દેઓલે કહ્યું હતું કે ‘હાઈ-ડ્રામા અને ઍક્શનથી ભરપૂર ‘ગદર: એક પ્રેમ કથા’ એક સુંદર લવ સ્ટોરી હતી. મને આજે પણ યાદ છે કે હું ઊટીમાં શૂટિંગ કરી રહ્યો હતો અને અનિલ શર્માએ મને એની સ્ટોરી સંભળાવી હતી. મને એ સ્ટોરી ખૂબ પસંદ આવી હતી. હંમેશાંની જેમ હું મારા દિલનું સાંભળતો આવ્યો છું અને આવી રીતે એની શરૂઆત થઈ. મારી કરીઅર દરમ્યાન મને ગ્રેટ કૅરૅક્ટર્સ ભજવવાની તક મળી છે. જોકે તારા સિંહનું પાત્ર ખૂબ સ્પેશ્યલ છે. તે નમ્ર અને સારો વ્યક્તિ છે, પરંતુ વાત જ્યારે તેના પરિવારની અને દેશની આવે છે તો તે આખી દુનિયાને હચમચાવી નાખે છે. આ પાત્ર દ્વારા હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યો હતો. એ સમયે અમે ધાર્યું નહોતું કે આ ફિલ્મનાં ડાયલૉગ્સ અને ગીતો આટલાં ફેમસ થશે. ફિલ્મની રિલીઝને ૨૦ વર્ષનો સમય પસાર થયો એ ખુશીની વાત છે.

entertainment news bollywood bollywood news sunny deol ameesha patel