૧૬ રાજ્યોમાં ઑક્સિજન પ્લાન્ટ્સ લગાવશે સોનુ સૂદ

11 June, 2021 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં જ આંધ્ર પ્રદેશના નેલ્લોર અને કુરનુલમાં આ પ્લાન્ટ્સ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે

સોનુ સૂદ

સોનુ સૂદ દેશનાં ૧૬ રાજ્યોમાં ઑક્સિજન પ્લાન્ટ્સ લગાવવાનો છે જેથી કોરોનાની મહામારીમાં દરદીઓને વલખાં ન મારવાં પડે. ઑક્સિજનના અભાવને કારણે કેટલાય લોકોને જીવ ગુમાવવા પડ્યા છે. થોડા સમય પહેલાં જ આંધ્ર પ્રદેશના નેલ્લોર અને કુરનુલમાં આ પ્લાન્ટ્સ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં જ તમામ રાજ્યોમાં ઑક્સિજન પ્લાન્ટ્સ લગાવવાની શરૂઆત કરવામાં આવશે. સપ્ટેમ્બર સુધીમાં તો આ કામ લગભગ પૂરું થઈ જશે. એ વિશે વધુ માહિતી આપતાં સોનુ સૂદે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા તમામ રાજ્યોને આવરી લેવાની છે. ઑક્સિજન પ્લાન્ટ્સ એવી હૉસ્પિટલોની નજીક લગાવ વામાં આવશે જેમાં ૧૫૦-૨૦૦ બેડ્સ હોય, જેથી કરીને હૉસ્પિટલ્સમાં કદી પણ અછત નહીં થાય. દરદીઓને હૉસ્પિટલ સુધી દોડવું પડે છે અને કેટલીક વખત લોકોએ જીવ ગુમાવવા પડે છે. એથી આશા છે કે હવે આવી સ્થિતિ નિર્માણ નહીં થાય. એનાથી આ સમસ્યા હંમેશાં માટે દૂર થઈ જશે. હાલમાં ૭૦૦ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે આ તો કામચલાઉ વ્યવસ્થા છે. ઑક્સિજન પ્લાન્ટ્સથી કદી પણ આવી સમસ્યા ઊભી નહીં થાય. કોરોનાની ત્રીજી અને ચોથી લહેર આવે એની રાહ શું કામ જોવાની? આ મહામારી જ્યારે ખતમ પણ થઈ જશે તો ગામડાંઓ અને જિલ્લાઓમાં હંમેશાં માટે ઑક્સિજન સપ્લાય કરવામાં આવશે.’

સોનુ સૂદ પર લોકોને ખૂબ આશા છે. આ જ કારણ છે કે લોકો તેના ઘરની બહાર મદદ માટે ઊભા છે. એ વિશે સોનુ સૂદે કહ્યું હતું કે ‘એનાથી હું નર્વસ નથી થતો, પરંતુ મારી જવાબદારી વધી ગઈ હોવાનો મને અહેસાસ થાય છે. વરસાદ વરસી રહ્યો છે અને લોકો બહાર ઊભા છે. મેં તેમને જવાની વિનંતી કરી છે. મને તેમની ચિંતા થઈ રહી છે. દેશ ખૂબ તકલીફમાં છે. એથી સાધનસંપન્ન લોકો આગળ આવે અને તેમનાથી બનતી બધી મદદ કરે.’

entertainment news bollywood bollywood news coronavirus covid19 sonu sood