મેરી બેટી તો પિક્ચરેં હી કમ કરતી હૈ, લેકિન ઇન સબસે ઝ્‌યાદા પૈસા લેતી હૈ

26 December, 2025 09:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે કરતાં શ્રદ્ધા કપૂર કેમ ઓછી ફિલ્મોમાં દેખાય છે એવા સવાલના જવાબમાં પપ્પા શક્તિ કપૂરે ધડાકો કર્યો

શક્તિ કપૂર

શક્તિ કપૂરે દીકરી શ્રદ્ધા વિશે એક ઇન્ટરવ્યુમાં એવી વાત કહી છે જેને લીધે બૉલીવુડની હિરોઇનોમાં ચણભણ થશે એ નક્કી છે.

૨૦૨૪માં ‘સ્ત્રી 2’ જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યા પછી પણ શ્રદ્ધા કપૂરની કોઈ નવી ફિલ્મ નથી આવી અને તે જાહેરમાં, પાર્ટીઓમાં પણ બહુ ઓછી દેખાય છે.

આ સંદર્ભમાં શક્તિ કપૂરને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે એવી વાતો થાય છે કે શ્રદ્ધાને આલિયા ભટ્ટ અને અનન્યા પાંડે જેવી અભિનેત્રીઓ કરતાં ઓછી તક મળે છે. આ સવાલના જવાબમાં શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘વો પિક્ચરેં હી કમ કરતી હૈ, પર પૈસા ઝ્‌યાદા લેતી હૈ... ઇન સબસે ઝ્‌યાદા પૈસા લેતી હૈ. તે વર્ષમાં એક કે બે ફિલ્મમાં જ કામ કરે છે.’

શ્રદ્ધાને કામ નથી મળતું એ વાતને હસી કાઢતાં શક્તિ કપૂરે કહ્યું હતું કે મારી દીકરી બહુ જિદ્દી છે અને તેનું દિલ કહે એ જ કરે છે, તેનાં પોતાનાં કેટલાંક મૂલ્યો છે અને તે બરાબર અનુસરે છે.

બૉલીવુડના જાણકારોની વાત માનીએ તો શ્રદ્ધા એક ફિલ્મ માટે ૧૬ કરોડ રૂપિયા લે છે, જ્યારે આલિયા ભટ્ટ ૧૨ કરોડ અને અનન્યા પાંડે પાંચેક કરોડ રૂપિયા લે છે.

shakti kapoor shraddha kapoor alia bhatt Ananya Panday entertainment news bollywood bollywood news