‘સરદાર ઉધમ’ Review : ઝોર કા ઝટકા

17 October, 2021 03:25 PM IST  |  Mumbai | Harsh Desai

ધીમી ગતિએ ચાલતી ફિલ્મ બીજા પાર્ટમાં હચમચાવી નાખે છે : સારી સ્ક્રિપ્ટ, અદ્ભુત ડિરેક્શન અને ભયંકર ઍક્ટિંગ હોવાની સાથે વનલાઇનર પણ ખૂબ સારાં છે

‘સરદાર ઉધમ’નો સીન

ફિલ્મ: સરદાર ઉધમ

ડિરેક્ટર : શૂજિત સરકાર

કાસ્ટ : વિકી કૌશલ, અમોલ પરાશર, બનીતા સંધુ, શોન સ્કૉટ, ઍન્ડ્રુ હૅવિલ

રિવ્યુ: પૈસા વસૂલ

બૉલીવુડમાં બાયોપિકની બોલબાલા છે, પરંતુ એને પૂરતો ન્યાય આપવો એ ખાવાના ખેલ નથી. હાલમાં એકસાથે બે બાયોપિક રિલીઝ થઈ છે. જોકે બન્ને એકમેકથી એકદમ અલગ છે. શૂજિત સરકાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘સરદાર ઉધમ’ બાયોપિક, સત્યઘટના પર આધારિત છે કે પછી વૉર ડ્રામા જે પણ કહો. આ દરેક કૅટેગરીમાં આ ફિલ્મ બંધ બેસે છે. વિકી કૌશલ દ્વારા ભજવવામાં આવેલા સરદાર ઉધમ સિંહના પાત્ર માટે પહેલી પસંદગી ઇરફાન ખાન હતો, પરંતુ તેના મૃત્યુ બાદ એ ફિલ્મ વિકીના ભાગે ગઈ હતી.

સ્ટોરી ટાઇમ

ઍમેઝૉન પ્રાઇમ પર રિલીઝ થયેલી આ ફિલ્મની સ્ટોરી ૧૯૧૯ની ૧૩ એપ્રિલે જલિયાંવાલા બાગમાં રેજિનાલ્ડ ડાયર દ્વારા કરવામાં આવેલી ૨૦,૦૦૦થી વધુ લોકોની હત્યા પર આધારિત છે. ૧૯૧૯થી લઈને ૧૯૪૦ સુધીની સફર આ ફિલ્મમાં દેખાડવામાં આવી છે. એ સમયના પંજાબના લેફટેનન્ટ ગવર્નર માઇકલ ઓડ્યરના ઑર્ડરથી જનરલ ડાયરે પુરુષો, મહિલા અને બાળકો પર ગોળીબાર કર્યો હતો. એનો બદલો શહીદ ઉધમ સિંહે લંડનમાં જઈને લીધો હતો. ઉધમ સિંહ તેના ગુરુ શહીદ ભગત સિંહને હથિયાર પહોંચાડતા હતા. ઉધમ સિંહને હથિયાર સાથે પકડવામાં આવ્યો હતો અને પાંચ વર્ષ બાદ તેને ૧૯૩૧માં છોડવામાં આવ્યો હતો. એ સમયે તેનું નામ શેર શાહ હતું. ઉધમ સિંહના ઘણાં નામ હતાં અને તેની પાસે ઘણા પાસપોર્ટ હતા. જેલમાંથી નીકળી તે લંડન ગયો હતો અને ત્યાં થોડાં વર્ષ કામ કર્યા બાદ તેણે માઇકલ ઓડ્યરની હત્યા કરી હતી. આ હત્યા તેણે ૨૧ વર્ષની રાહ જોયા બાદ પોતાની ઇચ્છાથી કરી હતી. જોકે ઉધમ સિંહને પકડી લેવામાં આવ્યો હતો અને તેને ૧૯૪૦માં ફાંસીની સજા થઈ હતી. ૧૯૭૪માં યુકે દ્વારા તેના અવશેષોને ભારત પાછા લાવવામાં આવ્યા હતા.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ સ્ક્રિપ્ટ છે. રિતેશ શાહ અને શુભેન્દુ ભટ્ટાચાર્ય દ્વારા ખૂબ જ સારો સ્ક્રીનપ્લે લખવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં મેસેજથી લઈને સરદાર ઉધમ કોણ હતો, તેના વિચાર, તેણે કેમ હત્યા કરવાનું પગલું લીધું જેવી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ભગત સિંહનો ફૉલોઅર હતો. તે ભગત સિંહ સાથે ચર્ચા કરતો હોય છે એમાં ભગત સિંહ કહે છે કે તને ફાંસી આપવામાં આવશે. આ સાંભળીને ઉધમ સિંહ પણ કહે છે કે મને પણ મારા ગુરુની જેમ ફાંસી જ આપવામાં આવશે અને એ સાચું પડે છે. બન્નેને ફાંસી આપવામાં આવી હતી. માઇકલ ઓડ્યરના ઘરે સરદાર ઉધમ સિંહ જ્યારે કામ કરતો હોય છે ત્યારે તે તેની વિચારધારાને જાણવાની કોશિશ કરતો હોય છે એ દૃશ્યને ખૂબ સારી રીતે દેખાડવામાં આવ્યું છે. આ સાથે જ ભગત સિંહ સાથેની ઉધમ સિંહની જોડીને પણ એટલું જ સહજતાથી દેખાડવામાં આવ્યું છે. વાઇટ વ્યક્તિ માને છે કે બ્લૅક વ્યક્તિને કન્ટ્રોલ કરવાની અને તેને યોગ્ય રસ્તો દેખાડવાની તેમની ફરજ છે, પરંતુ એ માનસિકતા ખોટી છે એ આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે. આ સ્ક્રીનપ્લેને સિનેમાના પડદે કંડારવાનું કામ શૂજિત સરકારે ખૂબ સારી રીતે કર્યું છે. હીર-રાંઝાના પુસ્તકને પોતાની ભગવદ્ગીતા માનનાર વ્યક્તિએ તેના જીવનમાં ભલે ગમે એટલાં હથિયાર તેના ગુરુને લાવી આપ્યાં હશે, પરંતુ પોતાની પાસે ક્યારેય એક પણ હથિયાર તેણે નહોતું રાખ્યું. જોકે તેણે લાઇફમાં એક જ વાર બંદૂક ચલાવી હતી અને એ પણ માઇકલ ઓડ્યરને મારવા માટે. શૂજિત સરકારે ફિલ્મમાં એકસાથે બે ટ્રૅક ચલાવ્યા છે. એક, માઇકલ ઓડ્યરને મારવામાં આવ્યો અને બીજો, ઉધમ સિંહ કોણ હતો અને કેવી રીતે તે શેર શાહ કે ફ્રૅન્ક બ્રાઝિલ બન્યો. શૂજિત સરકારે નૉન-લિનિયર દ્વારા સ્ટોરી રજૂ કરી છે. આ ફિલ્મ ખૂબ લાંબી એટલે કે ૧૬૨ મિનિટની છે, જેમાં પહેલી ૯૦ મિનિટ થોડી ખેંચી હોય એવું લાગે છે. જોકે ત્યાર બાદ શૂજિત સરકારની ફિલ્મ તેના ડિરેક્શન, સિનેમૅટોગ્રાફી, સ્ક્રીનપ્લે અને બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એડિટિંગ દ્વારા જે પેસ પકડે છે એ કાબિલેદાદ છે. જલિયાંવાલા બાગને જે રીતે દેખાડવામાં આવ્યું છે એ લગભગ આજ સુધી એક પણ ફિલ્મમાં એ રીતે ડિટેઇલમાં દેખાડવામાં નથી આવ્યું અને ભગત સિંહે એક મેસેજ આપ્યો હતો કે ટેરરિસ્ટ અને ક્રાન્તિકારી બન્ને બંદૂક ચલાવે છે, પરંતુ બંદૂક ચલાવવા પાછળ એક લક્ષ્ય અથવા તો કારણ હોવું જોઈએ. આ મેસેજને ઉધમ સિંહે પોતાના જીવનમાં ખૂબ સારી રીતે ઉતાર્યો હતો અને એટલી જ સારી રીતે શૂજિત સરકારે પણ એને અને માનવતાના મેસેજને સ્ક્રીન પર રજૂ કર્યો છે. શૂજિત સરકારની આ ફિલ્મ બૉમ્બ જેવી છે જેની જ્યોત ધીમે-ધીમે સળગે છે અને છેલ્લે જોરદાર ધડાકો કરે છે.

ઍક્ટિંગ

વિકી કૌશલે આ ફિલ્મમાં માનવામાં નહીં આવે એટલું જોરદાર કામ કર્યું છે. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ માટે લોકોએ તેનાં ખૂબ વખાણ કર્યાં હતાં અને એ તેના કરીઅરની ટર્નિંગ પૉઇન્ટ ફિલ્મ છે એવું કહ્યું હતું. જોકે આ ફિલ્મના તેના કામની સાથે એ ફિલ્મ માઇલો દૂર છે. વિકીએ ઘણા લુક કહો કે પાત્ર ભજવ્યાં છે. એક અવતારમાં તે તેની પ્રેમી જેનું પાત્ર બનીતા સંધુએ ભજવ્યું છે એ ખૂબ રોમૅન્ટિક લાગે છે. આ તેનું યુવાનીનું પાત્ર છે અને એ વિકી હોય એવું લાગતું નથી. પ્રેમમાં પાગલ એક વ્યક્તિ જ્યારે જલિયાંવાલા બાગને જુએ છે અને ત્યાર બાદ તેનું જે પરિવર્તન થાય છે એ અદ્ભુત છે. તેને જોઈને આંખમાં આંસુ આવી જશે અને રૂંવાડાં ઊભાં થઈ જશે. અમોલ પરાશરે ફિલ્મમાં ભગત સિંહનું પાત્ર ભજવ્યું છે. આ ભગત સિંહ અત્યાર સુધીની ફિલ્મોમાં જોવા મળેલા ભગત સિંહ કરતાં એકદમ અલગ છે, પરંતુ તેમના વિચાર એ જ છે. બનીતાએ પણ નાનકડી પરંતુ ખૂબ સારી ભૂમિકા ભજવી છે. એક પણ ડાયલાૅગ બોલ્યા વગર તેનો ચહેરો ઘણું બધું કહી જાય છે. જનરલ ડાયર અને માઇકલ ઓડ્યરની ભૂમિકામાં અનુક્રમે ઍન્ડ્રૂ હૅવિલ અને શોન સ્કૉટે ખૂબ સારું કામ કર્યું છે. શોન સ્કૉટે તદ્દન કોલ્ડ હાર્ટેડ વ્યક્તિનું પાત્ર સારી રીતે ભજવ્યું છે.

મ્યુઝિક

શાંતનુ મોઇત્રાએ આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે. તેનું મ્યુઝિક ખૂબ અદ્ભુત છે. આ મ્યુઝિક તમને બોર થતું પણ અટકાવશે અને એક સમયે રડવા પણ મજબૂર કરશે.

આખરી સલામ

જલિયાંવાલા બાગમાં સર્જાયેલી ઘટના બાદ કેવી હાલત હતી એ અહીં ડિટેઇલમાં દેખાડવામાં આવ્યું છે તેમ જ ફિલ્મમાં ઘણા મેસેજ પણ આપવામાં આવ્યા છે. ફિલ્મ જોયા બાદ કદાચ લંડન ક્યારેય ન જવાનો વિચાર આવે તો પણ ખોટું નથી. સૌથી મોટો સવાલ એ છે કે ફિલ્મ જ્યારે લંડનમાં લોકો જોશે ત્યારે તેમને શું વિચાર આવશે?

entertainment news bollywood bollywood news film review movie review vicky kaushal shoojit sircar harsh desai