‘સરદાર કા ગ્રૅન્ડસન’ રિવ્યુ: અમન-કી-આશા

20 May, 2021 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્જુન કપૂર અને નીના ગુપ્તાએ જોરદાર કામ કર્યું છે: સ્ટોરીમાં ઇમોશનલ ટચ આપવામાં કાશવી નાયર પાછી પડી છે અને ડાયલૉગ્સમાં પણ ખાસ દમ નથી

સરદાર કા ગ્રૅન્ડસનનો સીન

સરદાર કા ગ્રૅન્ડસન

કાસ્ટ: અર્જુન કપૂર, રકુલ પ્રીત સિંહ, નીના ગુપ્તા, અદિતિ રાવ હૈદરી, જૉન એબ્રાહમ

ડિરેક્ટર: કાશવી નાયર

રિવ્યુ: ઠીક-ઠીક

અર્જુન કપૂરની ‘સરદાર કા ગ્રૅન્ડસન’ હાલમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ એક ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે, પરંતુ એમાં ઇમોશન્સની કમી છે. કાશવી નાયર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી પહેલી ફીચર ફિલ્મમાં ઇમોશનલ ટચની કમી છે. જૉન એબ્રાહમ અને ભૂષણ કુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં અર્જુનની સાથે રકુલ પ્રીત સિંહ, નીના ગુપ્તાની સાથે અદિતિ રાવ હૈદરી અને જૉન પણ નાનકડી ભૂમિકામાં છે.

સ્ટોરી ટાઇમ

અમરિક (અર્જુન કપૂર) અમેરિકામાં હોય છે અને તેની દાદી એટલે કે સરદાર કૌર (નીના ગુપ્તા)ને ટ્યુમર થયું હોવાથી તે તેની પાસે અમ્રિતસર જાય છે. ત્યાં જઈને તેને ખબર પડે છે કે તેની સરદારની છેલ્લી ઇચ્છા લાહોરમાં જઈને તેના જૂના ઘરને જોવાની હોય છે. પાકિસ્તાન સાથેના ભાગલા બાદ તે ઇન્ડિયા આવી રહી હોય છે. જોકે પ્રૉબ્લેમ એ હોય છે કે સરદારને પાકિસ્તાનમાં બ્લૅક લિસ્ટ કરી હોય છે. એક મૅચ દરમ્યાન હરભજન સિંહને પાકિસ્તાની દર્શક દ્વારા મન્કી કહેવામાં આવતાં સરદારે તેની દાઢી ખેંચી કાઢી હોય છે. આ કારણસર સરદાર પાકિસ્તાન નથી જઈ શકતી. અમરિક અમેરિકામાં પૅકર્સ ઍન્ડ મૂવર્સ ચલાવતો હોય છે. આથી તે પાકિસ્તાનથી તેની દાદી માટે તેનું ઘર ઉઠાવીને અમ્રિતસર લાવવાનો પ્લાન બનાવે છે. અહીંથી તેના માટે નવી-નવી સમસ્યાની શરૂઆત થાય છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

અનુજા ચૌહાણ સાથે મળીને કાશવીએ આ સ્ટોરીને લખી છે. ફિલ્મનો પ્લૉટ ખૂબ જ સામાન્ય અને પ્રિડિક્ટેબલ છે એની જાણ તેમને હોવા છતાં તેમણે આ સ્ટોરીને પસંદ કરી હતી. જોકે તેઓ સ્ક્રિપ્ટમાં જોઈએ એટલો ઇમોશનલ ટચ આપવાના ચૂકી ગયા છે. જરૂર પડ્યે ફિલ્મને થોડો વધુ ઇમોશનલ ટચ આપવો અને જરૂર ન હોય ત્યાં એ ઓછું કરવામાં આવ્યું હોત તો ફિલ્મ સારી બની હોત. આ સાથે જ પાર્ટિશનના દૃશ્યને પણ ખૂબ જ નબળું દેખાડવામાં આવ્યું છે. અદિતિ પાકિસ્તાનથી ઇન્ડિયા તેના નાના દીકરાને લઈને સાઇકલ પર ભાગે છે. સાઇકલ પર? કોઈ વિચારી શકે ખરું? ફિલ્મના ડાયલૉગ પણ એટલા ખાસ નથી. દરેકને ખબર પડી જાય છે કે ફિલ્મનો હૅપી એન્ડિંગ હશે, પરંતુ એ વચ્ચે ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન એટલા સારા નથી. તેમ જ કાશવીની પહેલી ફીચર ફિલ્મ હોવાથી તેના ડિરેક્શનમાં પણ કમી જોવા મળે છે. ફિલ્મનાં પાત્રો વચ્ચે એટલું કનેક્શન નથી દેખાતું. આ સ્ટોરી અને ડિરેક્શન બન્નેને કારણે છે. આ સાથે જ ફિલ્મ ખૂબ જ લાંબી એટલે કે ૧૩૫ મિનિટની લાગે છે.

પર્ફોર્મન્સ

અમરિકે એટલે કે અર્જુને તેના પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. ‘સંદીપ ઍન્ડ પિંકી ફરાર’ બાદ તેણે ફરી સારું કામ કર્યું છે. જોકે રડવાનું દૃશ્ય તેણે એટલું જ ગંદું ભજવ્યું છે. તેને રડતાં ન આવડતું હોવાથી તેના ચહેરાને છુપાવી દેવામાં આવ્યો હતો જેના કારણે પણ એ દૃશ્ય સાથે કનેક્ટ નથી થઈ શકાતું. ફિલ્મનો ચાર્મ નીના ગુપ્તા છે. તેમણે ૯૦ વર્ષની વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે. પ્રોસ્થેટિક મેકઅપ થોડો વિચિત્ર લાગતો હતો, પરંતુ નીના ગુપ્તાએ ખૂબ જ જોરદાર અદાકારી કરી છે. એક ખુશમિજાજ પંજાબી પાત્રને રજૂ કરવા માટે તેમણે કોઈ કસર નથી છોડી. ફિલ્મમાં નીના ગુપ્તા હોય ત્યારે એક ગજબનો ચાર ચાંદ લાગી ગાય છે. રકુલ પ્રીત સિંહ અને જૉન એબ્રાહમ પાસે નામ પૂરતું કામ હતું. જોકે અદિતિનો સ્ક્રીન ટાઇમ પણ ખૂબ જ ઓછો હતો, પરંતુ તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને પાત્રને પણ પૂરતો ન્યાય આપ્યો છે. કુમુદ મિશ્રાનું પાત્ર લખવામાં વેઠ ઉતારવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

મ્યુઝિક

ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ સામાન્ય છે. તેમ જ ગીત એટલાં જ ભંગાર છે. તનિષ્ક બાગચીએ ફરી એક વાર ઓરિજિનલ ગીતનું રીમેક બનાવીને એનો ખાતમો કરવામાં કોઈ કસર નથી છોડી.

આખરી સલામ

ફિલ્મ થોડી લાંબી છે, પરંતુ અજુન કપૂર અને નીના ગુપ્તાએ ખૂબ જ સારું કામ કર્યું છે. અમન-કી-આશા દેખાડવામાં કાશવી થોડી પાછી પડી છે.

entertainment news bollywood bollywood news movie review bollywood movie review film review arjun kapoor neena gupta rakul preet singh aditi rao hydari john abraham harsh desai