17 September, 2026 06:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સલમાન ખાન (સૌજન્ય : મિડ-ડે)
સુપરસ્ટાર સલમાન ખાનની છેલ્લી રિલીઝ ‘સિકંદર’ હતી, જે બૉક્સ-ઑફિસ પર નિષ્ફળ રહી હતી. આ સિવાયની સલમાનની બની ગયેલી ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની રિલીઝ-ડેટને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સલમાન ટૂંક સમયમાં ફિલ્મમેકર રાકેશ ઓમપ્રકાશ મેહરાની આગામી ફિલ્મમાં કર્ણનું પાત્ર ભજવશે અને બન્નેએ એક મોટા પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા હોવાનું કહેવાય છે. આ પાત્ર સલમાન માટે ખૂબ જ પડકારજનક સાબિત થઈ શકે છે. મહાભારતમાં કર્ણનું પાત્ર વફાદારી, સાહસ અને કરુણ જીવનયાત્રા માટે જાણીતું છે અને સલમાન હવે આ પાત્રને પોતાની સ્ટાઇલથી જીવંત બનાવશે.
આ પ્રોજેક્ટમાં સલમાનના સ્ટાર પાવર અને રાકેશ ઓમપ્રકાશ મેહરાની ખાસ વાર્તા કહેવાની શૈલીનું કૉમ્બિનેશન જોવા મળશે. જોકે ફિલ્મને લઈને હજુ વધુ વિગતો સામે આવી નથી અને અભિનેતા કે દિગ્દર્શકે પણ અત્યાર સુધી આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી નથી.
સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ હજુ મુશ્કેલીમાં ફસાયેલી છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મના ચીન સાથે જોડાયેલા કનેક્શનને કારણે એના સેન્સર-સર્ટિફિકેશનમાં વિલંબ થઈ રહ્યો છે. અગાઉ એવી ચર્ચા હતી કે આવતા અઠવાડિયે ફિલ્મનું સ્ક્રીનિંગ સેન્સર બોર્ડ સમક્ષ યોજાઈ શકે છે જેના કારણે ફિલ્મના કામમાં પ્રગતિ થવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મામલે હજુ સુધી કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી અને જિયો-પૉલિટિકલ બૅકગ્રાઉન્ડને કારણે ફિલ્મની સ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નથી. ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી સૈન્ય અથડામણ પર આધારિત છે અને બન્ને દેશો વચ્ચે તાજેતરમાં રાજદ્વારી સંબંધોમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં સંરક્ષણ મંત્રાલયે ફિલ્મના કેટલાક સંવેદનશીલ કન્ટેન્ટ અંગે ચિંતા વ્યક્ત કરી છે.