ઘરે પત્ની હોવા છતાં આવું કરે છે? વાંદરા જેવો લાગી રહ્યો છે, કર્ણાટક છોડવાની ફરજ પાડવામાં આવશે

15 August, 2026 10:45 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

ટૉક્સિકના ટ્રેલરમાં હીરો યશનો ન્યુડ સીન જોઈને ભડકી તેની જ કન્નડા ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની ઍક્ટ્રેસ રિશિકા સિંહ, રિશિકા સિંહે આકરા શબ્દોમાં ઉમેર્યું હતું કે જો યશ કન્નડા સંસ્કૃતિ અને મહિલાઓનું યોગ્ય સન્માન નહીં કરે તો તેને કર્ણાટક છોડવાની ફરજ પાડવામાં આવશે.

ઘરે પત્ની હોવા છતાં આવું કરે છે? વાંદરા જેવો લાગી રહ્યો છે...

કન્નડા સિનેમાની જાણીતી અભિનેત્રી રિશિકા સિંહે સુપરસ્ટાર યશની આગામી બહુચર્ચિત ફિલ્મ ‘ટૉક્સિકઃ અ ફેરીટેલ ફૉર ગ્રોનઅપ્સ’ના ટ્રેલરને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. ટ્રેલરમાં દર્શાવવામાં આવેલાં અશ્લીલ અને અસંવેદનશીલ દૃશ્યો સામે ભારે આક્રોશ વ્યક્ત કરતાં રિશિકા સિંહે યશની આકરી ટીકા કરી છે અને ફિલ્મમાં મહિલાઓના ચિત્રણ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

સોશ્યલ મીડિયા પર શૅર કરેલા એક વિડિયોમાં રિશિકા સિંહે ફિલ્મમાં યશના નગ્ન દૃશ્ય વિશે રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે ‘મહિલાની શોભા તેની સુંદરતામાં છે, જ્યારે પુરુષની સાચી શોભા તેના સન્માનમાં છે. ઘરે પત્ની હોવા છતાં પડદા પર અન્ય અભિનેત્રીઓ સાથે આ પ્રકારનાં દૃશ્યો આપવાની કે ફ્લર્ટ કરવાની શું જરૂર છે? તે તદ્દન વાંદરા જેવો લાગી રહ્યો છે.’ 

રિશિકા સિંહે આકરા શબ્દોમાં ઉમેર્યું હતું કે જો યશ કન્નડા સંસ્કૃતિ અને મહિલાઓનું યોગ્ય સન્માન નહીં કરે તો તેને કર્ણાટક છોડવાની ફરજ પાડવામાં આવશે.

આ ઉપરાંત રિશિકા સિંહે બૉલીવુડની અભિનેત્રી કિઆરા અડવાણી સહિત અન્ય મહિલા કલાકારોની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ટ્રેલરમાં મહિલાના ‘રેટ’ (ભાવ) પૂછતા સંવાદનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું હતું કે કિઆરા જેવી મોટા ગજાની ઍક્ટ્રેસને બૉલીવુડમાંથી લાવીને આ પ્રકારે જ દર્શાવવાની હતી? 

રિશિકા સિંહે યશના ચાહકોને અપીલ કરી હતી કે તેઓ પણ વિચાર કરે કે જો તેમની પત્ની સાથે અન્ય જગ્યાએ આવો વ્યવહાર થાય તો તેમને કેવું લાગે.

ઉલ્લેખનીય છે કે યશની ‘KGF ચૅપ્ટર 2’ પછી લગભગ ૪ વર્ષે આવી રહેલી બિગ સ્ક્રીન પરની આ પહેલી ફિલ્મ છે. ગીતુ મોહનદાસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કન્નડા અને અંગ્રેજીમાં એકસાથે શૂટ થઈ છે અને હિન્દી, તેલુગુ, તામિલ અને મલયાલમમાં ડબ થઈને રિલીઝ થશે. આ ફિલ્મ ૨૬ ઑગસ્ટે વિશ્વભરમાં રિલીઝ થવાની છે. 

toxic kiara advani huma qureshi Tara Sutaria karnataka entertainment news bollywood controversies bollywood news bollywood