Film Review: એન્ટરટેઇનમેન્ટથી કોસો દૂર

18 February, 2023 01:08 PM IST  |  Mumbai | Harsh Desai

‘શહઝાદા’માં કાર્તિક સિવાય દરેક વસ્તુમાં ખૂબ જ ખામી જોવા મળી છે : સ્ટોરી, દૃશ્ય અને કૅમેરા ઍન્ગલ દરેક વસ્તુ કૉપી-પેસ્ટ છે

ફિલ્મ રિવ્યુ

શહઝાદા 

કાસ્ટ : કાર્તિક આર્યન, પરેશ રાવલ, ક્રીતિ સૅનન, રૉનિત રૉય, મનીષા કોઇરાલા, અંકુર રાઠી, રાજપાલ યાદવ, અલી અસગર, સની હિન્દુજા
ડિરેક્ટર : રોહિત ધવન

સ્ટાર: 2/5
  

કાર્તિક આર્યનની ‘શહઝાદા’ ગઈ કાલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ સાઉથી અલ્લુ અર્જુનની ફિલ્મ ‘અલા વૈકુંઠપુરામુલુ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં કામ કરવાની સાથે એને કાર્તિકે પ્રોડ્યુસ પણ કરી છે, કારણ કે ફિલ્મના બજેટને લઈને ઇશ્યુ થઈ રહ્યા હતા. આ ફિલ્મને રોહિત ધવને ડિરેક્ટ કરી છે.

સ્ટોરી ટાઇમ
ફિલ્મની સ્ટોરી ઓરિજિનલ સ્ટોરી પર જ આધારિત છે. એમાં કોઈ બદલાવ કરવામાં નથી આવ્યો. જોકે ૨૦૨૩માં પણ આવી સ્ટોરી લઈને આવવી એ માટે ખરેખર નરેન્દ્ર મોદીની જેમ છપ્પનની છાતી જોઈએ. પરેશ રાવલે વાલ્મીકિનું પાત્ર ભજવ્યું છે. તે તેના માસ્ટર એટલે કે રૉનિત રૉયના દીકરા સાથે 
પોતાના દીકરાની અદલાબદલી 
કરી દે છે. વાલ્મીકિની ઇચ્છા હોય છે કે તેનો દીકરો રાજ એટલે કે અંકુર રાઠી શહઝાદાની લાઇફ જીવે. એને કારણે રિયલ શહઝાદા બન્ટુ એટલે કે કાર્તિક આર્યન મિડલ ક્લાસ ફૅમિલીની લાઇફ જીવે છે. 
જોકે તેનું લોહી તેને શહઝાદાની લાઇફ જીવવા માટે ખેંચી લાવે છે. પછી શું થાય છે એ જાણવાની જરૂર પણ નથી, કારણ કે બધાને ખબર જ છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
ફિલ્મની સ્ટોરીને કૉપી-પેસ્ટ કરવામાં આવે છે. એમાં જરા પણ બદલાવ કરવામાં નથી આવ્યો. રોહિત ધવન તેના પિતાની જેમ માસ એન્ટરટેઇનર ફિલ્મ બનાવવા માટે જાણીતો છે અને વરુણ ધવન પણ મોટા ભાગે એવી જ ફિલ્મો કરે છે. જોકે રોહિતની આ ફિલ્મ માસ એન્ટરટેઇનર બનવામાં નિષ્ફળ રહી છે. એમાં સ્ટોરીનો સૌથી મોટો પ્રૉબ્લેમ છે. સ્ટોરીને તેમણે આજના સમય સાથે બંધબેસતી બનાવવી જોઈતી હતી. તેમ જ ફિલ્મના દરેક પાત્રને ખૂબ જ કમજોર દેખાડવામાં આવ્યાં છે. સ્ટોરી પણ ખાસ કોઈ ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ કે ટર્ન સાથે આગળ નથી વધતી. તેમ જ આ ફિલ્મના ડાયલૉગ પણ એટલા ખાસ નથી. વનલાઇનર્સ અને પન્ચલાઇનની ખૂબ જ અછત જોવા મળી છે. આ ફિલ્મના ડિરેક્શનમાં કોઈ ખાસ વાત નથી. રોહિતનું ફિલ્મને લઈને કોઈ ચોક્કસ વિઝન જોવા નથી મળ્યું. સ્ટોરીથી લઈને દરેક દૃશ્યથી લઈને કૅમેરા ઍન્ગલને પણ કૉપી-પેસ્ટ કરવામાં આવ્યા છે. ફિલ્મને લઈને કોઈએ પણ મહેનત કરી હોય એવું જોઈને લાગતું નથી.

પર્ફોર્મન્સ
કાર્તિક આર્યને તેને જે રીતનું પાત્ર લખીને આપવામાં આવ્યું હતું એને શિદ્દતથી ભજવવાની કોશિશ કરી છે. અલ્લુ અર્જુન સ્ટાઇલિશ સ્ટાર છે અને તેનો સ્વૅગ અલગ છે. જોકે આ ફિલ્મમાં પણ તેણે જે સ્ટાઇલ મારી હતી એ જ રીમેકમાં પણ કાર્તિક માટે રાખવામાં આવી છે. કાર્તિકની સ્ટાઇલ અને બૉડી-લૅન્ગ્વેજને લઈને તેનો સ્વૅગ અલગ રાખવાની જરૂર હતી. જોકે એમ છતાં કાર્તિકને જે પણ સ્ક્રિપ્ટ આપવામાં આવી છે એને તેણે સારી રીતે ભજવવાની કોશિશ કરી છે. પરેશ રાવલે એક કમીના બાપનું પાત્ર સારી રીતે ભજવ્યું છે, પરંતુ અગેઇન ઓરિજિનલ પર્ફોર્મન્સ અને આમાં કોઈ તફાવત નથી. રૉનિત રૉયે અગાઉ ઘણી વાર પિતાનું પાત્ર ભજવ્યું છે, પરંતુ આ શું કામ ભજવ્યું એ એક સવાલ છે. મનીષા કોઇરાલા પાસે પણ ખાસ કોઈ કામ નહોતું. ક્રિતી સૅનન વકીલ હોય છે, પરંતુ તે કોર્ટમાં જોવા નથી મળતી. તેને ફક્ત તેના ગ્લૅમરને દેખાડવા માટે લેવામાં આવી હોય એવું લાગે છે. તેની હાજરી કે તેના દૃશ્યને લઈને ફિલ્મની સ્ટોરી પર કોઈ ખાસ ફરક નથી પડતો. રાજપાલ યાદવ, સની હિન્દુજા અને અલી અસગર નાનકડી ભૂમિકામાં છે અને એ મહેમાન ભૂમિકા જેવું જ રહ્યું છે.

મ્યુઝિક
ફિલ્મમાં કાર્તિક આર્યન સિવાય દરેક વસ્તુમાં ખામી છે અને એમાં ફિલ્મના આલબમનો પણ સમાવેશ થાય છે. આ ફિલ્મનું એક પણ ગીત એવું નથી જે વારંવાર સાંભળવાની મજા આવે અથવા તો વાઇરલ થયું હોય. આજે સોશ્યલ મીડિયા પર પણ રીલમાં ઘણાં સૉન્ગ વાઇરલ થતાં હોય છે અને એમાં પણ આ ફિલ્મના ગીતનો સમાવેશ નથી થયો. પ્રીતમનું મ્યુઝિક પણ આ ફિલ્મની એક કમજોર કડી છે.
આખરી સલામ
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હવે બાળકોને એક્સચેન્જ કરવાનો આઇડિયા પડતો મૂકવો જોઈએ. પહેલાં ‘સર્કસ’માં એ જોઈ ચૂક્યા છીએ અને હવે ‘શહઝાદા’માં પણ એ જોઈ શકાય છે.

 ફાલતુ,   ઠીક-ઠીક, 
 ટાઇમ પાસ, 
 પૈસા વસૂલ, 
     બહુ જ ફાઇન

bollywood news kartik aaryan kriti sanon harsh desai