નૉટ સો ‘જોરદાર’

14 May, 2022 02:01 PM IST  |  Mumbai | Harsh Desai

શરૂઆતથી જ સ્ક્રિપ્ટ ખૂબ પ્રિડિક્ટેબલ છે : રણવીરે સારું કામ કર્યું છે, પરંતુ એમ છતાં ઘણાં દૃશ્યોમાં લાઉડ લાગે છે અને શાલિની પાન્ડેને વધુ ટાઇમ આપવાની જરૂર હતી

નૉટ સો ‘જોરદાર’

જયેશભાઈ જોરદાર 

કાસ્ટ : રણવીર સિંહ, શાલિની પાન્ડે, બમન ઈરાની, દીક્ષા જોષી, જિયા વૈદ્ય
ડિરેક્ટર : દિવ્યાંગ ઠક્કર

રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ ગઈ કાલે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં તે ગુજરાતી વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યો છે. અગાઉ તેણે ‘રામ લીલા’માં પણ ભજવી હતી, પરંતુ આ એકદમ હટકે વિષય છે. આ ફિલ્મ આયુષમાન ખુરાનાના જોનરની છે, જેમાં એન્ટરટેઇનમેન્ટની સાથે હ્યુમર અને સોશ્યલ મેસેજ પણ આપવામાં આવ્યા છે. જોકે આ વિષય પર અગાઉ ઘણી ફિલ્મો અને સિરિયલો બની ગઈ છે. આ વિષય છે પ્રી-નેટલ સેક્સ  ડિટરમિનેશન એટલે કે ગર્ભનું પરીક્ષણ કરવું કે છોકરો છે કે છોકરી. આ પરીક્ષણ એટલા માટે કરાવવામાં આવે છે કે લોકોને છોકરાનો વધુ મોહ હોય છે અને છોકરી હોય તો તેઓ અબૉર્શન કરાવી નાખે છે. આથી નરેન્દ્ર મોદીના અભિયાન ‘બેટી બચાવો’ પર આ ફિલ્મ બનાવવામાં આવી છે.
સ્ટોરી ટાઇમ
રણવીરે આ ફિલ્મમાં જયેશભાઈનું પાત્ર ભજવ્યું છે. તેના પિતા બમન ઈરાની ગુજરાતના પ્રવીણગઢના સરપંચ રામલાલ હોય છે. તેમની વિચારસરણી પિતૃપ્રધાન હોય છે. તેઓ મહિલાઓને ફક્ત એક કામ કરનાર સ્ત્રીની નજરે જુએ છે. તેમ જ ઘણી વાર કેટલાક નેતા દ્વારા એવું સાંભળવા મળ્યું છે કે છોકરીઓ શૉર્ટ કપડાં પહેરે તો છોકરાઓ ઉશ્કેરાય છે અને પરિણામે બળાત્કાર થાય છે. રામલાલ આવી જ એક વ્યક્તિ છે જે માનતી હોય છે કે સુગંધવાળા સાબુનો ઉપયોગ કરવાથી મહિલાઓની છેડતી કરવામાં આવે છે. આથી તે  દારૂ નહીં, પરંતુ સુગંધવાળા સાબુ પર પ્રતિબંધ લગાવે છે. તેમનો દીકરો જયેશ તેમનાથી એકદમ અલગ હોય છે. જોકે તેણે તેના પિતાની દરેક વાતમાં હા-બાપા હા-બાપા કરવી પડે છે. તેની પાસે પોતાની કોઈ ચૉઇસ નથી હોતી. તેની પત્ની મૃદાનું પાત્ર શાલિની પાન્ડેએ ભજવ્યું છે અને નવ વર્ષની દીકરીનું પાત્ર જિયા વૈદ્યએ ભજવ્યું છે. ફિલ્મની શરૂઆત મૃદાની સાથે થાય છે જે પ્રેગ્નન્ટ હોય છે. તેના ઘરવાળાની ઇચ્છા હોય છે કે તેને દીકરો આવે. જોકે દીકરી હોવાથી તેનો રસ્તો શોધવામાં આવવાનો હોય છે એટલે કે અબૉર્શનનું પ્લાનિંગ હોય છે. રણવીર નથી ઇચ્છતો કે તેની પત્નીનું છ વાર અબૉર્શન કરાવ્યા બાદ સાતમી વાર પણ એવું કરે. મંદિરમાં જે રીતે પ્રસાદમાં શું આપે એ નથી પૂછતા એ જ રીતે દીકરો છે કે દીકરી એ પણ આપણે ન પૂછવું જોઈએ એવું જયેશભાઈનું માનવું છે. જોકે તે ઘરમાંથી ભાગી તો જાય છે પરંતુ તેના પિતા અને તેમના માણસોથી કેવી રીતે બચવું એ તેને નથી ખબર હોતી.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
યશરાજ પ્રોડક્શનની આ ફિલ્મને મનીષ શર્માએ પ્રોડ્યુસ અને દિવ્યાંગ ઠક્કરે ડિરેક્ટ કરી છે. દિવ્યાંગે ગુજરાતી ફિલ્મો ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’માં કામ કર્યું હતું. જોકે તેણે ‘જયેશભાઈ જોરદાર’ની સ્ક્રિપ્ટ લખી પણ છે અને એને ડિરેક્ટ પણ કરી છે. આ ફિલ્મ દ્વારા તેણે ડિરેક્ટર તરીકેની શરૂઆત કરી છે. જોકે સૌથી પહેલો સવાલ એ થાય કે આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ કેમ ગુજરાત રાખવામાં આવ્યું. ભ્રૂણહત્યા તો ઇન્ડિયાના ગુજરાત કરતાં અન્ય રાજ્યો જેવાં કે રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં વધુ થાય છે. જોકે ત્યાં પણ હવે તો એનો દર ઓછો થઈ ગયો છે, પરંતુ ગુજરાત કેમ રાખવામાં આવ્યું એ સવાલ છે. બની શકે કે હવે બૉલીવુડને ગુજરાત એક મોટું માર્કેટ લાગ્યું હોય અને એથી તેઓ ત્યાંની ફિલ્મો બનાવવાનું શરૂ કરે. જોકે સ્ક્રિપ્ટ અને ડિરેક્શન બન્નેમાં ઘણા પ્રૉબ્લેમ છે. ફિલ્મની શરૂઆત થઈ ત્યારથી એ પ્રિડિક્ટેબલ હતી અને હવે શું થશે એ દરેક દૃશ્ય બાદ ખબર પડે છે. જોકે કેટલાક હ્યુમરનો સમાવેશ કરીને દિવ્યાંગે સારીએવી કોશિશ કરી છે. એક દૃશ્ય ખૂબ જ સિરિયસ થઈ જાય છે તો બીજા દૃશ્યમાં હ્યુમર આવી જાય છે. અમુક જગ્યાએ એ સારું લાગે છે, પરંતુ મોટા ભાગે આ હ્યુમર ઇશ્યુને નબળો પાડે છે અને જે મેસેજ આપવા માગતો હોય છે એ નથી પહોંચતો. ઇન્ટરવલ પહેલાં ફિલ્મ ખૂબ જ નબળી છે, પરંતુ બીજા પાર્ટમાં થોડી ફિલ્મ ઇન્ટરેસ્ટિંગ બને છે. ખાસ કરીને ક્લાઇમૅક્સમાં થોડી ‘હલચલ’ અને ‘હંગામા’ જેવી ફિલ્મ આવે તો નવાઈ નહીં. દિવ્યાંગની સ્ક્રિપ્ટનો સૌથી મોટો પ્રૉબ્લેમ છે એ છે કે એની સ્ટોરી સતત જયેશભાઈની આસપાસ ફરે છે. સબપ્લૉટ અથવા તો સાઇટ સ્ટોરીને ચાન્સ જ નથી મળ્યો. હરિયાણાનું ગામ લાડો જ્યાં ફક્ત પુરુષો જ હોય છે અને એ દરેક પહેલવાન હોય છે એ સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતી અને એક્સપ્લોર કરવાની જરૂર હતી. આ ગામમાં એક પણ મહિલા ન હોવાથી ત્યાં કોઈનાં લગ્ન નહોતાં થઈ શક્યાં અને ત્યાંના લોકોને મહિનાઓ સુધી મહિલાઓ જોવા નહોતી મળતી. આ સ્ટોરીને વધુ માઇલેજ આપવાની જરૂર હતી. તેમ જ એક દૃશ્યમાં એક કૅફેનો માલિક બે લાખ રૂપિયામાં બંગાળી મહિલાને ખરીદી લાવે છે એવું તેનું કહેવું હોય છે. જોકે એ પણ મોન્જોલિકા અને અમિ તુમારે ભાલો બાસી ડાયલૉગ માટે રાખવામાં આવ્યું હતું. એ સ્ટોરી પણ દબાઈ ગઈ હતી. ટૂંકમાં દિવ્યાંગે એકસાથે ઘણી વસ્તુ દેખાડવાની કોશિશ કરી. પેલું કહેવાય છેને ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ઘણીબધી વાનગી બનાવવામાં કંઈક કાચું રહી જાય તો કોઈકમાં મીઠું નાખવાનું ચૂકી જવાય છે એવો હાલ અહીં થયો છે.
પર્ફોર્મન્સ
રણવીર સિંહ તેના વિવિધ પર્ફોર્મન્સ આપવા માટે જાણીતો છે. જોકે આ ફિલ્મમાં તે સંપૂર્ણપણે સામાન્ય માણસ જેવો જોવા મળશે. તે એક એવી વ્યક્તિ છે જે ટોળામાં ભળી જાય તો તેને શોધવો મુશ્કેલ પડે છે. જોકે એમ છતાં ઘણાં દૃશ્યમાં તે થોડો લાઉડ દેખાઈ આવ્યો છે. આ ફિલ્મમાં શાલિની પાન્ડે રણવીરની પત્નીના રોલમાં ખૂબ જ બંધબેસતી જોવા મળી છે. તેણે તેનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. ઇમોશન્સ હોય કે પછી દુખ કે પછી લાચારી, એના ચહેરા પર દેખાઈ આવે છે. ખાસ કરીને કાર ચલાવતી વખતે તેના માથા પરથી ઘૂંઘટ ઊડી જાય છે અને તેના ચહેરા અને વાળ પર જ્યારે પવન લાગે છે અને તે જે ફીલ કરે છે એ તમે પણ કરી શકશો. જોકે દુખની વાત એ છે કે તેની પાસે વધુ કામ નથી કઢાવવામાં આવ્યું. તે લિમિટેડ થઈ ગઈ છે. સ્પેશ્યલ રોલમાં દીક્ષા જોષી જોવા મળી છે. તે રણવીરની બહેન પ્રીતિનું પાત્ર ભજવી રહી છે. તેનું પાત્ર પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હોય છે. ખાસ કરીને તેના સાસરે જ્યારે તેનો ભાઈ જયેશ પહોંચે છે એ દૃશ્ય. શરૂઆતમાં પણ દીક્ષાને દેખાડવામાં આવી છે, પરંતુ ત્યાર બાદ તે ગાયબ થઈ જાય છે. જોકે દીક્ષાની વાત પરથી યાદ આવ્યું કે પ્રવીણગઢમાં ડિવૉર્સ નામની કોઈ વસ્તુ નથી હોતી. અમે અમારી છોકરીને લઈ જઈએ છીએ અને ઘરની બહૂને ઘરમાંથી કાઢી મૂકો એટલું કહેવાતાં ડિવૉર્સ થઈ જાય છે. આ ફિલ્મમાં સૌથી જોરદાર જો કોઈ હોય તો એ છે જિયા વૈદ્ય.
પ્લસ પૉઇન્ટ
દિવ્યાંગની સ્ક્રિપ્ટ અને ડિરેક્શનનો પ્લસ પૉઇન્ટ એ છે કે નાની-નાની બાબતો, પરંતુ ખૂબ જ અસરકારક હોય એને સારી રીતે દેખાડવામાં આવી છે. જેમ કે મહિલાઓને તેમના ઘરના વૃદ્ધો મદદ નથી કરતા અથવા તો હાથ નથી અડાડતા. એમ કહી શકો જાણે તેમને તેઓ અછૂત માનતા હોય. એક દૃશ્યમાં કોરા કાગળ પર મૃદા પાસે સાઇન કરાવવા માટે શાહીનો ડબ્બો લઈ જાય છે, પરંતુ એ હાથમાં પકડી રાખવાની જગ્યાએ રામલાલ નીચે ફેંકી દે છે જાણ કે ભૂલથી પડી ગયું હોય. તેમ જ ઘરની વહુ પાસે કોરા કાગળ પર જબરદસ્તીથી અંગૂઠાની સહી લઈ લેવી. તેની કોઈ પણ ઇચ્છાને મહત્ત્વ ન આપવું. પિતા કહે કે વહુને એક તમાચો માર તો દીકરાએ મારવો. હંમેશાં ઘૂંઘટ પહેરીને રાખવો. તેમ જ પોતાનાં જ લગ્નમાં પણ હંમેશાં ઘૂંઘટમાં રહેવું. ટૂંકમાં પોતાનો ચહેરો પોતાનાં લગ્નના આલબમમાં પણ ન હોવો.
મ્યુઝિક
આ ફિલ્મમાં ફાયરક્રૅકર ગીતનો છેલ્લે સમાવેશ કરવામાં આવ્યો છે. વિશાલ ઍન્ડ શેખર હંમેશાંની જેમ બેસ્ટ છે. જોકે ફિલ્મમાં વધુ ગીતનો સમાવેશ કરવામાં આવ્યો હોત તો સારું થયું હોત, કારણ કે આ એવો સબ્જેક્ટ નહોતો કે એમાં ગીતની જરૂર ન હોય.
આખરી સલામ
ફિલ્મમાં દિવ્યાંગ દ્વારા એક સારો મેસેજ આપવામાં આવ્યો છે કે જેન્ટલમૅન બનવા માટે તમે સો માણસની વચ્ચે ઓળખાઈ આવો એ જરૂરી નથી. જેન્ટલમૅન બનવું હોય તો મહિલાઓનો રિસ્પેક્ટ કરો અને તેમની પસંદગી અને જરૂરિયાતનું પણ ધ્યાન રાખો.

bollywood news bollywood bollywood gossips entertainment news jayeshbhai jordaar harsh desai