સોનુ સૂદને મળ્યો પ્રિયંકાનો સપોર્ટ

04 May, 2021 11:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે કોરોનાથી પીડિત બાળકો માટે શિક્ષણ નિ:શુલ્ક કરવાની સરકારને કરી છે અપીલ

પ્રિયંકા ચોપડા જોનસ

દેશમાં કોરોનાથી પ્રભાવિત નાનાં બાળકોને શિક્ષણ ફ્રીમાં આપવાની વિનંતી કરનાર સોનુ સૂદને પ્રિયંકા ચોપડા જોનસે સપોર્ટ કર્યો છે. કોરોનાથી પીડિત લોકોને સોનુએ ખૂબ મદદ કરી છે. સરકારને અપીલ કરતો સોનુનો એક વિડિયો પ્રિયંકાએ શૅર કર્યો છે. એ વિડિયોમાં સોનુ સૂદ કહી રહ્યો છે કે ‘આજે હું સરકારને અને એ તમામ લોકો જે મદદ કરવા માટે આગળ આવવા માગે છે તેમને અપીલ કરવા માગું છું કે કોરોનાની આ બીજી લહેરમાં અનેક લોકોએ અનેક પરિવારોએ પોતાના લોકોને ગુમાવ્યા છે. કેટલાક લોકોએ પોતાનાં માતા-પિતા ગુમાવ્યાં છે. કેટલાંય બાળકો ખૂબ નાનાં છે. કોઈ ૧૦ કે કોઈ ૧૨ કે કોઈ ૮ વર્ષનાં છે. હંમેશાં તેમનાં ભવિષ્યની મને ચિંતા થાય છે. હું તમામ સરકાર, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારને અપીલ કરવા માગું છું કે એક એવો નિયમ બનાવે કે કોવિડ દરમ્યાન જે પણ લોકોએ પોતાના પરિવારના સદસ્યોને ગુમાવ્યા છે એ બાળકોનું પૂરું શિક્ષણ નિઃશુલ્ક કરવું જોઈએ. તેઓ કોઈ પણ એજ્યુકેશન મેળવવા માગતાં હોય તેમને ફ્રીમાં મળવું જોઈએ. સાથે જ કેટલાક એવા નિયમો પણ બનાવવા જોઈએ કે જે કુટુંબે એકમાત્ર આવક રળનાર વ્યક્તિને ગુમાવ્યો હોય તો તેમના ભવિષ્યને સલામત કરી શકાય. હું એ બધા લોકોને અપીલ કરવા માગું છું જેમના અવાજમાં એ તાકત છે તેઓ આગળ આવે જેથી જે લોકોનાં સગાંસંબંધીઓ મૃત્યુ પામ્યાં છે તેમને તેમનું ભવિષ્ય અંધકારમય ન લાગે.’

આ વિડિયોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી કે ‘શું તમે વિઝનરી ફિલાન્થ્રોપિસ્ટ વિશે સાંભળ્યુ છે? મારા કલીગ સોનુ સૂદ એમાંના એક છે. તે વિચારે છે અને આગળની યોજના ઘડે છે. એના વિશે કાળજીપૂર્વક વિચારો, કારણ કે એની અસર લાંબા ગાળે થવાની છે. મહામારીની ખૂબ ભયાનક સ્ટોરીઝ છે, એમાં બાળકો પણ સમાયેલાં છે. બાળકોએ પોતાના એક કે બે પેરન્ટ કોવિડમાં ગુમાવ્યા છે. દુઃખદ વાત એ છે કે તેમનું શિક્ષણ અટકી જશે. સૌપ્રથમ તો આ ખૂબ જ પ્રેરિત બાબત છે કે સોનુએ આ ગંભીર બાબતનું નિરીક્ષણ કર્યું. બીજી વાત એ કે સોનુએ તેમની સ્ટાઇલમાં ઉપાય માટે વિચાર કર્યો અને કેટલાંક સૂચનો કર્યાં છે. સોનુએ રાજ્ય અને કેન્દ્ર સરકારોને સલાહ આપી છે કે કોવિડ પીડિત દરેક બાળકને ફ્રીમાં શિક્ષણ આપવું જોઈએ. તેઓ કોઈ પણ સ્ટેજની સ્ટડી કરી રહ્યાં હોય પછી એ સ્કૂલ હોય કે કૉલેજ હોય, તેમની લાઇફ આર્થિક સ્થિતિને કારણે ન અટકે. સરકાર સિવાયના લોકોને વિનંતી કરું છું કે તેઓ ઉદારતા દેખાડે અને સમાજસેવક બનો. ઇન્સ્ટિટ્યૂટનાં દ્વાર ખખડાવો અથવા તો એવા લોકોને મદદ કરો જે અસર છોડી શકે છે. બાળકને શિક્ષણ માટે મદદ કરો. હું સોનુના વિચારને પૂરી રીતે સપોર્ટ કરું છું અને તેમના આ નેક કામને મદદ કરવા માટે હું સપોર્ટ કરું છું, કારણ કે મારું માનવું છે કે દરેક બાળકને શિક્ષણ મળવું જરૂરી છે. એક સમાજ તરીકે આપણે આ વાઇરસને આપણા પર હાવી ન થવા દેવા જોઈએ.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news sonu sood priyanka chopra