‘આદિપુરુષ’ માટે પ્રભાસે ૧૨૦ કરોડ રૂપિયા ફી લીધી?

24 June, 2022 02:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે

પ્રભાસ

પ્રભાસે તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ માટે ફી વધારે માગી હોવાની અફવા છે. આ ફિલ્મ વર્ષની સૌથી અપેક્ષિત ફિલ્મોમાંની એક છે, જેમાં પૅન ઇન્ડિયા સુપરસ્ટાર પ્રભાસ સાથે ક્રિતી સૅનન અને સૈફ અલી ખાન પણ લીડ રોલમાં જોવા મળવાનાં છે. એક તરફ ચાહકો ફિલ્મની એક ઝલકની રાહ જોઈ રહ્યા છે, એવામાં એવું જાણવા મળ્યું છે કે તેલુગુ ઍક્ટરે આ ભૂમિકા માટે ભારે ભરખમ ફીની ડિમાન્ડ કરી છે. જો બૉલીવુડનાં સૂત્રોને સાચાં માનીએ તો પ્રભાસ આ ફિલ્મમાં પોતાના રોલ માટે નિર્માતા પાસે ૧૨૦ કરોડ રૂપિયા માગી રહ્યો છે. એમ જાણવા મળ્યું છે કે પ્રભાસે અગાઉ આ ભૂમિકા માટે ૯૦થી ૧૦૦ કરોડ રૂપિયાની ફી ચાર્જ કરી હતી. પ્રભાસની આવી માગણીથી પ્રોડ્યુસર્સ માટે સમસ્યા ઊભી થઈ છે. જો તેઓ પ્રભાસને તેની માગેલી ફી ચૂકવે તો ફિલ્મના બજેટમાં પચીસ ટકાનો વધારો થાય. જોકે હજી ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ બાકી છે. વળી પ્રભાસને મોંમાંગી ફી ચૂકવવાથી સેટ પર અનિચ્છનીય ઘર્ષણ વધી શકે છે એવી પણ શક્યતા છે. પ્રભાસે હજી સુધી આ અટકળો વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી. ‘આદિપુરુષ’ ભારતીય પૌરાણિક કથા ‘રામાયણ’ પરથી બનાવવામાં આવી છે. આ ફિલ્મને ઓમ રાઉત ડિરેક્ટ કરી રહ્યો છે. 

entertainment news bollywood bollywood news prabhas