Movie Review: વધુપડતો ડ્રામા પડ્યો ભારી

11 June, 2022 03:02 PM IST  |  Mumbai | Harsh Desai

સેક્સ-કૉમેડી બનાવવાની જરૂર હતી, સેક્સ-એજ્યુકેશનની નહીં : નુસરત ભરૂચાનું કૉમિક ટાઇમિંગ જોરદાર છે અને રાજે લોકલ ભાષાનો પણ સારી રીતે ઉપયોગ કર્યો છે, પરંતુ એને છેલ્લે સુધી મેઇન્ટેઇન નથી કરી શક્યો

વધુપડતો ડ્રામા પડ્યો ભારી

જનહિત મેં જારી  

કાસ્ટ : નુસરત ભરૂચા, વિજય રાઝ, ટીનુ આનંદ
ડિરેક્ટર : જય બસંતુ સિંહ

બૉલીવુડમાં હાલમાં કૉન્ડોમ પર વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં ‘હેલ્મેટ’ આવી હતી અને હવે નુસરત ભરૂચાની ‘જનહિત મેં જારી’ આવી છે. આ પછી હવે રકુલ પ્રીત સિંહની ‘છત્રીવાલી’ પણ આવવાની છે. ‘જનહિત મેં જારી’ની સ્ટોરી રાજ શાંડિલ્યએ લખી છે અને એને ડિરેક્ટ જય બસંતુ સિંહે કરી છે.
સ્ટોરી ટાઇમ
નુસરતે આ ફિલ્મમાં મનોકામના ત્રિપાઠીનું પાત્ર ભજવ્યું છે જે ચંદેરીની હોય છે. તે બેરોજગાર હોય છે અને 
સતત નોકરીની શોધ કરી રહી હોય છે. તેના પર ફૅમિલીનું લગ્ન કરવા માટે પ્રેશર હોય છે, પરંતુ તે પહેલાં જૉબ શોધવા માગતી હોય છે. આથી તેને એક અલ્ટિમેટમ મળે છે કે એક મહિનામાં જૉબ શોધી લેવી નહીંતર તેનાં લગ્ન કરી દેવામાં આવશે. મનોકામના ઘણા ઇન્ટરવ્યુ આપે છે, પરંતુ તે નિષ્ફળ રહે છે. જોકે આ દરમ્યાન તેની મુલાકાત 
બિજેન્દ્ર કાલા એટલે કે આદરણીય સાથે થાય છે. કહેવાય છેને કે ખરા હીરાની પરખ ઝવેરીને જ હોય છે. આથી બિજેન્દ્ર કાલાને લાગે છે કે મનોકામનામાં માર્કેટિંગની ગજબની ટૅલન્ટ છે. આથી તે તેને જૉબ ઑફર કરે છે અને એ પણ મહિનાના ચાલીસ હજાર પગાર સાથે. જોકે કહાનીમાં ટ્વિસ્ટ એ હોય છે કે તેણે કૉન્ડોમનું માર્કેટિંગ કરવાનું હોય છે. મનોકામના પહેલાં તો અચકાય છે, 
પરંતુ પછી તે જૉબ લઈ લે છે. આ દરમ્યાન તે લગ્ન પણ કરે છે અને તેના પતિને ખબર હોય છે કે તે શું કામ કરે છે, પરંતુ ઘરવાળાથી એ સંતાડીને રાખ્યું હોય છે. જોકે તેના ઘરવાળાને જ્યારે ખબર પડે છે ત્યારે શું થાય છે એના પર આ સ્ટોરી છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
રાજ શાંડિલ્યએ સ્ટોરીની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે શરૂઆત કરી છે. ફિલ્મ સ્ટાર્ટિંગથી જ સેક્સ-કૉમેડી લાગે છે અને એકદમ હલકી ફૂલકી, જોવાની મજા આવે એવી ફિલ્મ છે. જોકે ઇન્ટરવલ બાદ આ સેક્સ-કૉમેડી ફિલ્મ અચાનક સેક્સ-એજ્યુકેશન બની જાય છે. અને એ ફિલ્મનો માઇન્સ પૉઇન્ટ છે. રાજે ખૂબ જ સારી રીતે લોકલ ભાષાનો ઉપયોગ ફિલ્મમાં કર્યો છે અને એ ડાયલૉગને કારણે હસવું પણ ખૂબ જ આવે છે. જોકે એ પહેલા પાર્ટ પૂરતા જ મર્યાદિત છે. સેક્સ-એજ્યુકેશન ચાલુ થતાં ડાયલૉગ પણ સિરિયસ થઈ જાય છે અને હસવું પણ ગાયબ થઈ જાય છે. રાજે ફિલ્મની જે રીતે શરૂઆત કરી હતી એ જ પેસ પકડીને ચાલવાની જરૂર હતી. વધુ ડ્રામા પણ ફિલ્મ માટે નુક્સાનકારક છે. જય બસંતુ સિંહનું ડિરેક્શન પણ સામાન્ય છે. કેટલાંક દૃશ્યો તેણે સારી રીતે દેખાડ્યાં છે અને એની અસર સ્ટોરીને આગળ વધારવામાં પણ મદદરૂપ બની છે. જોકે એ લિમિટેડ છે. આ સાથે જ ફિલ્મ ઘણી લાંબી પણ છે. તેમ જ તે ઘણાં પાત્રોને પૂરતો ન્યાય નથી આપી શક્યો. ખાસ કરીને વિજય રાઝને. તેમ જ અબૉર્શનવાળું દૃશ્ય પણ ઠીકઠાક છે. જોકે સિનેમૅટોગ્રાફી ખૂબ જ સારી છે. તેમ જ ફિલ્મ એક સ્મૉલ ટાઉનની છે એ માટેની પ્રોડક્શન ડિઝાઇન પણ એકદમ રિયલ છે.
પર્ફોર્મન્સ
નુસરત ભરૂચાએ તેની ઍક્ટિંગ ઘણી ફિલ્મોમાં પુરવાર કરી છે. તે મોટા ભાગે અર્બન ફિલ્મમાં કામ કરતી જોવા મળી હતી. જોકે ‘છલાંગ’ દ્વારા તેણે એ ઇમેજ તોડી હતી. ત્યાર બાદ ‘છોરી’માં કમ કરીને તેણે એ સાબિત કરી દીધું હતું કે તે ફિલ્મને એકલી પોતાના ખભે ઉપાડી શકે છે. આ ફિલ્મ દ્વારા તેણે ફરી એ સાબિત કરી દીધું છે. તેનું કૉમિક ટાઇમિંગ પણ કમાલનું છે. જોકે તેની આસપાસનાં પાત્રોને એટલી સારી રીતે દેખાડવામાં નથી આવ્યાં. તેમ જ વધુપડતા ડ્રામાને કારણે ફિલ્મના પર્ફોર્મન્સ પર પણ અસર પડી છે અને એના કારણે એ એટલા ઇમ્પૅક્ટફુલ પણ નથી રહ્યા. પરિતોષ ત્રિપાઠી પહેલા પાર્ટમાં સારો છે, પરંતુ બીજા પાર્ટમાં તેના પાત્રને પણ વેડફી કાઢવામાં આવ્યું છે. વિજય રાઝ, બિજેન્દ્ર કાલા અને સપના સાંદ પણ ઠીક છે. દાદાજીના પાત્રમાં ટીનુ આનંદે કમાલનું કામ કર્યું છે.
મ્યુઝિક
આ ફિલ્મના આલબમનું મ્યુઝિક ઘણાબધા મ્યુઝિક ડિરેક્ટરે મળીને આપ્યું છે અને એથી જ એ એટલું સારું નથી રહ્યું જેટલું હોવું જોઈએ. એ. આર. રહમાન અને પ્રીતમ ચક્રવર્તી જેવા મ્યુઝિક ડિરેક્ટર એટલા માટે જ ફિલ્મનાં તમામ ગીતને કમ્પોઝ કરવાની શરત રાખે છે કે ફિલ્મનું હાર્દ સમજીને તેઓ ગીત બનાવી શકે. જોકે અહીં એ ગાયબ છે. અમન પંત દ્વારા આપવામાં આવેલું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઠીકઠાક જ છે.
આખરી સલામ
‘જનહિત મેં જારી’ની જેટલી સારી શરૂઆત થઈ હતી એટલો સારો અંત નથી થઈ શક્યો. જોકે આ ફિલ્મને એક લેક્ચરની જગ્યાએ હલકી-ફૂલકી બનાવવાની જરૂર હતી.

bollywood news bollywood bollywood gossips entertainment news harsh desai nushrat bharucha