સાઇના કોણ છે એ નહીં, પણ કેવી રીતે બની એની કહાની

27 March, 2021 02:53 PM IST  |  Mumbai | Harsh Desai

સાઇનાની બાયોપિકમાં તેના કોચ સાથેના મતભેદને ઉપરછલ્લો દેખાડવામાં આવ્યો છે તો પી. વી. સિંધુ સાથેની સ્પર્ધાને દેખાડવામાં જ નથી આવી : સાઇના આજે જે છે એ કેવી રીતે બની એ દેખાડવામાં અમોલ ગુપ્તેએ વધુ ફોકસ કર્યું છે

સાઇના કોણ છે એ નહીં, પણ કેવી રીતે બની એની કહાની

સાઇના નેહવાલના જીવન પર બનેલી બાયોપિક ‘સાઇના’માં પરિણીતી ચોપડાએ કામ કર્યું છે. આ ફિલ્મ ગઈ કાલે રિલીઝ કરવામાં આવી હતી. અમોલ ગુપ્તે દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ શરૂઆતથી લઈને જ ઘણી મુશ્કેલીઓમાં હતી. આ ફિલ્મ માટે પહેલાં શ્રદ્ધા કપૂરને પસંદ કરવામાં આવી હતી. તમામ તૈયારીઓ બાદ જ્યારે શૂટિંગ શરૂ થવાનું હતું ત્યારે તેણે ફિલ્મ છોડી હતી અને તેની જગ્યાએ પછી પરિણીતીને પસંદ કરવામાં આવી હતી. ​ફિલ્મને રિલીઝ કરવામાં આવી ત્યારે પણ સમસ્યા એ છે કે કોરોના વાઇરસને કારણે લોકો થિયેટર્સમાં જવા માટે ડરી રહ્યા છે.
સ્ક્રિપ્ટ, ડિરેક્શન અને સ્ક્રીનપ્લે
ફિલ્મની શરૂઆતમાં જ કૉમનવેલ્થ ગેમ્સની તેની જીત દેખાડવામાં આવે છે. ત્યાર બાદ ફિલ્મ ફ્લૅશબૅકમાં જાય છે અને તેના જન્મ પહેલાંથી સ્ટોરી શરૂ થાય છે. અમોલ ગુપ્તે દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવેલી આ​ ફિલ્મ બે કલાક અને પંદર મિનિટની છે. અમોલ ગુપ્તે ફિલ્મને ખૂબ જ પકડીને રાખી છે. તેના લેખન અને ડિરેક્શન દ્વારા તેમણે ફિલ્મને જરા પણ ‘કોર્ટ’ની નીચે ઊતરવા નથી દીધી. અમોલ ગુપ્તે લોકોના દિલને સ્પર્શ કરવાનું ખૂબ જ સારી રીતે જાણે છે અને એ તેની આ ​ફિલ્મ દ્વારા પણ જોઈ શકાય છે. આ ફિલ્મ કોઈના પણ દિલને ટચ કરશે. સાઇના કોણ છે એના કરતાં સાઇના કેવી રીતે બની એના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. પહેલા અને બીજા બન્ને હાફમાં ફિલ્મ થોડી ડામાડોળ થઈ હતી, પરંતુ તરત જ એ ફરી ટ્રૅક પર આવી જાય છે. અમોલ ગુપ્તેએ ઘણાં સારાં-સારાં દૃશ્યો દેખાડ્યાં છે જેમાંથી 
એક સાઇનાની મમ્મી હૉસ્પિટલમાં હોય છે ત્યારે સાઇનાનો ફ્રેન્ડ તેના માટે ગુલાબનાં ફૂલ લઈને જાય છે એ દૃશ્ય 
પણ ખૂબ જ સારી રીતે ફિલ્માવવામાં આવ્યું છે. ત્યાર બાદ સાઇના જ્યારે હારવા માંડે છે અને ફરી મેદાનમાં આવે છે ત્યારે બૅન્ગલોરનો કોચ તેને નાનાં બાળકો સાથે મળાવે છે. આ દૃશ્યને પણ ખૂબ જ સારી રીતે ફિલ્માવવામાં આવ્યું છે.
માઇનસ પૉઇન્ટ
ફિલ્મને‍ સિમ્પલ રીતે કહેવામાં આવી છે અને એમાં કોઈ પણ કન્ટ્રોવર્સીનો સમાવેશ નથી થયો. સાઇનાના તેના કોચ પુલેલા ગોપીચંદ સાથેની લડાઈને પણ ડીટેલમાં નથી કહેવામાં આવી. તેમ જ પી. વી. સિંધુ સાથેની તેની હરીફાઈ કહો કે મતભેદ, એને પણ દેખાડવામાં નથી આવ્યો. સાઇનાની મમ્મી ઉષારાની તેના સપનાને તેની દીકરીની આંખોથી પૂરું કરતી જોવા મળે છે. એક દૃશ્યમાં દેખાડવામાં આવે છે કે અન્ડર ૧૨ સાઇના જ્યારે રનર-અપ બને છે ત્યારે તેની મમ્મી તેને તમાચો મારી દે છે. આ દૃશ્ય દ્વારા એ નક્કી છે કે તેની મમ્મી ઇચ્છતી હોય છે કે તે વિશ્વ ચૅમ્પિયન બને. ત્યાર બાદ એવું દેખાડવામાં આવે છે કે સાઇના પોતે બૅડ્મિન્ટન રમવા માગે છે. જોકે વર્ષો બાદ તેનો કોચ જ્યારે તેને તેના ફ્રેન્ડથી દૂર એટલે કે તેની લવ-લાઇફથી દૂર રહેવા કહે છે ત્યારે તે બોલે છે કે તેના માટે બાળપણ જેવું કંઈ નહોતું અને અને હવે તેની પાસે તેની યુવાનીમાં પણ કંઈ કરવાની છૂટ નથી. આથી સ્ટોરી થોડી વિરોધાભાસી લાગે છે. આ ફિલ્મમાં જાહેરમાં જેટલી માહિતી છે એ જ દેખાડવામાં આવી છે અને જાહેરમાં જે માહિતી નથી એમાં તેના ફૅમિલી, ફ્રેન્ડ્સ અને કોચે તેને કેવી રીતે સપોર્ટ કર્યો હતો એ દેખાડવામાં આવ્યું છે. આ સિવાય તેની લાઇફ વિશે વધુપડતી કોઈ માહિતી દેખાડવામાં નથી આવી.
પર્ફોર્મન્સ
પરિણીતીએ સાઇનાના પાત્રમાં ખૂબ જ જોરદાર કામ કર્યું છે. એક સ્પોર્ટ્સ પર્સનની લાઇફને પરદા પર રજૂ કરવી ખાવાનો ખેલ નથી. તેમ જ તેની બૉડી-લૅન્ગ્વેજ, સ્ટાઇલ, બોલવાની રીત બધું શીખવું ખૂબ જ મુશ્કેલ છે. એમ છતાં પરિણીતી જ્યારે-જ્યારે મેદાનમાં ઊતરે છે ત્યારે તે સાઇના નેહવાલ જેવી શેરની લાગે છે, પરંતુ તે જેવી બૅડ્મિન્ટનની કોર્ટની બહાર આવે કે થોડી નીરસ અને વધુપડતી શાંત લાગે છે. ઘણાં દૃશ્યમાં તેણે જરૂરી હાવભાવ આપવાનાં હોય છે એમાં પણ તે માર ખાઈ ગઈ છે. તેમ જ નાની સાઇનાનું પાત્ર ભજવનાર ચાઇલ્ડ ઍક્ટરે પણ ખૂબ જ સારું કામ કર્યું છે. સાઇનાની મમ્મીનું પાત્ર ભજવનાર મેઘના મલિકે સૌથી બેસ્ટ કામ કર્યું છે. તેનો ઉત્સાહ, તેની એનર્જી તેની બૉડી-લૅન્ગ્વેજ બધું જ જોરદાર છે. મેઘના જ્યારે ન બોલતી હોય ત્યારે તેની આંખો પણ ઘણુંબધું કહી જાય છે. સાઇનાને ‘સાઇના’ બનાવવામાં તેની મમ્મીનો હાથ છે અને ​આ ફિલ્મના પણ તેઓ જાન છે. આ સાથે જ સાઇનાના ફ્રેન્ડ પરુપલી કશ્યપનું પાત્ર ભજવનાર ઈશાન નકવી અને સાઇનાના પપ્પાનું પાત્ર ભજવનાર સુભ્રજ્યોતિ બરાતે પણ સારું કામ કર્યું છે. પુલેલા ગો​પીચંદના પાત્રમાં માનવ કૌલ છે, પરંતુ અહીં પાત્રને રાજન નામ આપવામાં આવ્યું છે. માનવ કૌલ હંમેશાંની જેમ તેના પાત્રમાં જાન પૂરવા માટે સફળ રહ્યો છે.
મ્યુ​ઝિક
આ ફિલ્મમાં બે ​ગીત અમાલ મલિકે ગાયાં છે જેમાંથી એક ‘પરિન્દા’ છે. મનોજ મુન્તશિર દ્વારા લખવામાં આવેલું આ ગીત ફિલ્મની ઍન્થમ છે અને એ ખૂબ જ સુંદર છે. આ સાથે જ તેમના દ્વારા લખવામાં આવેલું ‘ચલ વ​હીં ચલે’ને શ્રેયા ઘોષાલે ગાયું છે. આ ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક થોડું લાઉડ છે અને એથી એ ફિલ્મની મજા થોડી બગાડે છે.
આખરી સલામ
લૉકડાઉન બાદ રિલીઝ થયેલી સારી ફિલ્મોમાંની આ એક ફિલ્મ છે, પરંતુ એનો રિલીઝ કરવાનો સમય ખૂબ જ ખરાબ છે. આ ફિલ્મને દરેક વ્યક્તિ તેમની ફૅમિલી સાથે જોઈ શકે એવા સમયે રિલીઝ કરવાની જરૂર હતી.

bollywood news bollywood parineeti chopra saina nehwal