‘થડમ’ની રીમેકમાં આદિત્ય સાથે જોડી જમાવશે મૃણાલ

07 September, 2021 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વર્ષે ઑક્ટોબરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે

મૃણાલ ઠાકુર અને આદિત્ય રૉય કપૂર

મૃણાલ ઠાકુર અને આદિત્ય રૉય કપૂર તામિલ ફિલ્મ ‘થડમ’ની હિન્દી રીમેકમાં જોવા મળવાનાં છે. આ ફિલ્મનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું. આ ફિલ્મમાં મૃણાલ પોલીસનું પાત્ર ભજવવાની છે. આ વર્ષે ઑક્ટોબરમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મ વિશે મૃણાલે કહ્યું હતું કે ‘મેં જ્યારે આ ફિલ્મની સ્ટોરી સાંભળી તો મને લાગ્યું કે મારે આ ફિલ્મ કરવી જોઈએ. મારું કૅરૅક્ટર ખૂબ જટીલ છે અને પોલસની ભૂમિકા ભજવવાની મારી પહેલેથી ઇચ્છા હતી. મેં અત્યાર સુધી જેટલાં પણ પાત્રો ભજવ્યાં છે એમાંથી આ એકદમ અલગ છે. દર્શકો આ ફિલ્મને જોઈને શું મંતવ્યો આપશે એ જાણવા માટે ઉત્સુક છું.’

આદિત્ય રૉય કપૂર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મૃણાલે કૅપ્શન આપી હતી કે ‘હવે સામનો કરવાનો સમય આવી ગયો છે. આદિત્ય રૉય કપૂર, તું તૈયાર છે? તામિલની હિટની હિન્દી રીમેકમાં કામ કરવા માટે સુપર એક્સાઇટેડ છું.’

ફિલ્મને મુરાદ ખેતાની અને ભૂષણ કુમાર સાથે મળીને પ્રોડ્યુસ અને વર્ધન કેતકર ડિરેક્ટ કરશે. મૃણાલ વિશે ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘મુરાદભાઈ અને હું જ્યારે પોલીસના પાત્ર વિશે ચર્ચા કરતા હતા તો તરત જ અમને મૃણાલનો વિચાર આવ્યો. તેણે પોતાની ફિલ્મમાં ખૂબ ઇન્ટરેસ્ટિંગ રોલ્સ પસંદ કર્યા છે અને પોતાના પર્ફોર્મન્સ દ્વારા તે સક્ષમ પુરવાર થઈ છે.’

entertainment news bollywood bollywood news upcoming movie mrunal thakur aditya roy kapur