મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે રિવ્યુ: કોર્ટરૂમ ડ્રામા ઑન પૉઇન્ટ

18 March, 2023 02:14 PM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મમાં ડીટેલિંગની ખામી છે અને નૉર્વે સરકાર અને રાનીનાં બાળકોની સ્ટોરીને એક્સપ્લોર કરી શકાઈ હોત : રાની મુખરજી અને જિમ સર્ભની ઍક્ટિંગને કારણે ફિલ્મ બોરિંગ બનતાં બચી ગઈ છે

મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે રિવ્યુ

ફિલ્મ: મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે

કાસ્ટ: રાની મુખરજી, જિમ સર્ભ, અનિરબાન ભટ્ટાચાર્ય, બાલાજી ગૌરી

ડિરેક્ટર: આશિમા છિબ્બર

સ્ટાર: 

રાની મુખરજીની ફિલ્મ મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ રિયલ લાઇફ સ્ટોરી પરથી ઇન્સ્પાયર થઈને બનાવવામાં આવી છે. સાગરિકા ચક્રવર્તીની સ્ટોરી પરથી પ્રેરિત થઈને આશિમા છિબ્બરે આ ફિલ્મ બનાવી છે. બાયોપિક અને વૉર ડ્રામા અને અન્ય ઘણી કમર્શિયલ ફિલ્મો રિયલ લાઇફ પરથી બનાવવામાં આવી છે. એવા સમયે મનુષ્યોની ભાવનાઓ સાથે અને ઇન્ડિયન કલ્ચર સાથે જોડાયેલી ફિલ્મને દેખાડવામાં આવી છે.

સ્ટોરી ટાઇમ

રાની મુખરજીએ આ ફિલ્મમાં દેબિકા ચૅટરજીનું પાત્ર ભજવ્યું છે. તેનાં બે બાળકો હોય છે, શુભ અને શુચિ. શુભ કિન્ડરગાર્ટનમાં જતો હોય છે અને શુચિ પાંચ મહિનાની હોય છે. તેનાં બાળકોને નૉર્વે ચાઇલ્ડ વેલ્ફેર સર્વિસ દ્વારા લઈ લેવામાં આવે છે અને તેમને ફોસ્ટર હોમમાં રાખવામાં આવે છે. નૉર્વેની સરકારે તેની મમ્મી પાસેથી બાળકોની કસ્ટડી એટલા માટે લઈ લીધી હોય છે, કારણ કે તે બાળકોનો ઉછેર નથી કરતી. તેમનું કહેવું હોય છે કે તેમણે દસ અઠવાડિયાં તેમના પર નજર રાખી હતી અને ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. દેબિકા તેના બાળકને હાથથી ખાવાનું ખવડાવે છે, આંખમાં કાજળ લગાવે છે અને તેમને સાથે સુવડાવે છે. ભારતના કલ્ચરમાં આ વસ્તુ છે, પરંતુ નૉર્વેના નિયમ પ્રમાણે તેમને એવું લાગે છે કે તે બાળકોનો ઉછેર નથી કરી શકતી. આથી તે તેનાં બાળકોની કસ્ટડી મેળવવાનું નક્કી કરે છે. આ માટે તે કોર્ટના દરવાજા ખખડાવે છે. જોકે આ બધામાં દેબિકાના પતિ અનિરુદ્ધ ચૅટરજીનું પાત્ર ભજવનારે અનિરબાન ભટ્ટાચાર્યને ફક્ત તેની નૉર્વેની સિટિઝનશિપની પડી હોય છે. તે એક આઇડિયલ પતિ નથી હોતો અને ઘરેલુ હિંસા પણ કરતો હોય છે. આ તમામ વચ્ચે દેબિકા નૉર્વે અને ભારત બન્નેની કોર્ટમાં લડતી જોવા મળે છે. રિયલ લાઇફમાં સાગરિકાએ આ માટે સુષમા સ્વરાજની મદદ પણ માગી હતી અને ત્યાર બાદ આ મુદ્દો ભારત અને નૉર્વેની ડિપ્લોમસીનો મુદ્દો પણ બન્યો હતો. દેબિકાને તેનાં બાળકોની કસ્ટડી મળે છે કે નહીં અને મળે છે તો કેવી રીતે એના પર આ ફિલ્મ છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ફિલ્મની સ્ક્રિપ્ટ આશિમા, સમીર સાતિજા અને રાહુલ હાંડાએ લખી છે. તેમણે ફિલ્મની સ્ક્રિપ્ટને સાગરિકા ચૅટરજીની ઑટોબાયોગ્રાફી પરથી પ્રેરિત થઈને બનાવી છે. આ ફિલ્મની સ્ટોરીમાં તેમણે મમ્મીની ઇમોશનલ બાજુને ખૂબ જ સારી રીતે પકડી છે. જોકે તેમણે ઘણી વસ્તુઓને ધ્યાનમાં રાખવાની જરૂર હતી. ફિલ્મ એક સમય બાદ મૉનોટોનસ થઈ જાય છે, પરંતુ એ બોરિંગ બનવાનું શરૂ થાય એ પહેલાં ફરી પાટા પર આવી જાય છે. તેમ જ કેટલાક મેલોડ્રામા દૂર કરી શકાયા હોત. એટલે કે કેટલાંક દૃશ્યોને ખૂબ જ શાંતિથી કહી એ મેસેજને ખૂબ જ સુંદર રીતે કન્વે કરી શકાયો હોત. રાઇટર્સે સ્ટોરીને ફક્ત દેબિકાની આસપાસ ગૂંથી છે પરંતુ તેમણે નૉર્વેની સરકાર, દેબિકાનાં બાળકો તેનાથી દૂર થયાં ત્યારે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં એ પણ દેખાડવાની ખૂબ જ જરૂર હતી. તેમ જ દેબિકા અને તેના પતિ વચ્ચેના રિલેશનને પણ વધુ સારી રીતે દેખાડવાની જરૂર હતી. આશિમાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ફિલ્મની શરૂઆતમાં જ બધું એટલું જલદી જલદી થઈ જાય છે કે સમજ નથી પડતી. કોઈ દૃશ્ય ચાલી રહ્યું હોય તો એ જોવાની સાથે લાગવું જોઈએ કે આ કારણસર આવું થયું, પરંતુ અહીં દૃશ્ય પૂરું થયા બાદ ખબર પડે છે કે ઓહ આવું થયું હતું, આ દૃશ્ય આમ કહેવા માગતું હતું. ટૂંકમાં આશિમાનું ડીટેલિંગ એટલું જોરદાર ન કહી શકાય. જોકે ફિલ્મનું એડિટિંગ સારું છે કે જ્યારે પણ પટરી પરથી ઊતરી પડે ત્યારે તે ફરી પાટા પાર આવી જાય છે. કોર્ટરૂમ ડ્રામાને એકદમ બેસ્ટ દેખાડ્યો છે અને એ જ ખરેખર ફિલ્મની હાઇલાઇટ છે. મમ્મીની વેદના પર કન્ટ્રોલ કરી એને થોડી ન્યુટ્રલ રાખવાની કોશિશ કરી હોત તો મજા આવી ગઈ હોત. આ સાથે જ ડિપ્લોમૅટિક સિચુએશનને પણ ડીટેલમાં દેખાડવાની જરૂર હતી.

પર્ફોર્મન્સ

રાની મુખરજી મમ્મીના પાત્રમાં ખૂબ જ જોરદાર છે. તે છેલ્લા ઘણા સમયથી સારી-સારી ફિલ્મોને લઈને આવી રહી છે. ‘બંટી ઔર બબલી 2’ એક અપવાદ છે. જોકે એ સિવાય તે ઘણા સમય સુધી સ્ક્રીનથી દૂર રહે છે, પરંતુ જ્યારે આવે ત્યારે હટકે ફિલ્મ લઈને આવે છે. આ વખતે પણ તે એકદમ અલગ સ્ટોરી લઈને આવી છે. તેની ઍક્ટિંગના દમને કારણે આ ફિલ્મ ટકી શકી છે. એક નબળી પત્નીથી એક ઘાયલ શેરનીનો જે શિફ્ટ છે એ ખૂબ જ જોરદાર છે. રેખાએ હાલમાં જ કહ્યું હતું કે બેન્ગૉલ ટાઇગ્રેસને જોવાની મજા આવી અને એ સાચી વાત છે. પહેલો પાર્ટ ખૂબ જ કંગાળ રીતે લખવામાં આવ્યો છે, પરંતુ તેની ઍક્ટિંગ છે જે ફિલ્મને બોરિંગ બનવા નથી દેતી. આ ફિલ્મમાં તેના સિવાય જો બીજું કોઈ ઇમ્પોર્ટન્ટ પાત્ર હોય તો એ છે જિમ સર્ભનું. તેણે નૉર્વે સરકાર તરફના વકીલ તરીકે ખૂબ જ જોરદાર ઍક્ટિંગ કરી છે. તેના કારણે કોર્ટરૂમ ડ્રામાનાં જેટલાં પણ દૃશ્ય છે એ વધુ ઇન્ટરેસ્ટિંગ બન્યાં છે. અનિરબાન ભટ્ટાચાર્યએ પણ એક સેલ્ફિશ અને પુરુષપ્રધાન ફૅમિલીના ડૉમિનેટિંગ પતિનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. તેને વધુ સ્ક્રીન ટાઇમ આપી શકાયો હોત, પરંતુ આ લિમિટેડ સ્ટોરી લાઇનમાં તે રિસ્ટ્ર િક્ટેડ થઈ ગયો છે. સેકન્ડ હાફમાં બંગાળી વકીલનું પાત્ર ભજવનાર બાલાજી ગૌરીએ ઉમદા કામ કર્યું છે.

મ્યુઝિક

હિતેશ સોનિકે બૅકગ્રાઉન્ડ સ્કોર આપ્યો છે અને એ ફિલ્મ સાથે ખૂબ જ બંધ બેસે છે. ફિલ્મના દૃશ્યને વધુ અસરકારક બનાવવામાં એણે ઘણું સારું કામ કર્યું છે. ફિલ્મનું મ્યુઝિક અમિત ત્રિવેદીએ આપ્યું છે. ફિલ્મનાં ગીત એવાં નથી કે પાર્ટીમાં વગાડવામાં આવે. દરેક ગીત સિચુએશનલ છે. મધુબંતી બાગચીનું આમિ જાની રે ખૂબ જ સુંદર ગીત છે.

આખરી સલામ

મમ્મીનો પ્રેમ અને બાળકો સાથે રહેવાની ઝંખના દેખાડતી રાની મુખરજીની આ સ્ટોરીનો કોર્ટરૂમ ડ્રામા ઑન પૉઇન્ટ છે. બાળક માટેની મમ્મીની આ લડાઈને સો ટકા જોઈ શકાય છે.

entertainment news bollywood news rani mukerji bollywood harsh desai