22 December, 2025 10:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નોરા ફતેહી અને તેની અકસ્માતગ્રસ્ત કાર
ઍક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહીની કારનો શનિવારે ગંભીર અકસ્માત થયો હતો અને એમાં નોરાને માથામાં ઈજા થઈ હતી. નોરા શિવડીમાં સનબર્ન ફેસ્ટિવલમાં ડેવિડ ગેટાની કૉન્સર્ટમાં હાજરી આપવા જઈ રહી હતી ત્યારે નશામાં ધુત થઈને કાર ચલાવી રહેલી એક વ્યક્તિએ અંધેરી-વેસ્ટમાં લિન્ક રોડ પર નોરાની કારને જોરદાર ટક્કર મારી હતી. આ વ્યક્તિએ નોરાની કારને અડફેટે લીધા પછી બીજા ઘણા લોકોને અડફેટે લીધા હતા જેને કારણે ઘણા લોકો ઈજા પામ્યા હતા. આ અકસ્માત પછી નોરાને હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં તેનું CT સ્કૅન થયું હતું જેમાં તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. એ પછી ડૉક્ટર્સની સલાહ બાદ નોરાએ સનબર્ન 2025માં પર્ફોર્મ કર્યું હતું. આ આખા મામલામાં નોરા તરફથી અકસ્માત સર્જનાર વ્યક્તિ વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે જેના પગલે ટક્કર મારનાર ૨૭ વર્ષના વિનય સકપાળની રૅશ-ડ્રાઇવિંગ અને નશામાં વાહન ચલાવવાના આરોપસર અટક કરવામાં આવી છે.
આ અકસ્માત પછી નોરાએ શનિવારે સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કરીને પોતાની તબિયતની માહિતી આપી હતી. આ વિડિયોમાં નોરાએ કહ્યું હતું કે ‘હું અહીં આવીને તમને કહેવા માગું છું કે હું ઠીક છું. હા, આજે બપોરે મારો એક ખૂબ ગંભીર કાર-ઍક્સિડન્ટ થયો હતો. નશામાં ધુત એક વ્યક્તિએ મારી કારને જોરદાર ટક્કર મારી હતી અને દુર્ભાગ્યે મારા પર આની અસર વધારે થઈ છે. હું કારમાં એક બાજુ ફેંકાઈ ગઈ હતી અને મારું માથું વિન્ડો સાથે અથડાયું હતું. હું જીવતી છું અને સ્વસ્થ છું, પણ માત્ર કેટલીક નાની ઈજાઓ અને સોજો છે. ભગવાનનો આભાર કે હું જીવતી છું. આનો ખૂબ ખરાબ અંત આવી શક્યો હોત. આ એક ખૂબ ડરામણો, આઘાતજનક અને ટ્રૉમેટિક અનુભવ હતો. મને મારું જીવન આંખ સામે ફ્લૅશ થતું લાગ્યું. હું હજી પણ થોડી આઘાતમાં છું.’
નોરાએ દારૂ પીને વાહન ન ચલાવવાની અપીલ કરતાં કહ્યું હતું કે ‘મને આલ્કોહોલથી તો પહેલેથી જ નફરત છે. હું ક્યારેય આલ્કોહોલ, ડ્રગ્સ, વીડ કે કોઈ પણ વસ્તુ જે મનની સ્થિતિ બદલે એને પસંદ નથી કરતી. આ એવું કંઈ નથી જે હું પ્રમોટ કરું કે મારી આસપાસ હોય એ પસંદ કરું. દારૂ પીને વાહન ન ચલાવો. આ ૨૦૨૫ છે અને હજી પણ લોકો આવું કરે છે એ માની શકાય એમ નથી. બપોરે ૩-૪ વાગ્યે આવું થાય એની કલ્પના પણ ન કરી શકાય. ડ્રાઇવરને શરમ આવવી જોઈએ. દારૂ પીને ડ્રાઇવ ન કરો. બસ.’