29 April, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. શ્રીરામ નેને અને અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
બૉલીવુડના સ્ટારકપલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ૨૦૧૭માં લગ્ન કર્યાં હતાં અને હાલમાં તેઓ દીકરી વામિકા અને દીકરા અકાયનાં માતા-પિતા છે. અનુષ્કા અને વિરાટ પબ્લિક ફિગર હોવા છતાં તેઓ પોતાની લાઇફને પ્રાઇવેટ રાખે છે અને એટલે જ તેમણે બન્ને બાળકોને લાઇમલાઇટ અને ફૅન્સની નજરથી દૂર રાખ્યાં છે. અનુષ્કા અને વિરાટ મોટા ભાગે લંડનમાં જોવા મળે છે. હાલમાં હેલ્થ અને વેલનેસ યુટ્યુબ ચૅનલ ચલાવતા માધુરી દીક્ષિતના પતિ ડૉ. શ્રીરામ નેનેએ એક પૉડકાસ્ટમાં વિરાટ અને અનુષ્કાનાં લંડન શિફ્ટ થવાનાં કારણો વિશે વાત કરી છે.
ડૉ. શ્રીરામ નેનેએ પોતાના પૉડકાસ્ટમાં જણાવ્યું હતું કે ‘અનુષ્કા અને વિરાટ બન્ને બહુ સરળ છે. મારા મનમાં તેમના માટે બહુ સન્માન છે. અમે તેમને ઘણી વખત મળી ચૂક્યા છીએે. તેઓ સારી વ્યક્તિ છે. એક દિવસ મારી અનુષ્કા સાથે વાતચીત થઈ હતી ત્યારે તેણે મને જણાવ્યું હતું કે તે સપરિવાર લંડન શિફ્ટ થવાનું વિચારી રહી છે, કારણ કે તે ભારતમાં પોતાની સફળતાનો પૂરતો આનંદ નથી ઉઠાવી શકતી. અમે તેની સમસ્યા સમજી રહ્યા છીએ. તેમનું નાનામાં નાનું વર્તન આકર્ષણનું કેન્દ્ર બને છે અને તેઓ સાવ એકલાં પડી જાય છે.’
ડૉક્ટર નેનેએ વાતચીત દરમ્યાન જણાવ્યું કે ‘હું બધા સાથે હળીમળી જાઉં છું, પણ આ કામ પડકારજનક છે. સેલિબ્રિટી માટે સેલ્ફી-મોમેન્ટ હોય છે. આ વસ્તુ ખરાબ નથી, પણ જ્યારે તમે લંચ કે ડિનર કરી રહ્યા હો તો એ દખલઅંદાજી બની જાય છે છતાં તમારે આ મામલે વિનમ્ર રહેવું પડે છે. જોકે મારી પત્ની માટે આ એક મોટો મુદ્દો છે. જોકે અનુષ્કા અને વિરાટ બહુ પ્રેમાળ વ્યક્તિ છે અને તેઓ પોતાનાં બાળકોનો ઉછેર સારી રીતે કરવા ઇચ્છે છે.’