27 September, 2026 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ અને વિકી કૌશલ
આવતા વર્ષે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થનારી સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ કામ કરી રહ્યાં છે. ફિલ્મના મેકર્સે પહેલાં રણબીરનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો હતો અને હવે તેમણે પહેલાં આલિયાનો અને પછી વિકીનો લુક પણ રિલીઝ કરી દીધો છે. આ ફિલ્મ વિશ્વભરમાં હિન્દી, તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થવાની છે.
‘લવ ઍન્ડ વૉર’ના ફર્સ્ટ લુક પોસ્ટરમાં આલિયા એકદમ અલગ અને ગ્લૅમરસ કૅબરે સ્ટાઇલમાં જોવા મળી રહી છે. તેના લુકમાં આત્મવિશ્વાસ અને સેન્સ્યુઅલિટીનું મિશ્રણ જોવા મળે છે. આલિયાનો આ અંદાજ અગાઉના તેના કોઈપણ પાત્રથી તદ્દન અલગ હોવાનો જોવા મળી રહ્યું છે. આ બૅકગ્રાઉન્ડ આલિયાના પાત્રના રેટ્રો મૂડને પણ રજૂ કરે છે.
વિકીના ફર્સ્ટ લુક પોસ્ટરમાં તેના મોઢામાં સિગારેટ છે અને તે લાઇટરથી એને સળગાવતો જોવા મળે છે. વિકીની આંખોમાં દેખાતો અંદાજ સંકેત આપે છે કે ફિલ્મમાં તેનું પાત્ર એકદમ અલગ શેડમાં જોવા મળી શકે છે.
હાલમાં ‘લવ ઍન્ડ વૉર’નો આલિયા ભટ્ટનો ફર્સ્ટ લુક લૉન્ચ કરવામાં આવ્યો. આમાં પોસ્ટરમાં આલિયા કૅબરે-લુકમાં જોવા મળે છે અને આલિયાના આ લુક પર ઝીનત અમાન ફિદા થઈ ગઈ છે. ઝીનતે આ લુકને લાઇક કરવાની સાથે-સાથે એને સોશ્યલ મીડિયા પર પણ શૅર કર્યો હતો. ઝીનત તરફથી મળેલા આ રીઍક્શનથી આલિયા પણ ખુશ થઈ હતી અને તેણે ઝીનતનો આભાર માનતાં તેને ‘થૅન્ક્યુ મૅમ’ કહ્યું હતું.
ઝીનતે આલિયાના પોસ્ટરને સોશ્યલ મીડિયા પર શૅર કરતી વખતે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીનાં વખાણ કરતાં લખ્યું હતું કે ‘વાહ-વાહ, ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ તો કમાલ કરી દીધી. ૭૦નો દાયકો પાછો આવી ગયો છે અને કૅબરે આટલું સુંદર પહેલાં ક્યારેય લાગ્યું નથી.’
ઝીનતનાં વખાણ કરતાં આલિયાએ કહ્યું હતું કે ‘ખૂબ-ખૂબ આભાર, ઝીનત મૅમ. અમે સેટ પર તમારા વિશે અગણિત વખત વાત કરી છે, તેથી આ મારા માટે વધુ ખાસ બની ગયું છે.’