`લાલ સિંહ ચઢ્ઢા` Review : ફુલ ઑન દેસી

12 August, 2022 12:49 PM IST  |  Mumbai | Harsh Desai

હૉલીવુડની રીમેક હોવા છતાં એક સંપૂર્ણ ભારતીય ફિલ્મ છે: સિનેમૅટોગ્રાફીમાં પ્લસ પૉઇન્ટ તો એડિટિંગમાં માઇનસ પૉઇન્ટ મળે છે અને ઇમોશનલ દૃશ્યોમાં આમિરનો પર્ફોર્મન્સ પર્ફેક્ટ નથી

આમિર ખાન અને કરીના કપૂર ખાન `લાલ સિંહ ચડ્ડા`માં

લાલ સિંહ ચઢ્ઢા

કાસ્ટ : આમિર ખાન, કરીના કપૂર ખાન, નાગ ચૈતન્ય, માનવ વિજ

ડિરેક્ટર : અદ્વૈત ચંદન

રિવ્યુ : ત્રણ સ્ટાર (ટાઇમ પાસ)

આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા ગઈ કાલે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ હૉલીવુડની ‘ફૉરેસ્ટ ગમ્પ’ની ઑફિશ્યલ રીમેક છે. અતુલ કુલકર્ણીએ આ ફિલ્મની સ્ટોરી ૧૪ વર્ષ પહેલાં લખી હતી. જોકે એને બનાવતી વખતે થોડા બદલાવ કરવામાં આવ્યા છે. તેમ જ આમિર ખાનને ફિલ્મના રાઇટ્સ મેળવવા માટે આઠ વર્ષનો સમય લાગ્યો હતો. 

આ ફિલ્મને ‘સીક્રેટ સુપરસ્ટાર’ના ડિરેક્ટર અદ્વૈત ચંદને ડિરેક્ટ કરી છે. આમિરની આ ફિલ્મનો ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે, પરંતુ એમાં વિરોધ કરવા જેવું કંઈ નથી.

સ્ટોરી ટાઇમ

લાલનો જન્મ થયો ત્યારથી જ તેને થોડી મોડી સમજ પડતી હોય છે. તે નાનો હોય છે ત્યારે તેને એવું હોય છે કે તેના પગમાં કંઈ પ્રૉબ્લેમ છે અને તે નથી ચાલી શકતો. જોકે પ્રૉબ્લેમ તેના પગમાં નહીં, તેના મગજમાં હોય છે. તેની મમ્મીનું પાત્ર મોના સિંહે ભજવ્યું છે. તેની મમ્મી તેને સતત કહે છે કે તે અન્ય વ્યક્તિ જેવો જ સામાન્ય છે અને તે બધું કરી શકે છે. તેમ જ તેની મમ્મી પાસે જ તેને મોટા ભાગનું જ્ઞાન મળ્યું હોય છે. તેની મમ્મી તેને જે કહે એ જ તે કરે છે. આ માટે તે નૅશનલ ચૅમ્પિયનશિપમાં પણ નથી જતો. તેની મમ્મી બાદ તેની લાઇફમાં કોઈ સૌથી મહત્ત્વની વ્યક્તિ હોય તો તે રૂપા છે. રૂપાનું પાત્ર કરીનાએ ભજવ્યું છે. તેઓ સાથે મોટાં થાય છે. સ્કૂલ બાદ કૉલેજમાં પણ સાથે જાય છે. જોકે ત્યાર બાદ કરીના ઍક્ટર બનવા માગે છે અને મુંબઈ શિફ્ટ થઈ જાય છે. એ સમયે બૉલીવુડમાં કાસ્ટિંગ કાઉચ અને અન્ડરવર્લ્ડનો દબદબો હતો એ પણ દેખાડવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે લાલની સ્ટોરી આગળ ચાલે છે અને તે આર્મીમાં જૉઇન થાય છે. ત્યાં તેને એક નવો મિત્ર બાલા મળે છે. બાલાનું પાત્ર નાગ ચૈતન્યએ ભજવ્યું છે. તે ચડ્ડી-ગંજી પાછળ ઘેલો હોય છે અને તેને એની કંપની ખોલવી હોય છે. આ બૅક સ્ટોરી પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિગ છે. ત્યાર બાદ લાલની લાઇફમાં સેલ્સ મૅનેજેર તરીકે માનવ વિજની એન્ટ્રી થાય છે. આ પાત્ર ખરેખર ઘણું કહી જાય છે અને એ જોવું એક લહાવો છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

અતુલ કુલકર્ણીએ ભલે રીમેકની સ્ટોરી લખી હોય, પરંતુ તેણે એને એકદમ ઇન્ડિયન વર્ઝન બનાવી દીધી છે. આ એક નવી જ ફિલ્મ હોય એવું લાગે છે. ઓરિજિનલ ફિલ્મ કરતાં પણ આ ફિલ્મમાં પૉલિટિકલ વ્યુઝ વધુ છે. ઇમર્જન્સીથી લઈને ગુરદ્વારાના અટૅકથી લઈને લાલ કૃષ્ણ અડવાણીની રૅલીથી લઈને અબ કી બાર મોદી સરકારથી લઈને સ્વચ્છ ભારત અભિયાન સુધીની ઘણી વાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ડિયાના ઇતિહાસને જે રીતે અતુલ કુલકર્ણીએ લાલ સિંહ ચઢ્ઢાની લાઇફ સાથે જોડ્યો છે એ ખરેખર કાબિલે દાદ છે. લાલનું પાત્ર આમિરે ભજવ્યું છે. ઇન્ડિયાના ઇતિહાસની સાથે લાલની સ્ટોરી પણ ચાલતી રહી છે. આ સ્ટોરી લાલ તેની પ્રેમિકા રૂપા (મેલા ફિલ્મની નહીં)ને મળવા જતો હોય છે ત્યારે ટ્રેનમાં તેના સાથી પૅસેન્જરને કહે છે. એવું કહેવાય છેને કહેવા માટેની સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એવી વ્યક્તિ પાસે હોય છે જે સૌથી વધુ ટ્રાવેલ કરતો હોય. આ ટ્રાવેલર જ્યારે ટ્રેનમાં મળે તો એની વાત જ અલગ હોય છે. એથી લાલના સાથી મુસાફરોને ખૂબ જ જલસો પડી જાય છે આ સ્ટોરી સાંભળવાનો અને સાથે જ દર્શકોને પણ એ જોવાની મજા પડશે. જોકે એ માટે થોડી ધીરજ રાખવાની જરૂર છે. ફિલ્મ ઘણી લાંબી છે અને દરેક દૃશ્યને પણ ખૂબ જ ધીરજથી શૂટ કરવામાં આવ્યું છે. એથી દર્શકોએ પણ એ દેખાડવી જરૂરી છે. આ સ્ટોરીને અદ્વૈત દ્વારા ખૂબ જ સારી રીતે સ્ક્રીન પર રજૂ કરવામાં આવી છે. અદ્વૈતે તેના ડિરેક્શનનો ચાર્મ દેખાડ્યો છે અને તેણે કરી બતાવ્યું છે કે તે આ પ્રકારની ફિલ્મને હૅન્ડલ કરી શકે છે. મોટા ભાગના માર્ક્સ સિનેમૅટોગ્રાફર્સને જાય છે, પરંતુ એટલા જ માર્ક એડિટરના કાપવામાં આવે છે. આ ફિલ્મને વધુ એડિટ કરવાની જરૂર હતી. જોકે ઘણાં દૃશ્યો ખૂબ જ સારાં છે. ખાસ કરીને છેલ્લે આમિર જ્યારે પાઘડી પહેરે છે અને બૅકગ્રાઉન્ડમાં એક ઓનંકર વાગે છે એ દૃશ્ય. આ દૃશ્યને ખૂબ જ શાંતિ અને ધીરજની સાથે દેખાડવામાં આવ્યું છે. આ દૃશ્ય માટે ડિરેક્ટરે પૂરતો સમય લીધો છે અને એથી જ એ એટલું જ સુંદર લાગે છે. આ સાથે જ સિનેમૅટોગ્રાફરે ઇન્ડિયાનાં વિવિધ રાજ્યોની જે સુંદરતા દેખાડી છે એ પણ ખૂબ જ સારી છે. કૅમેરા વર્કમાં પણ જે ચેન્જિસ આવે છે એ જોઈ શકાય છે.

પર્ફોર્મન્સ

આમિર ખાનનું પાત્ર ઘણી વાર ‘ધૂમ 3’ અને ‘pk’‍ના પાત્ર જેવું લાગે છે. આ પાત્ર જ એવું છે કે તે પોતે થોડો હોશિયાર નથી અને તેને મોડી સમજ પડે છે એવું દેખાડવાનું છે. આ સાથે જ તે એકદમ ઇનોસન્ટ હોય એવું પણ તેણે દેખાડવાનું છે. આ બધામાં તેનો પર્ફોર્મન્સ થોડો માર ખાઈ જાય છે. આ સ્ટોરીમાં ડ્રામા અને હ્યુમર છે અને જે પણ હ્યુમર છે એ લાલના પાત્ર દ્વારા જ ઊભું થાય છે. આ હ્યુમરના ચક્કરમાં આમિરનાં ઇમોશનલ દૃશ્યો એકદમ કન્વિન્સિંગ નથી લાગતાં. એક રીતે જોવા જઈએ તો ફિલ્મની સરખામણી કરવી યોગ્ય નથી, પરંતુ ઓરિજિનલમાં કરીનાનું જે પાત્ર હતુ એને અહીં એકદમ દબાવી દેવામાં આવ્યું છે. જોકે એમ છતાં કરીનાને જે કામ આપવામાં આવ્યું છે એમાં તેણે બનતી તમામ કોશિશ કરી છે. નાગ ચૈતન્યના પાત્રને એટલું ઇન્ટરેસ્ટિંગ નથી દેખાડવામાં આવ્યું. તેનો લુક જે રીતનો છે એ જોઈને તેની સાથે કનેક્ટ નથી થઈ શકાતું અને એ થોડું વિચિત્ર લાગે છે. તેને વધુ સારી રીતે રજૂ કરવાની જરૂર હતી. આ બધાની વચ્ચે સૌથી ઇન્ટરેસ્ટિંગ કામ માનવ વિજનું છે. તે એક સરપ્રાઇઝ પૅકેજ છે. માનવ વિજ અને આમિર વચ્ચે એક ચર્ચા થાય છે. આ દરમ્યાન આમિરનું પાત્ર કહે છે કે તે ધર્મમાં નથી માનતો, કારણ કે એને કારણે ઘણી વાર મલેરિયા થાય છે. જોકે આ ડાયલૉગ પાછળનો તેનો હેતુ શું હતો એ માનવ વિજનું પાત્ર ખૂબ જ સરળતાથી સમજાવી દેશે. આ પણ એક ઇન્ટરેસ્ટિંગ મેસેજ છે.

મ્યુઝિક

તનુજ ટિકનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ સૉફ્ટ અને જેટલું જરૂર હોય એટલું જ આપવામાં આવ્યું છે. એક પણ દૃશ્યમાં મ્યુઝિક હાવી નથી થતું. તેમ જ આ ફિલ્મનાં જે પણ ગીત છે એ ફિલ્મમાં ખૂબ જ સુંદર લાગે છે. એનું પ્લેસમેન્ટ ખૂબ જ સારું છે. ગીત એકલાં સાંભળવામાં કદાચ નહીં પસંદ આવે, પરંતુ એ જ્યારે ફિલ્મમાં આવે છે ત્યારે એ ખૂબ જ સારાં લાગે છે.

આખરી સલામ

આમિરની ફિલ્મ જેટલી ડીટેલમાં બનાવવામાં આવે છે એટલી જ ડીટેલમાં આ ફિલ્મનું ડિસ્ક્લેમર આપવામાં આવ્યું છે. આટલું ચોક્કસ અને આટલું લાંબું એ પણ ડીટેલમાં ડિસ્ક્લેમર પહેલી હિન્દી ફિલ્મમાં જોવા મળ્યું હશે. આ સાથે જ આમિર ફિલ્મમાં જે પણ ઍક્ટર્સ અને લોકોના આભાર માન્યા છે એ લિસ્ટ પણ ખૂબ જ લાંબું છે. આ લિસ્ટ જોઈને પણ એક વાર એને જોવાની તાલાવેલી થઈ આવે છે.

entertainment news bollywood news laal singh chaddha aamir khan movie review film review harsh desai kareena kapoor