23 July, 2026 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેટરિના કૈફ ફેન પેજ
પ્રકાશ રાજ, શબાના આઝમી, સોનાક્ષી સિન્હા સહિત બૉલીવુડના અનેક કલાકારોએ દિલ્હીમાં જંતરમંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે. કેટલાક કલાકારોએ માત્ર સોશ્યલ મીડિયા પર કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શનને સમર્થન આપ્યું, તો કેટલાક સીધા જ આંદોલનમાં પણ જોડાયા હતા. જોકે બૉલીવુડના કેટલાક જાણીતા ચહેરાઓ હજુ સુધી આ સમગ્ર મુદ્દે મૌન છે જેમાં કૅટરિના કૈફ અને વિકી કૌશલનું નામ પણ સામેલ છે. આ આંદોલન શરૂ થયા બાદથી બન્નેએ કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી. તેમના આ અભિગમને કારણે કેટલાક ચાહકો નારાજ જોવા મળી રહ્યા છે. કૅટરિનાના આ મુદ્દે મૌનને કારણે નિરાશ થયેલા એક ચાહકે તો ૭૦ હજારથી વધુ ફૉલોઅર્સ ધરાવતું કૅટરિનાનું ફૅન-પેજ જ બંધ કરી દીધું.
ગયા મંગળવારે ‘કૅથૉલિક ફૅન્સ’ નામના કૅટરિનાના ફૅન-પેજે જાહેરાત કરી હતી કે એ હવે પોતાનું પેજ બંધ કરી રહ્યું છે. સાથે જ આ નિર્ણય પાછળનું કારણ પણ જાહેર કર્યું હતું. ફૅન-પેજના સંચાલકે લખ્યું હતું કે ‘હું બાળપણથી કૅટરિના કૈફનો ચાહક રહ્યો છું, પણ તમે અમને નિરાશ કર્યાં છે. તમે ભારતના લોકો માટે એક શબ્દ પણ બોલી શક્યાં નથી. આપણા દેશના વિદ્યાર્થીઓએ તમને દિલથી પ્રેમ આપ્યો છે, છતાં તમે તેમના માટે અવાજ ઉઠાવી શક્યાં નથી. વિદ્યાર્થીઓના સમર્થનમાં ઊભા રહેવાની પણ તમારામાં હિંમત નથી. તમારામાં કરોડરજ્જુ જ નથી. સરકાર સામે બોલવાની હિંમત પણ નથી. તમારા સૌથી ખરાબ સમયમાં અમે તમારો સાથ આપ્યો હતો, પણ તમે અમને નિરાશ કર્યાં છે. તેથી હું તમને અનફૉલો કરું છું અને આ ફૅન-પેજ પણ બંધ કરું છું.’