સ્ક્રિપ્ટ, નરેશન અથવા તો પાત્ર પસંદ આવતાં તરત જ ફિલ્મ પસંદ કરી લે છે કાર્તિક આર્યન

20 November, 2021 07:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેટલાક બેસ્ટ ફિલ્મમેકર્સ સાથે કામ કરીને હું પોતાને લકી માનું છું કે જેમણે મારામાં વિશ્વાસ દેખાડ્યો. હું તેમની આશાએ ખરો ઊતરવાનો પ્રયાસ કરું છું.’

સ્ક્રિપ્ટ, નરેશન અથવા તો પાત્ર પસંદ આવતાં તરત જ ફિલ્મ પસંદ કરી લે છે કાર્તિક આર્યન

કાર્તિક આર્યનને વિવિધ ઉત્તમ દરજ્જાના ફિલ્મમેકર્સ સાથે કામ કરવાની તક મળતાં તે પોતાને નસીબદાર માને છે. સાથે જ તેમની અપેક્ષાએ ખરા ઊતરવાની પણ તેને આશા છે. તેની ‘ધમાકા’ને રામ માધવાણીએ ડિરેક્ટ કરી છે. કેવા પ્રકારની ફિલ્મોમાં કામ કરવા માગે છે એ સંદર્ભે કાર્તિકે કહ્યું હતું કે ‘હું માત્ર કન્ટેન્ટ પર ધ્યાન આપું છું. જો મને સ્ક્રિપ્ટ, નરેશન અથવા તો કૅરૅક્ટર સાથે સંકળાયેલી કોઈ બાબત પસંદ આવે તો હું એ પ્રોજેક્ટ સાથે જોડાઈ જાઉં છું. કેટલાક બેસ્ટ ફિલ્મમેકર્સ સાથે કામ કરીને હું પોતાને લકી માનું છું કે જેમણે મારામાં વિશ્વાસ દેખાડ્યો. હું તેમની આશાએ ખરો ઊતરવાનો પ્રયાસ કરું છું.’
‘આનંદી ગોપાલ’ બનાવનાર મરાઠી ડિરેક્ટર સમીર વિદ્વંસ વિશે કાર્તિકે કહ્યું હતું કે ‘તે સરસ ડિરેક્ટર છે. તેમને મારું કામ ગમ્યું અને મને ફિલ્મ ઑફર કરી. તેમનું નરેશન અને પોતાનો પૉઇન્ટ 
વ્યક્ત કરવાનું મને પસંદ છે. એના પ્રોડ્યુસર્સ શરીન, કિશોર અરોરા અને સાજિદ નડિયાદવાલા સરે મારી સાથે મુલાકાત કરી. તેમની ફિલ્મ વિશે સાંભળીને મને ખુશી થઈ હતી. આશા છે કે તેમની ફિલ્મ સાથે ન્યાય કરી શકીશ. આવું કામ મેં કદી પણ નથી કર્યું. આ ખૂબ જ અલગ ફિલ્મ છે. ‘આનંદી ગોપાલ’ અને ‘ડબલ સીટ’ તેમની અદ્ભુત ફિલ્મોમાંની છે. સમીર ટૅલન્ટેડ ફિલ્મમેકર છે. અમે સાથે કામ કરીએ છીએ એની મને ખુશી છે.’

‘ધમાકા’ને મળતા સારા રીવ્યુને પગલે બાપ્પાનો આભાર માન્યો કાર્તિકે

કાર્તિક આર્યનની ‘ધમાકા’ રિલીઝ થતાં લોકોને એ ખૂબ પસંદ પણ પડી છે. એને જોતાં કાર્તિક સિદ્ધિવિનાયક મંદિર ગયો હતો અને બાપ્પાનો આભાર માન્યો હતો. તે ગણપતિ બાપ્પાનાં વાહન ઉંદરનાં કાનમાં કંઈક કહી રહ્યો છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘આજ કાન મેં સિર્ફ થૅન્ક યુ બોલા. ગણપતિ બાપ્પા મોર્યા. ઇન્ડસ્ટ્રીમાંથી લોકોનાં મળતા પ્રેમથી ખુશ છું. ફૅન્સ ‘ધમાકા’ને જુએ એ માટે આતુર છું. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર દેખાડવામાં આવી રહી છે.

હું હંમેશાં પ્રામાણિક લોકોની સાથે રહેવા માગું છું : કાર્તિક

કાર્તિક આર્યનની ઇચ્છા છે કે તે હંમેશાં પ્રામાણિક લોકોની સાથે રહેવા માગે છે. તેણે ૨૦૧૧માં આવેલી ‘પ્યાર કા પંચનામા’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’, ‘લુકા છુપી’ અને ‘પતિ, પત્ની ઔર વોહ’માં કામ કર્યું હતું. કેવા લોકોની સાથે રહેવા માગે છે એ વિશે કાર્તિકે કહ્યું હતું કે ‘હું એવા પ્રામાણિક લોકોની સાથે રહેવા માગું છું કે જ્યાં હું ખોટો હોઉં ત્યાં તેઓ મને ટકોર કરે. લોકોનો કોઈ એજન્ડા ન હોય. ઈમાનદાર લોકો તમારી સાથે હોય એ જરૂરી છે. હું ખુશ છું કે મારી પાસે એવા ફ્રેન્ડ્સ છે. જોકે મારી લાઇફના કેટલાક લોકોથી હું સાવધ રહું છું.’
પોતાની ફિલ્મો દ્વારા કંઈક હટકે કરવા માગતા કાર્તિકે કહ્યું હતું કે ‘હું હંમેશાં કંઈક નવું દર્શકો માટે લઈ આવવાનું વિચારું છું. હું એવી ફિલ્મોમાં કામ કરવા માગું છું કે જ્યારે હું ઘરે જાઉં તો મને પણ એમાં કામ કરવાની ખુશી થાય. મને પણ અહેસાસ થાય કે મેં આજે ખૂબ મહેનત કરી છે. એનું પરિણામ પણ સારું આવે અને મેં અત્યાર સુધી જે કામ કર્યું છે એનાથી પણ એ અલગ હોય.’
તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ‘ભૂલભુલૈયા 2’, ‘શહઝાદા’ અને ‘ફ્રેડી’માં જોવા મળવાનો છે. એ ફિલ્મો વિશે કાર્તિકે કહ્યું હતું કે ‘મને એ વાતની ખુશી છે કે હું આ બધી ફિલ્મો ગ્રેટ ફિલ્મમેકર્સ સાથે કરી રહ્યો છું. તેમણે મારામાં વિશ્વાસ દેખાડ્યો. એમાં ખૂબ જ ઉત્સાહ છે. મને એક સેટ પરથી બીજા સેટ પર જવાનો રોમાંચ આવે છે.’
વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર તેની ‘ધમાકા’ રિલીઝ થઈ છે. આ ફિલ્મને રામ માધવાણીએ ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ સાઉથ કોરિયાની ‘ધ ટેરર લાઇવ’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મમાં તે ન્યુઝ ઍન્કર અર્જુન પાઠકની ભૂમિકા ભજવી રહ્યો છે. એ ફિલ્મ વિશે કાર્તિકે કહ્યું હતું કે ‘અમારી વચ્ચે અનેક મીટિંગ્સ થઈ હતી અને કેવા પ્રકારની ફિલ્મમાં કામ કરવા માગીએ છીએ એ સંદર્ભે કેટલાક આઇડિયાઝ પર પણ ચર્ચા કરી હતી. જોકે અમને ‘ધ ટેરર લાઇવ’ પસંદ પડી અને એક દિવસે મેં તેમને કહ્યું કે ચાલો આપણે આ ફિલ્મ બનાવીએ. હું તેમનો ફૅન છું એથી મને તેમની સાથે કામ કરવું હતું. સદ્નસીબે તેમને પણ મારી સાથે કામ કરવું હતું. અમારા બન્નેની આ સમાન વિચારધારા હતી અને એથી ‘ધમાકા’ બની. ઍક્ટર હોવાથી મારે મીડિયા સાથે સતત વાતચીત કરવાની હોય છે. જોકે આ વખતે આ ફિલ્મ દ્વારા હું તેમના ફીલ્ડમાં ઊતર્યો છું. 
તેમની આ જૉબ પ્રત્યે મને સન્માન જાગ્યું છે. આ કામને દિલથી અને જવાબદારીથી ભજવવું ખૂબ અઘરું છે. આ રોલ ભજવતી વખતે મને એની જવાબદારીનો અહેસાસ થયો. શૂટિંગ દરમ્યાન વિવિધ લોકોને મળવું અને ઍક્ટિંગ કરવી મને ખૂબ ગમ્યું હતું. આ એક કાલ્પનિક સ્ટોરી છે. કેટલીક બાબતો પર દબાણ નાખવામાં આવ્યું છે. જોકે જે પ્રિમાઇસિસ છે એ એ જ રહે છે. એવામાં એ તકવાદી યુવકને તક મળતાં એને ઝડપી લે છે અને તેની જર્ની શરૂ થાય છે. સવાલ અહીં એ ઊભો થાય છે કે તે હીરો છે કે વિલન?’

bollywood news kartik aaryan bollywood bollywood gossips entertainment news