✕

ઍક્ટર સાથે લગ્ન કરવાં એ જીવનમાં સૌથી મુશ્કેલ કામોમાંનું એક કામ

28 September, 2026 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અર્શદ વારસીએ ખુલાસો કર્યો છે કે લગ્ન પહેલાં જયા બચ્ચને મારિયા ગોરેટીને ઍક્ટર સાથે લગ્ન કરવાના પડકારો વિશે ચેતવી હતી. જયાએ કહ્યું હતું કે આવા સંબંધને ટકાવી રાખવા માટે પ્રેમ અને વિશ્વાસ વધુ મજબૂત હોવા જોઈએ.

અર્શદ વારસી, મારિયા ગોરેટી અને જયા બચ્ચન

અર્શદ વારસી અને મારિયા ગોરેટીએ ૧૯૯૯ની ૧૪ ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતાં અને તેઓ હાલમાં સફળ અને સ્થિર લગ્નજીવન ગાળી રહ્યાં છે. જોકે હાલમાં અર્શદે ખુલાસો કર્યો છે કે તેઓ જ્યારે લગ્ન કરવાનાં હતાં ત્યારે મારિયાને જયા બચ્ચને એક ઍક્ટર સાથે લગ્ન કરવાના પડકારો વિશે ચેતવણી આપી હતી. લાંબા લગ્નજીવનના પોતાના અનુભવના આધારે તેમણે મારિયાને સંબંધોની વાસ્તવિકતા સમજાવતી સલાહ આપી હતી.
અર્શદે વાતચીત દરમ્યાન જયાએ આપેલી સલાહ વિશે કહ્યું હતું કે ‘જયાજી ખૂબ સમજદાર મહિલા છે. તેમણે મારિયાને કહ્યું હતું કે જીવનમાં સૌથી મુશ્કેલ કામોમાંનું એક કામ ઍક્ટર સાથે લગ્ન કરવાનું છે. તેમણે મારિયાને સમજાવ્યું હતું કે અભિનેતાઓનો સ્વભાવ જ એવો હોય છે, તેમના કામને કારણે તેઓ સતત રસપ્રદ અને જુદી-જુદી વ્યક્તિઓની વચ્ચે રહેતા હોય છે. જયાજીનું માનવું હતું કે આવી મુશ્કેલીઓ પાર કરીને સાથે રહેવા માટે પ્રેમ અને વિશ્વાસ સામાન્ય સંબંધો કરતાં પણ વધુ મજબૂત હોવા જોઈએ.’

નેપોટિઝમની વાત સાચી, પણ આખરે ટૅલન્ટનું મહત્ત્વ વધારે

અર્શદ વારસીએ પોતાની વાત રજૂ કરીને કહ્યું કે કંગના રનૌતે આ મુદ્દે વાત શરૂ કરી પણ એ મોટો મુદ્દો બની ગયો

થોડાં વર્ષો પહેલાં કંગના રનૌતે નેપોટિઝમ વિશે નિવેદન આપ્યા બાદ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં નવી ચર્ચા શરૂ થઈ હતી. ઘણા કલાકારો આ મુદ્દે જાહેરમાં વાત કરવાનું ટાળે છે પણ અર્શદ વારસીએ આ મામલે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
અર્શદે નેપોટિઝમ મામલે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘કંગના નેપોટિઝમની વાત સામે લાવી અને ત્યાર બાદ આ મુદ્દો મોટો બની ગયો. દરેક વ્યક્તિ એના વિશે વાત કરવા લાગી. એ વાત સાચી છે કે નેપોટિઝમ છે પણ મને એનાથી કોઈ પરેશાની નથી. મારું દિલ કહે છે કે આખરે મહત્ત્વ તમે કેટલા ટૅલન્ટેડ છો અને તમે કેટલે દૂર સુધી જશો એનું છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કનેક્શન હોવાને કારણે કોઈને પહેલો મોકો સરળતાથી મળી શકે છે, પણ ત્યાર બાદ અભિનેતાની ક્ષમતા જ નક્કી કરે છે કે તે પોતાની કારકિર્દીમાં કેટલો આગળ જશે. હું એ પણ જાણું છું કે સ્ટારકિડ હોવું સરળ નથી. તેમની પાસેથી ઘણી વધારે અપેક્ષાઓ રાખવામાં આવે છે. આજે હું મારાં બાળક સાથે પણ આવું થતું જોઈ રહ્યો છું.’

arshad warsi jaya bachchan entertainment news bollywood controversies bollywood buzz bollywood news bollywood movie review bollywood gossips bollywood events bollywood