10 August, 2025 07:31 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
હુમા કુરેશી, અભિનેત્રીનો મૃતક પિતરાઈ ભાઇ
રક્ષાબંધન (Raksha Bandhan 2025) પહેલા બોલીવુડ અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi)ને મોટો આઘાત લાગ્યો છે. દિલ્હી (Delhi)માં હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા કરવામાં આવી હતી. ગુરુવારે રાત્રે દિલ્હીમાં નિઝામુદ્દીન (Nizamuddin) વિસ્તાર હત્યાથી હચમચી ગયો હતો. દિલ્હી પોલીસ (Delhi Police)એ બે આરોપીઓની ઉતાવળમાં ધરપકડ કરી છે. હત્યા કરાયેલ હુમા કુરેશીના પિતરાઈ ભાઈ (Huma Qureshi’s Cousin Killed)નું નામ આસિફ કુરેશી (Asif Qureshi) છે. આ ઘટના નિઝામુદ્દીન ભોગલ જંગપુરા (Bhogal, Jangpura)માં બની હતી. આસિફ કુરેશીની હત્યાને કારણે કુરેશી પરિવારમાં શોકનું વાતાવરણ છે. હુમા કુરેશીના પિતાએ ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
નિઝામુદ્દીન પોલીસ સ્ટેશન વિસ્તારના જંગપુરા ભોગલ બજાર લેનમાં હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે મોડી રાત્રે બની હતી. મળતી માહિતી પ્રમાણે, હુમા કુરેશીના ભાઈ આસિફ કુરેશીની હત્યા પાર્કિંગના વિવાદમાં થઈ હતી. રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ, આરોપીઓએ સ્કૂટરને ગેટ પરથી હટાવીને સાઈડ પર પાર્ક કરવાના વિવાદમાં આસિફ કુરેશી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ પછી, આસિફને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
મૃતક, અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈની પત્ની અને સંબંધીઓનું કહેવું છે કે આરોપીએ નજીવી બાબતમાં ક્રૂરતાથી આ ગુનો કર્યો છે. મૃતકની પત્નીએ જણાવ્યું હતું કે, અગાઉ પણ આરોપીનો તેના પતિ સાથે પાર્કિંગના વિવાદને લઈને ઝઘડો થયો હતો. ગુરુવારે રાત્રે તેના પતિ કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પાડોશીની સ્કૂટી ઘરની સામે પાર્ક કરેલી હતી. તેમણે પાડોશીને તે હટાવવા કહ્યું. પરંતુ સ્કૂટી હટાવવાને બદલે પાડોશીએ તેની સાથે દુર્વ્યવહાર શરૂ કરી દીધો. મામલો એટલો બગડ્યો કે કોઈએ તેને તીક્ષ્ણ વસ્તુથી મારી નાખ્યો.
હુમા કુરેશીના પિતા સલીમ કુરેશીએ જણાવ્યું કે, હું ઘરે સૂઈ રહ્યો હતો. મને ફોન આવ્યો કે આસિફની હત્યા થઈ ગઈ છે. આસિફે સ્કૂટર કાઢવાનું કહ્યું હતું. આ વાતને લઈને ઝઘડો થયો હતો. આસિફ પર બે લોકોએ મળીને હુમલો કર્યો હતો. સલીમ કુરેશીએ જણાવ્યું ક। આસિફ ૪૨ વર્ષનો હતો અને તે રેસ્ટોરન્ટમાં ચિકન સપ્લાય કરતો હતો. આસિફને બે પત્નીઓ છે. તેમણે કહ્યું કે, ગુનેગારોને સૌથી કડક સજા મળવી જોઈએ. હાલમાં, આસિફના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ પછી સ્પષ્ટ થશે કે તેને મારવા માટે શું ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.
જોકે, પોલીસે કેસ નોંધીને હત્યામાં સંડોવાયેલા બે લોકોની ધરપકડ કરી છે. બંને આરોપી ભાઈઓ છે. તેમના નામ ગૌતમ અને ઉજ્જવલ છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ઝઘડો ફક્ત પાર્કિંગને લઈને હતો કે તેમની વચ્ચે કોઈ જૂની દુશ્મનાવટ હતી. પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કર્યું છે. હાલમાં, વિસ્તારમાં પોલીસ તૈનાત છે.
હુમા કુરેશીએ આ હત્યા અંગે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. હુમા કુરેશી અને તેના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીનું ઘર નજીકમાં છે.