‘હેલો ચાર્લી’ Movie Review: બાય ચાર્લી

11 April, 2021 02:14 PM IST  |  Mumbai | Harsh Desai

ગોરીલાની આસપાસ સ્ટોરી હોવા છતાં એટલી ખાસ ધમાલ જોવા નથી મળી: ઘણાં બધાં એલિમેન્ટ હોવા છતાં એને એક્સપ્લોર કરવામાં નથી આવ્યાં અને એથી જ સ્ક્રિપ્ટ ખૂબ નબળી બની છે

હેલો ચાર્લી

હેલો ચાર્લી

ઍક્ટર્સ – આદર જૈન, જૅકી શ્રોફ, એલનાઝ નોરોઝી

ડિરેક્ટર – પંકજ સારસ્વત

બૉલીવુડમાં બાળકો માટે ખૂબ ઓછી ફિલ્મો બને છે અને બને છે એ પણ એટલી ખાસ નથી હોતી. આવી જ એક ફિલ્મ હાલમાં ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ કરવામાં આવી છે અને એ છે ‘હેલો ચાર્લી’. જોકે એને કેમ 13+ રેટિંગ આપવામાં આવ્યું એ એક સવાલ છે. આદર જૈન અને જૅકી શ્રોફની આ ફિલ્મને એક્સેલ એન્ટરટેઇનમેન્ટ એટલે કે ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મને પંકજ સારસ્વત દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

સ્ટોરી ટાઇમ

ફિલ્મની સ્ટોરી એક ગોરીલાની આસપાસ ફરતી હોય છે. આ ગોરીલા એટલે કે ઇન્ડિયાનો બિઝનેસ-ટાયકૂન જેણે લોન લીધી હોય છે, પરંતુ એ ભરપાઈ નથી કરતો અને દેશ છોડીને ભાગી જાય છે. આ પાત્ર કોના પરથી લેવામાં આવ્યું છે એ સમજવું મુશ્કેલ નથી. દેશ છોડવા માટે તે ગોરીલા બને છે અને ત્યાંથી સ્ટોરી શરૂ થાય છે. આ ગોરીલાને ટ્રાન્સપોર્ટ માટે આદર જૈનને ઑર્ડર આપવામાં આવે છે. ત્યાંથી બધી ગડમથલ શરૂ થાય છે.

સ્ક્રિપ્ટ

ગોરીલાની આસપાસ ફરતી આ ફિલ્મનો હીરો કહેવામાં આદર જૈન છે, પરંતુ ખરેખરો હીરો ગોરીલા છે. આદરે આ ફિલ્મમાં ચિરાગ રસ્તોગીનું પાત્ર ભજવ્યું છે જે જ્યાં જાય ત્યાં ખરાબ થતું હોય છે. ‘જગ્ગા જાસૂસ’માં કૅટરિના કૈફ જેવી હોય એવું પાત્ર આ ફિલ્મમાં આદર જૈનનું છે. સ્ટોરીનો પ્લૉટ ખૂબ સારો હતો, પરંતુ એને સ્ક્રીન પર સારી રીતે ઉતારી નથી શકાયો. સ્ક્રિપ્ટ ખૂબ જ કંગાળ છે. તમ જ એક પણ ડાયલૉગમાં દમ નથી. સ્ક્રિપ્ટની સાથે ડિરેક્શનમાં પણ દમ નથી. ગોરીલાને સેન્ટરમાં રાખીને સ્ક્રિપ્ટ લખવામાં આવી છે, પરંતુ એમાં બાળકોને ધ્યાનમાં રાખવાનું ભૂલી ગયા હોય એવું લાગે છે તેમ જ યુવાનો માટે આ ફિલ્મ બિલકુલ નથી. સર્કસનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એમ છતાં એ નહીં બરાબર છે. ફિલ્મનો એન્ડ પણ ‘ધમાલ’ અને ‘હેરાફેરી’ અને ‘હલચલ’ જેવો બનાવવાની કોશિશ કરવામાં આવી છે, પરંતુ એ બનાવી નથી શક્યા અને ફિલ્મ ક્યાં પૂરી થાય છે એની ખબર જ નથી પડતી.

પર્ફોર્મન્સ

આદર જૈનની ઍક્ટિંગ અને અવાજને જોઈને રણબીર કપૂર હોય એવો જ સતત અહેસાસ થાય છે. આમ છતાં તેણે આ ફિલ્મમાં તેના અવાજ પર ઘણું કામ કર્યું છે. તે ઍક્ટિંગ અને કોમિક ટાઇમિંગ પહેલાં કરતાં સારાં છે. જોકે તેની પાસે કરવા માટે એટલું ખાસ નથી અને એ સ્ક્રિપ્ટનો ફૉલ્ટ છે. મોટા ભાગની કૉમેડી ગોરીલાને કારણે થતી હોય છે, જે જૅકી શ્રોફ બન્યો હોય છે. કેટલાંક દૃશ્યને બાદ કરતાં જૅકી શ્રોફનો ફક્ત ચહેરો જ દેખાડવામાં આવે છે. દર્શન જરીવાલા પણ ફિલ્મમાં નામ પૂરતા જોવા મળ્યા છે. કૉમેડી ફિલ્મ હોય અને રાજપાલ યાદવ જેવા ઍક્ટરને લીધા હોવા છતાં તેને ટોટલ વેસ્ટ કરવામાં આવે એ ડિરેક્ટર અને સ્ક્રિપ્ટ-રાઇટરની ખૂબ મોટી ખામી છે તેમ જ ગોરીલા પાસે પણ ખાસ કામ કઢાવવામાં નથી આવ્યું. શ્લોકા પંડિતે ધાર્યા કરતાં સારું કામ કર્યું છે. એલનાઝ નોરોઝીને ગ્લૅમર માટે જ લેવામાં આવી છે.

મ્યુઝિક

આ ફિલ્મનાં ગીત કરતાં એનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સારું છે, કારણ કે એ વધુ પડતું લાઉડ નથી બનતું તેમ જ બાકીનાં ગીત ના બરાબર છે અને જબરદસ્તી ભરેલાં લાગે છે.

આખરી સલામ

ગોરીલાના નામે પણ ફિલ્મ જોવી હોય તો તમારી પાસે નવરાશનો સમય હોવો જરૂરી છે. બની શકે તો બ્રેક લેવાનું ટાળવું, કારણ કે ફરી ફિલ્મ ત્યાંથી જ શરૂ કરવામાં આવે એ ડાઉટફુલ છે.

entertainment news bollywood bollywood news bollywood movie review harsh desai aadar jain jackie shroff