ગ્લૅમરસ કૅબરે ડાન્સવાળા પોતાના અલગ જ લુક પાછળનું રહસ્ય જણાવ્યું હેલને

28 July, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેલને ખુલાસો કર્યો કે પોતાના ડાન્સને યાદગાર બનાવવા માટે તેઓ માત્ર ડાન્સ પર નહીં, પરંતુ લુક અને કૉસ્ચ્યુમ પર પણ ખાસ ધ્યાન આપતાં હતાં. આ માટે તેઓ પૅરિસ અને લંડનથી ખાસ ઍક્સેસરીઝ અને લેન્સ ખરીદી લાવતાં હતાં.

હેલન

ઍક્ટ્રેસ અને ટોચની ડાન્સર હેલનનું નામ એક સમયે ફિલ્મોની સફળતાની ગૅરન્ટી માનવામાં આવતું હતું. માત્ર તેમનું નામ જ દર્શકોને સિનેમાઘરો સુધી ખેંચી લાવવા માટે પૂરતું હતું. તેમણે બૉલીવુડને અનેક યાદગાર ડાન્સ-પર્ફોર્મન્સ આપ્યા છે. તાજેતરમાં તેમણે ખુલાસો કર્યો કે પોતાનાં ગીતોને ખાસ બનાવવા માટે તેઓ માત્ર ડાન્સ પર જ નહીં, પોતાના લુક અને ફૅશન પર પણ ખૂબ મહેનત કરતાં હતાં.
એ સમયના પોતાના ડાન્સ વિશે વાત કરતાં હેલને જણાવ્યું હતું કે ‘મારા ગ્લૅમરસ કૅબરે ડાન્સની ઓળખ બની ગયેલી અનેક ઍક્સેસરીઝ મેં જાતે પસંદ કરી હતી, કારણ કે હું હંમેશાં ઇચ્છતી હતી કે મારો કૉસ્ચ્યુમ સૌથી અલગ અને આકર્ષક દેખાય. આ માટે હું ભારતમાં ઉપલબ્ધ ઍક્સેસરીઝ પર આધાર રાખવાને બદલે એવી ખાસ વસ્તુઓ શોધવા વિદેશ સુધી જતી હતી, જેથી પર્ફોર્મન્સને એક અલગ જ ઓળખ મળી શકે. હું લંડન ગઈ હતી અને ત્યાંથી વાદળી, ભૂરા અને લીલા રંગના લેન્સ તેમ જ ખાસ આઇલૅશ લઈને આવી હતી. મારા હેડગિઅર મારા હેરડ્રેસરે તૈયાર કર્યા હતા. મારા કૉસ્ચ્યુમ માટે અસલી પંખ ખરીદવા હું પૅરિસ પણ ગઈ હતી. મારી જ્વેલરી, મોટા ગૉગલ્સ અને અન્ય ઍક્સેસરીઝ મેં એટલા માટે પસંદ કરી હતી કે હું હંમેશાં સમયથી આગળ રહી શકું.’

helen entertainment news fashion bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood