26 May, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય
ઐશ્વર્યા રાયે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હંમેશની જેમ રેડ કાર્પેટ પર હાજરી આપી હતી. જોકે આ સાથે જ કેટલાક લોકોએ ઐશ્વર્યાના લુક અને તેના વધેલા વજનને લઈને સોશ્યલ મીડિયા પર મજાક પણ ઉડાવી હતી. હવે કંગના રનૌતે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાના લુકને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ખુલ્લેઆમ તેને સપોર્ટ કર્યો છે. કંગનાએ સોશ્યલ મીડિયા પર ઐશ્વર્યાની બ્લુ કલરના ગાઉનવાળી એક તસવીર પોસ્ટ કરી હતી અને તેના લુક તથા ઉંમરને લઈને કમેન્ટ કરનારા લોકોને જવાબ આપ્યો હતો.
કંગનાએ આ તસવીર સાથે લખ્યું, ‘ફૅશન અને સ્ટાઇલ કોઈ પણ વ્યક્તિની પોતાની અભિવ્યક્તિ હોય છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જીવનને જુએ છે અને સમજે છે. કોઈ પણ મહિલા કોઈને ખુશ કરવા માટે જીવતી નથી. ઍશ ખૂબ જ સુંદર લાગી રહી છે અને જો કેટલાક લોકો તેને કોઈ બીજા રૂપમાં જોવા માગતા હોય તો પહેલાં તેમણે પોતાની જાતને પણ જોવી જોઈએ. ઐશ્વર્યા કોઈને ખુશ કરવા માટે રેડ કાર્પેટ પર આવતી નથી, પરંતુ તે પોતાની અલગ ચમક અને આત્મવિશ્વાસ સાથે ત્યાં હાજર રહે છે. જો લોકોને રેડ કાર્પેટ પર મોટી ઉંમરની મહિલાઓને જોવાની ટેવ નથી તો હવે તેમણે એની આદત પાડી લેવી જોઈએ.’
કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬નું સમાપન થઈ ચૂક્યું છે, પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચનના લુક્સ હજુ પણ સતત ચર્ચામાં છે. હવે ઐશ્વર્યાનો નવો લુક સામે આવ્યો છે જેમાં તેણે પોતાની સ્ટાઇલથી ફૅન્સને સરપ્રાઇઝ આપી છે. આ તસવીરમાં ઐશ્વર્યા આઇવરી રંગના સુંદર ડ્રેસમાં બાલ્કનીમાં ઊભી રહીને પોઝ આપતી જોવા મળે છે. તેના આ ડ્રેસમાં મોટી-મોટી ફ્રિલ્સ ડિઝાઇન કરવામાં આવી હતી જે ગુલાબના ફૂલ જેવી ડિઝાઇનનો અહેસાસ કરાવતી હતી.