‘રશ્મિ રૉકેટ’ Review : રૉકેટ થોડું સ્લો રહ્યું

17 October, 2021 03:50 PM IST  |  Mumbai | Harsh Desai

તાપસીનો પર્ફોર્મન્સ જોરદાર છે, પરંતુ એ ફર્સ્ટ પાર્ટ પૂરતું છે : સ્ક્રિપ્ટ પ્રિડિક્ટેબલ બની જતાં ડાયલૉગબાજીથી એને બચાવવાની કોશિશ કરી છે

‘રશ્મિ રૉકેટ’નો સીન

ફિલ્મ: રશ્મિ રૉકેટ

કાસ્ટ: તાપસી પન્નુ, પ્રિયાંશુ પેન્યુલી, અભિષેક બૅનરજી, સુપ્રિયા પાઠક, મનોજ જોષી

ડિરેક્ટર: આકર્ષ ખુરાના

રિવ્યુ: ટાઇમ પાસ

તાપસી પન્નુની ‘રશ્મિ રૉકેટ’ સત્યઘટના પરથી પ્રેરિત થઈને બનાવાઈ છે, પરંતુ એને ફિક્શન ફિલ્મ કહેવામાં આવી રહી છે. ઝીફાઇવ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં તાપસી સાથે પ્રિયાંશુ પેન્યુલી, અભિષેક બૅનરજી અને સુપ્રિયા પાઠકે કામ કર્યું છે. સુપ્રિયા પિળગાવકર, મનોજ જોષી, વરુણ બડોલા, શ્વેતા ત્રિપાઠી અને આકાશ ખુરાના જેવા ઘણા ઍક્ટર્સે નાનકડી ભૂમિકા ભજવી છે. આકર્ષ ખુરાના દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મનું સ્ક્રીનપ્લે અનિરુદ્ધ ગુહાએ લખ્યું છે. જોકે ઍડિશનલ સ્ક્રીનપ્લે અને ડાયલૉગ કનિકા ઢિલ્લોંએ લખ્યાં છે. ઍડિશનલ ડાયલૉગની ક્રેડિટ આકર્ષ ખુરાના, અનિરુદ્ધ ગુહા અને લિશા બજાજને આપવામાં આવી છે.

રશ્મિ ભુજની છોકરી છે. તે તેના પપ્પા મનોજ જોષી અને સુપ્રિયા પાઠક સાથે રહેતી હોય છે. તે દોડવામાં ખૂબ ઝડપી હોવાથી તેને રૉકેટ તરીકે સંબોધવામાં આવે છે. ૨૦૦૧માં તે પ્રજાસત્તાક દિને સ્કૂલમાં હરીફાઈમાં દોડતી હોય છે એ દરમ્યાન ધરતીકંપ આવે છે અને તેના પપ્પાનું મૃત્યુ થાય છે. ત્યાર બાદ તે દોડવાનું છોડી દે છે અને પિતાની જેમ ટૂર-ગાઇડ બની જાય છે. તે તેની મમ્મી સાથે મળીને ગામની મહિલાઓની મદદ પણ કરે છે. તે બાળપણથી જ છોકરાઓ સાથે મારઝૂડ કરતી હોય છે. એ દરમ્યાન તેની મુલાકાત આર્મી કૅપ્ટન પ્રિયાંશુ પેન્યુલી સાથે થાય છે. પ્રિયાંશુ તેની મમ્મીને સમજાવે છે કે રશ્મિને ફરી દોડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે. પ્રિયાંશુ એમાં સફળ પણ થાય છે અને રશ્મિ નૅશનલ બાદ એશિયા કપમાં ભાગ લે છે અને ત્રણ ગોલ્ડ મેડલ જીતે છે. જોકે તે નેપોટિઝમ અને જેલસીનો ભોગ બને છે. જીત્યા બાદ તરત જ તેને સ્પોર્ટ્સ ઍકૅડેમી દ્વારા ટેસ્ટ માટે લઈ જવાય છે. આ ટેસ્ટ તેની જેન્ડર ટેસ્ટ હોય છે અને તેને ૬ કલાક સુધી રોકી રાખવામાં આવે છે. ટેસ્ટ દરમ્યાન તેને કપડાં કાઢી નાખવાનું કહેવામાં આવે છે અને તેને માટે એ ખૂબ શરમજનક હોય છે. આ ટેસ્ટ બાદ તેના પર બૅન લગાવવામાં આવે છે અને તેની કરીઅરનો અંત આવે છે. તેના લોહીમાં હૉર્મોન્સનું પ્રમાણ વધુ હોવાથી તેને છોકરો ગણવામાં આવે છે અને એથી જ તેના પર બૅન મુકાય છે. આને માટે તે કોર્ટમાં જાય છે અને કેસ કરે છે. આ ફિલ્મ દુત્તી ચંદની લાઇફ પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે.

આકર્ષ ખુરાનાએ ફિલ્મને ડિરેક્ટ કરી છે. સ્ક્રિપ્ટ ખૂબ પ્રિડિક્ટેબલ છે, પરંતુ આકર્ષે એને પાટા પર રાખવાની ખૂબ કોશિશ કરી છે. ફિલ્મને બે પાર્ટમાં વહેંચવામાં આવી છે. પહેલા પાર્ટમાં તાપસીની સ્પોર્ટ્સની સ્ટોરી દેખાડવામાં આવી છે તો બીજા પાર્ટમાં કોર્ટરૂમ-ડ્રામા. પહેલો પાર્ટ સ્પોર્ટ્સને કારણે થોડો એન્ટરટેઇનિંગ લાગે છે, પરંતુ કોર્ટરૂમ-ડ્રામા ખૂબ જ પ્રિડિક્ટેબલ છે. સ્ક્રિપ્ટમાં સ્પોર્ટ્સ અને ડ્રામાનો સમાવેશ કરવામાં મેલોડ્રામા વધુ થઈ ગયો હોય એવું લાગે છે, તો કોર્ટરૂમ-ડ્રામાને ડાયલૉગ દ્વારા બચાવવાની કોશિશ કરવામાં આવી છે. ફિલ્મના ઘણા સારા-સારા ડાયલૉગ કોર્ટરૂમ-ડ્રામામાં જ છે.

તાપસી પન્નુએ એક સ્પોર્ટ્સ ઍથ્લીટ તરીકે ખૂબ સારું કામ કર્યું છે. જોકે તેનું બાળપણનું પાત્ર એટલું અસર નથી પાડી શક્યું. તાપસીના ટૂર-ગાઇડ દરમ્યાનનાં દૃશ્યો બનાવટી લાગે છે. પહેલા પાર્ટમાં તાપસીએ ખૂબ અદ્ભુત કામ કર્યું છે, પરંતુ બીજા પાર્ટમાં તેને બસ કોર્ટરૂમમાં ‘બિચારી’ તરીકે બેસાડી રાખવામાં આવી છે. પ્રિયાંશુએ ખૂબ સારું કામ કર્યું છે. તે એક લવેબલ હસબન્ડ સાથે આર્મીના રોલમાં પણ તે સારો લાગે છે. પોલીસ-સ્ટેશનમાં હોય કે આર્મી કૅમ્પમાં ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજ અલગ હોય છે અને તે જ્યારે તાપસી સાથે હોય ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજમાં તફાવત જોવા મળે છે. બીજા પાર્ટમાં અભિષેક બૅનરજીએ તેની ઍક્ટિંગ દ્વારા કોમિક લાવવાની ખૂબ કોશિશ કરી છે અને તેની ઍક્ટિંગને કારણે બીજો પાર્ટ જોવાલાયક બન્યો હોય એમ કહેવું ખોટું નથી. આ સાથે જ સુપ્રિયા પાઠક, સુપ્રિયા પિળગાવકર, મનોજ જોષી અને શ્વેતા ત્રિપાઠીએ સારું કામ કર્યું છે. વરુણ બદોલાને વધુ સ્ક્રીન-ટાઇમ આપવાની જરૂર હતી.

અમિત ત્રિવેદીનું સંગીત કમજોર છે. તેનું એક પણ ગીત વારંવાર સાંભળી શકાય એવું નથી. ટ્રેઇનિંગ દરમ્યાનનું પણ એક ગીત એટલું જોશીલું નથી. તેનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખાસ નથી, પરંતુ ગીતની સરખામણીએ સારું છે.

તાપસી પન્નુની ઍક્ટિંગને કારણે ફિલ્મ જોઈ શકાય છે. જેન્ડર ટેસ્ટને કારણે જે કેસ કરવામાં આવે છે એ પણ સારી રીતે દેખાડવામાં આવ્યો છે. જોકે કેટલાક ફૅક્ટ્સ છે જેના પર નજરઅંદાજ કરવામાં આવ્યો છે. જેમ કે તાપસીમાં ટેસ્ટોસ્ટેરોન વધુ હોય છે અને એ વધુ હોવાથી શરીર પર એની શું અસર થાય છે એ દેખાડવામાં નથી આવ્યું તેમ જ એની આડઅસર પર પણ ઉપરછલ્લી વાત કરવામાં આવી છે.

entertainment news bollywood bollywood news movie review film review taapsee pannu harsh desai