ધ કાર્તિક આર્યન શો

21 May, 2022 12:16 PM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મમાં કોઈ નવીનતા કે ઓરિજિનલ કરતાં કંઈ અલગ નથી : એન્ટરટેઇનમેન્ટ માટે બનાવેલી આ ફિલ્મમાં અનીસ બઝમીએ વનલાઇનર દ્વારા પૉલિટિકલ કમેન્ટ કરવાનો ચાન્સ જરા પણ નથી છોડ્યો

ભૂલભુલૈયા 2

ભૂલભુલૈયા 2

કાસ્ટ : કાર્તિક આર્યન, કિયારા અડવાણી, તબુ, રાજપાલ યાદવ
ડિરેક્ટર : અનીસ બઝ્મી
   

૨૦૦૭માં આવેલી અક્ષયકુમાર અને વિદ્યા બાલનની ‘ભૂલભુલૈયા’ની હવે ૧૫ વર્ષ બાદ સીક્વલ બની છે. સીક્વલમાં કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ સહિત ઘણા ઍક્ટર્સે કામ કર્યું છે. અક્ષયની ફિલ્મને કલ્ટ કહેવામાં આવે છે, કારણ કે એમાં એક ઓરિજિનાલિટી જોવા મળી હતી અને પ્રિયદર્શને એને ડિરેક્ટ કરી હતી અને નીરજ વોરાએ સ્ક્રીનપ્લે લખ્યો હતો. આ સીક્વલની સ્ટોરી લાઇન ઓરિજિનલ ફિલ્મ જેવી જ રાખવામાં આવી છે, પરંતુ સ્ટોરી અને ઍક્ટર્સમાં બદલાવ કરવામાં આવ્યો છે.

સ્ટોરી ટાઇમ
કાર્તિક આર્યને રુહાન રંધાવાનું પાત્ર ભજવ્યું છે જે એક બિઝનેસમૅનનો દીકરો હોય છે. દૂનમાં સ્ટડી કરી હોય છે અને તેની પાસે નોકરી નથી હોતી. તે પતંગ ચગાવવા માટે ગુજરાત જતો હોય છે અને પાન ખાવા માટે બનારસ. તેની મુલાકાત રીત સાથે થાય છે. રીતનું પાત્ર કિયારાએ ભજવ્યું છે. રીત એક ઠાકુર ઘરાનાની છોકરી હોય છે જેના ઘરના લોકો ખૂબ જ સ્ટ્રિક્ટ હોય છે, પરંતુ તે જેમ-તેમ મેડિકલની સ્ટડી પૂરી કરી હોય છે. તે ડૉક્ટર બની જતાં તેનાં લગ્ન સાગર સાથે નક્કી કરવામાં આવે છે. જોકે સાગર સાથે રીતની બહેન પ્રેમ કરતી હોય છે. રીતને આની જાણ થતાં તેનું મૃત્યુ થયું હોવાનું નાટક કરે છે અને એ જૂઠાણું ચલાવવા માટે તે રુહાનની મદદ લે છે. રુહાન આમ પણ ભટકતો આત્મા હોય છે. એથી તે રીતની વાત માની જાય છે અને તેને પોતાને આત્મા દેખાતો હોવાનો તે ઢોંગ કરે છે. આ દરમ્યાન તેઓ રીતના ઘર રાજસ્થાન જાય છે જ્યાં તેની પૂર્વજોની હવેલીમાં મોન્જોલિકા રહેતી હોય છે. તેને એક રૂમમાં પૂરી દેવામાં આવી હોય છે. જોકે રીતના ઘરવાળાને જાણ થાય છે કે તે જીવિત છે અને એથી તેને હવેલીમાં શોધવામાં આવે છે. જોકે એક જ જગ્યા એવી હોય છે જ્યાં તેને કોઈ શોધી નહીં શકે અને એ હોય છે મોન્જોલિકાનો રૂમ. તે બહાર આવતાં બધી ધાંધલ શરૂ થાય છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
સ્ટોરી અને સ્ક્રીનપ્લે આકાશ કૌશિકે લખ્યાં છે. તેને ડાયલૉગ લખવામાં ફરહાદ સામજીએ મદદ કરી છે. ફિલ્મની સ્ટોરી લાઇન એની એ જ રાખવામાં આવી છે. જોકે સ્ટોરીમાં થોડો બદલાવ કરીને પંદર વર્ષ બાદ એને નવી હોય એવું દેખાડી દર્શકોને ઉલ્લુ બનાવવામાં આવ્યા છે. આ ફિલ્મ જોતી વખતે પહેલી ફિલ્મ સતત દિમાગમાં ચાલતી રહે છે અને શું થવાનું છે એ ખબર જ હોય છે. જોકે વન-લાઇનર્સ અને કેટલાક અતરંગીવેડાને કારણે મજા જરૂર આવે છે. ડાયલૉગ પર ખૂબ જ મહેનત કરવામાં આવી છે, પરંતુ આ દરમ્યાન બૉડી-શેમિંગ માટે પણ તૈયાર રહેવું. રાઇટર્સ અને અનીસ બઝમી બન્નેએ ફિલ્મ દ્વારા પૉલિટિકલ કમેન્ટ કરવાનો ચાન્સ નહોતો છોડ્યો. તેમણે ‘અચ્છે દિન આએંગે’, ‘અચ્છે દિન આ ગએ’ અને ‘હમ લે કર રહેંગે’ જેવી વન-લાઇનર્સનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કર્યો છે. જોકે દૃશ્ય સાથે આ વન-લાઇનર્સને કનેક્ટ કરવામાં આવે તો એ અત્યારની પરિસ્થિતિ સાથે ખૂબ જ બંધ બેસે છે. કેટલાંક દૃશ્ય કન્ફ્યુઝન પણ પેદા કરે છે જેમ કે કાર્તિક રૂહબાબા બની ગયો હોય છે ત્યારે એ ટાઇમને ખૂબ જ એન્જૉય કરે છે, પરંતુ રીત સામે એમ કહેતો જોવા મળે છે કે એ હવે કંટાળી ગયો છે. અનીસ બઝમી તેની જૂની ટેમ્પ્લેટને વળગી રહે છે. તે ચાચા, ભતીજા, મામા, દાદી વગેરેનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કરી જાણે છે. તેની ફૅમિલી ફૉર્મ્યુલામાં ક્યારેય પણ નિષ્ફળ નથી ગયો અને એ ‘મુબારકાં’માં પણ જોઈ જ શકાયું છે. જોકે અનીસ બઝ્મી ખૂબ જ સેફ ગેમ રમ્યો છે. તેમ જ હૉરર દૃશ્યમાં પણ તે એકદમ સેફલી રમતો જોવા મળ્યો છે. તેણે ડરાવવા માટે કોઈ નવી યુક્તિ નથી અજમાવી. એ જ જૂની પુરાણી પગ ઊલટા અને બિલાડી અને કાગડા અને કૅમેરાનો ઉપયોગ કરવો વગેરે વગેરે...

પર્ફોર્મન્સ
કાર્તિક આર્યને આ ફિલ્મમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યો છે. અક્ષયકુમારનું પાત્ર ભજવવું અને એમાં પણ લોકોને એન્ટરટેઇન કરવું ખૂબ જ મુશ્કેલ છે. જોકે કાર્તિકે તેના લુકને નજરઅંદાજ કરીએ તો ખૂબ જ મહેનત કરી છે અને એન્ટરટેઇન પણ કર્યા છે. કાર્તિકનો તેની મોટા ભાગની ફિલ્મોમાં લુક એકસરખો જ હોય છે. જોકે તેનું કૉમિક ટાઇમિંગ અને તેની એનર્જી તેના પર્ફોર્મન્સમાં ભરપૂર જોવા મળે છે. કિયારા આ ફિલ્મમાં આવતાંની સાથે જ મૃત્યુ પામે છે. ત્યાર બાદ લોકો થિયેટર્સમાં દર્શક બનતા હોય છે, પરંતુ કિયારા ફિલ્મમાં જ દર્શક બનતી જોવા મળે છે. કાર્તિક અને કિયારાને પણ જો કોઈ ભારે પડ્યું હોય તો એ તબુ છે. તબુએ આ ફિલ્મમાં જોરદાર પર્ફોર્મન્સ આપ્યો છે. જોકે તેના લુકે પણ ઘણી મદદ કરી છે. રાજપાલ યાદવ અને સંજય મિશ્રાને પહેલી ફિલ્મ કરતાં આમાં વધુ સ્ક્રીન સ્પેસ મળી છે. તેમણે કૉમિક ટાઇમિંગ અને ડાયલૉગ ડિલિવરીથી ખૂબ જ હસાવવાની કોશિશ કરી છે. છોટા પંડિતની જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે થિયેટર્સમાં હીરો કરતાં વધુ જોર-જોરમાં બૂમો પાડવામાં આવી હતી અને ત્યારે જ ફિલ્મમાં તે પડી જાય છે. જોકે ટાઇમિંગ એટલું જોરદાર હતું કે લોકોની બૂમથી એ ગભરાઈને ડરી ગયો હોય એવું થયું હતું. આ સિવાય અમર ઉપાધ્યાય અને રાજેશ શર્માને વેડફી કાઢવામાં આવ્યા છે. આ સિવાય અશ્વિની કળસેકરને પણ વેડફી કાઢવામાં આવી છે.

મ્યુઝિક
સંદીપ શિરોડકરે ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક આપ્યું છે. આ ફિલ્મમાં ‘હરે રામ હરે કૃષ્ણ’ ગીતના મ્યુઝિકનો વિવિધ રીતે બૅકગ્રાઉન્ડ સ્કોર તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે અને દરેક દૃશ્યમાં એ ખૂબ જ સારું લાગે છે. તેમ જ ટાઇટલ ટ્રૅકને તનિષ્ક બાગચી દ્વારા રીક્રિએટ કરવામાં આવ્યો છે, જે સારો છે. જોકે પ્રીતમનું મ્યુઝિક અને અરિજિતનો અવાજ ફિલ્મના મ્યુઝિકની હાઇલાઇટ છે. યોયો હની સિંહ અને અરમાન મલિકનું ગીત ઠીકઠાક છે.

આખરી સલામ
૨૦૦૭માં આવેલી ‘ભૂલભુલૈયા’માં મોન્જોલિકા એક ભૂત હતી એવું નહોતું દેખાડવામાં આવ્યું. તેને એક બીમારી હતી એમ દેખાડવામાં આવ્યું હતું. જોકે પંદર વર્ષ પછી બનેલી ‘ભૂલભુલૈયા 2’માં ભૂત દેખાડવામાં આવ્યું છે. આપણે સાયન્સ તરફ આગળ વધી રહ્યા છીએ કે પછી ભૂત-પ્રેતમાં વિશ્વાસ કરવા તરફ જઈ રહ્યા છીએ? જોકે જેવી જેમની માન્યતા.

 ફાલતુ,   ઠીક-ઠીક, 
 ટાઇમ પાસ, 
 પૈસા વસૂલ, 
  બહુ જ ફાઇન

bollywood news entertainment news kartik aaryan