મની લોન્ડરિંગ કેસ મામલે અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ઈડીનું સમન, જાણો સમગ્ર કેસ

16 September, 2021 07:21 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બૉલિવુડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ફરી વાર સમન પાઠવ્યું છે.

જૅકલિન ફર્નાન્ડીઝ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ બૉલિવુડ અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડીઝને ફરી વાર સમન પાઠવ્યું છે. સુકેશ ચંદ્રશેખર વિરુદ્ધ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસ મામલે જૅકલિનને સમન્સ પાઠવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર જૅકલિનને 25 સપ્ટેમ્બરે દિલ્હીમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા 30 ઓગસ્ટના રોજ EDએ તેમની સાથે છેતરપિંડી અને 200 કરોડથી વધુની ખંડણીના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં દિલ્હીમાં ચાર કલાક પૂછપરછ કરી હતી.

કોણ છે સુકેશ ચંદ્રશેખર?

23 ઓગસ્ટે સુકેશ ચંદ્રશેખર પર તિહાર જેલની અંદરથી સૌથી મોટો ખંડણી વસૂલવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુકેશે જેલની અંદરથી એક મોટા ઉદ્યોગપતિની પત્ની પાસેથી 200 કરોડ વસૂલ્યા હતા. EDએ સુકેશ અને અભિનેત્રી લીના પોલના ચેન્નઈ સ્થિત બંગલા પર દરોડા પાડ્યા હતા અને EDને મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, ઉપરાંત 15 લક્ઝરી વાહનો પણ મળી આવ્યા હતા.

સુકેશને સ્પેશિયલ સેલ દ્વારા ખંડણીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી, તે હાલમાં EOW ની કસ્ટડીમાં છે. સુકેશ જેલમાંથી ખંડણી ઉઘરાવી રહ્યો હતો તે પછી તિહાર જેલના કેટલાક અધિકારીઓ અને આરબીએલ બેંકના અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. અહીં નોંધવું રહ્યું કે સુકેશે AIADMKના નાયબ વડા TTV દિનાકરણને 2 કરોડ રૂપિયા લઈને ચૂંટણી પ્રતીક મેળવવાનું વચન આપ્યું હતું, ત્યારબાદ સુકેશની ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, TTV સાથે દિનાકરણની પણ ધરપકડ કરવામાં આવી હતી.

 

entertainment news bollywood news jacqueline fernandez