દિલજીત દોસાંઝની ફિલ્મ ‘સતલુજ’ ફરી વિવાદમાં, OTT પરથી બે જ દિવસમાં હટાવાઈ...

07 July, 2026 06:19 PM IST  |  Punjab | Gujarati Mid-day Online Correspondent

દિલજીત દોસાંઝની બહુચર્ચિત ફિલ્મ ‘સતલુજ’ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષો સુધી સેન્સર સર્ટિફિકેટના વિવાદમાં અટવાયેલી આ ફિલ્મ આખરે 3 જુલાઈએ ZEE5 પર અનકટ વર્ઝનમાં રિલીઝ થઈ હતી.

દિલજીત દોસાંઝ (સૌજન્ય મિડ-ડે)

દિલજીત દોસાંઝની બહુચર્ચિત ફિલ્મ ‘સતલુજ’ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. વર્ષો સુધી સેન્સર સર્ટિફિકેટના વિવાદમાં અટવાયેલી આ ફિલ્મ આખરે 3 જુલાઈએ ZEE5 પર અનકટ વર્ઝનમાં રિલીઝ થઈ હતી. જોકે રિલીઝના માત્ર બે દિવસ બાદ જ પ્લેટફોર્મે ફિલ્મને ભારતમાં સ્ટ્રીમિંગમાંથી હટાવી દીધી છે. આ નિર્ણય બાદ ફિલ્મ, સેન્સરશિપ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

શું છે ફિલ્મની વાર્તા?

‘સતલુજ’નું મૂળ નામ ‘પંજાબ 95’ હતું. ફિલ્મ જાણીતા માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાના જીવન પરથી પ્રેરિત છે. ખાલરાએ 1980 અને 1990ના દાયકામાં પંજાબમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન કથિત રીતે ગેરકાયદેસર રીતે થયેલા હજારો અજાણ્યા મૃતદેહોના અંતિમ સંસ્કારનો મુદ્દો ઉજાગર કર્યો હતો. તેમની તપાસે દેશ-વિદેશમાં ભારે ચર્ચા જગાવી હતી.

1995માં જસવંત સિંહ ખાલરાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની હત્યા થઈ હતી. આ કેસમાં અનેક પોલીસ અધિકારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. રાજકીય અને ઐતિહાસિક રીતે અત્યંત સંવેદનશીલ વિષયને કારણે ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાઈ હતી.

CBFC સાથે વર્ષો સુધી ચાલ્યો વિવાદ

ફિલ્મને ભારતમાં રિલીઝ કરવા માટે નિર્માતાઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) પાસેથી મંજૂરી મળી શકી નહોતી. નિર્માતાઓના જણાવ્યા મુજબ બોર્ડે ફિલ્મમાં 120થી વધુ ફેરફારો કરવાની માંગણી કરી હતી. એટલું જ નહીં, ફિલ્મના મુખ્ય પાત્રનું નામ બદલવાની પણ સલાહ આપવામાં આવી હોવાનું જણાવાયું હતું. આ કારણોસર ફિલ્મનું થિયેટર રિલીઝ વર્ષો સુધી અટવાયેલું રહ્યું.

લાંબા સંઘર્ષ બાદ ફિલ્મ 3 જુલાઈએ ZEE5 પર અનકટ વર્ઝનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. પરંતુ 5 જુલાઈએ પ્લેટફોર્મે ફિલ્મને ભારતીય દર્શકો માટે હટાવી દીધી. જોકે ZEE5એ આ નિર્ણય પાછળનું ચોક્કસ કારણ જાહેર કર્યું નથી.

પ્લેટફોર્મે માત્ર એટલું જણાવ્યું કે "હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સૂચના સુધી ફિલ્મ ભારતમાં ઉપલબ્ધ રહેશે નહીં. અમે યોગ્ય પ્રક્રિયા દ્વારા શક્ય તેટલી વહેલી તકે ફિલ્મને ફરી દર્શકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ." ZEE5એ ફિલ્મને હટાવવાનો સંબંધ અગાઉના સેન્સર વિવાદ અથવા કોઈ કાનૂની આદેશ સાથે સત્તાવાર રીતે જોડ્યો નથી.

દિલજીત દોસાંઝની પ્રતિક્રિયા

ફિલ્મ હટાવવામાં આવ્યા બાદ દિલજીત દોસાંઝે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ગામના લોકો મોટી સ્ક્રીન પર ‘સતલુજ’ જોઈ રહ્યા હતા. આ પોસ્ટ સાથે તેમણે લખ્યું હતું કે, "હવે આ ફિલ્મને કોઈ રોકી શકશે નહીં. જસવંત સિંહ ખાલરાની અવાજને કોઈ દબાવી શકતું નથી."

ત્યારબાદ એક લાઇવ સેશન દરમિયાન દિલજીતે કહ્યું કે ફિલ્મનો મુખ્ય હેતુ નવી પેઢીને જસવંત સિંહ ખાલરાની કહાની સુધી પહોંચાડવાનો હતો અને તે હેતુ સફળ રહ્યો છે.

તેમણે કહ્યું, "મને ખુશી છે કે બે દિવસમાં જ હજારો લોકોએ ફિલ્મ જોઈ. ઘણા લોકોએ તેને ડાઉનલોડ પણ કરી લીધી છે. હવે ફિલ્મ હટાવી દેવાથી તેની અસર ઓછી નહીં થાય. ચાર વર્ષથી અમે આ ફિલ્મ માટે લડી રહ્યા હતા અને અમને અંદાજ હતો કે આવું થઈ શકે છે."

દિલજીતે વધુમાં ઉમેર્યું કે ઇન્ટરનેટ પર એકવાર કોઈ સામગ્રી આવી જાય પછી તેને સંપૂર્ણપણે રોકવી શક્ય નથી અને જસવંત સિંહ ખાલરાનું બલિદાન ભૂલાવી શકાય તેમ નથી.

ફરી ચર્ચામાં આવી સેન્સરશિપ

હની ત્રેહાનના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ, અર્જુન રામપાલ અને સુવિંદર વિક્કી મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ પંજાબના સૌથી સંવેદનશીલ ઐતિહાસિક સમયગાળામાં માનવાધિકાર ઉલ્લંઘનના આક્ષેપોને કેન્દ્રમાં રાખે છે.

ZEE5 દ્વારા ફિલ્મ હટાવવાના નિર્ણય પાછળનું સત્તાવાર કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ આ ઘટનાએ ફિલ્મની લાંબી અને વિવાદાસ્પદ સફરને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. સાથે જ ભારતની ફિલ્મ સેન્સરશિપ, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને ઐતિહાસિક ઘટનાઓના ફિલ્મી ચિત્રણ અંગેનો વિવાદ પણ ફરી ગરમાયો છે.

સત્ય ક્યારેય દબાઈ શકતું નથી

ભૂતપૂર્વ ક્રિકેટર હરભજન સિંહે દિલજિત દોસાંઝની ‘સતલુજ’ને મસ્ટ વૉચ ગણાવીને કરી ખુલ્લેઆમ પ્રશંસા

દિલજિત દોસાંઝની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સતલુજ’ સતત ચર્ચામાં છે. આ ફિલ્મને OTT પ્લૅટફૉર્મ ઝી5 પરથી બે દિવસમાં જ હટાવી દીધા પછી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને સંસદસભ્ય હરભજન સિંહે પણ ફિલ્મ જોઈને એની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે અને એને ‘મસ્ટ વૉચ’ ગણાવી છે.

હરભજન સિંહે સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ શૅર કરીને ફિલ્મ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. હરભજન સિંહે લખ્યું હતું કે ‘જલિયાંવાલા બાગ ભારતના ઇતિહાસના સૌથી ભયાનક નરસંહારોમાંનો એક હતો, જે વિદેશી શાસન દરમિયાન થયો હતો. જસવંત સિંહ ખાલરાની વાર્તા જોયા પછી મારા મનમાં એક અલગ જ સવાલ ઊભો થયો. કોઈ બહારના લોકોનો અત્યાચાર વધુ પીડાદાયક હોય કે પોતાના જ લોકોની રક્ષા કરવાની જવાબદારી ધરાવતા લોકો સૌથી મોટો ભય બની જાય એ વધુ દુઃખદ હોય? પોલીસ-અધિકારીનું કામ નિર્દોષ લોકોનું રક્ષણ કરવાનું હોય છે, પોતાના અધિકારોનો દુરુપયોગ કરવાનું નહીં. જસવંત સિંહ ખાલરાની હિંમતના કારણે ગેરકાયદેસર લાપતા લોકોના અને ગુપ્ત અંતિમ સંસ્કારોના પુરાવા દુનિયા સામે આવ્યા. આ ઘટના આપણને યાદ અપાવે છે કે સત્તાનો દુરુપયોગ પેઢીઓ સુધી દુઃખ આપી શકે છે. આજે પણ પંજાબની ઘણી માતાઓ જવાબની રાહ જોઈ રહી છે અને અનેક પરિવારો હજુ સુધી ન્યાયની આશા રાખી રહ્યા છે. ઘણા પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. સત્ય ક્યારેય હંમેશ માટે દબાઈ શકતું નથી. હની ત્રેહાન અને દિલજિત દોસાંઝે માનવાધિકાર કાર્યકર જસવંત સિંહ ખાલરાની વાર્તાને દુનિયા સમક્ષ લાવીને ઉત્તમ કામ કર્યું છે. તેમની હિંમતને હંમેશાં યાદ રાખવામાં આવશે.’

સતલુજ OTT પરથી હટી પછી તરત જ પાયરેટેડ વર્ઝન ઑનલાઇન લીક

દિલજિત દોસાંઝની ‘સતલુજ’ને OTT પ્લૅટફૉર્મ ઝી5 પરથી સ્ટ્રીમિંગના બે દિવસ બાદ જ એેને હટાવી દેવામાં આવી. આ નિર્ણય બાદ થોડા જ કલાકોમાં ફિલ્મનું પાયરેટેડ વર્ઝન ઑનલાઇન લીક થઈ ગયું હોવાનું સામે આવ્યું છે. સોશ્યલ મીડિયા પર કેટલાક લોકો ફિલ્મની ગેરકાયદેસર લિન્ક્સ શૅર કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો કે ફિલ્મને ગેરકાયદેસર રીતે ડાઉનલોડ અને સ્ટ્રીમ કરવા માટે પાયરેટેડ લિન્ક્સ વિવિધ પ્લૅટફૉર્મ પર શૅર કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે પાયરસી વેબસાઇટ્સ પર ફિલ્મનાં અલગ-અલગ HD વર્ઝન ઉપલબ્ધ હોવાના સ્ક્રીનશૉટ્સ પણ પોસ્ટ કર્યા હતા. એટલું જ નહીં, કેટલાક લોકોએ ફિલ્મની પાયરેટેડ લિન્ક્સ શૅર કરીને અન્ય લોકોને પણ એ જોવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

કોણ હતા સતલુજથી ચર્ચામાં આવેલા જસવંત સિંહ ખાલરા?

OTT પ્લૅટફૉર્મ પરથી બે દિવસમાં જ હટાવી દેવાને કારણે ‘સતલુજ’ ચર્ચામાં આવી છે. આ ફિલ્મ વાસ્તવિક જીવનના નાયક જસવંત સિંહ ખાલરાના જીવન પર આધારિત છે. જસવંત સિંહ ખાલરા પંજાબના જાણીતા માનવાધિકાર કાર્યકર હતા. પંજાબમાં ઉગ્રવાદના સમયગાળા દરમ્યાન કથિત ગેરકાયદે હત્યાઓ અને ગુપ્ત રીતે કરવામાં આવેલા અંતિમ સંસ્કારનો પર્દાફાશ કરીને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા બન્યા હતા. ૧૯૫૨માં અમૃતસર જિલ્લાના ખાલરા ગામમાં જન્મેલા જસવંત સિંહ ખાલરા માનવાધિકાર માટે કામ શરૂ કરતાં પહેલાં બૅન્ક-કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા.

મીડિયા-રિપોર્ટ પ્રમાણે ઑપરેશન બ્લુસ્ટાર, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા અને ૧૯૮૪ના સિખવિરોધી રમખાણોની ઘટનાઓએ તેમના જીવન પર ઊંડી અસર કરી હતી. એ સમયગાળા દરમ્યાન અનેક સિખ પરિવારોનો આરોપ હતો કે પંજાબ પોલીસે ઉગ્રવાદ સાથે સંબંધ હોવાની શંકાના આધારે તેમનાં સગાંઓને કસ્ટડીમાં લીધા બાદ તેઓ રહસ્યમય રીતે ગુમ થઈ ગયાં હતાં. આસપાસ સતત લોકો ગુમ થવાના બનાવો વધતાં જસવંત સિંહ ખાલરાએ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું. તપાસ દરમ્યાન તેમને અમૃતસર મ્યુનિસિપલ કૉર્પોરેશનના એવા રેકૉર્ડ મળ્યા જેમાં હજારો લોકોનાં નામ, ઉંમર અને સરનામાં નોંધાયેલાં હતાં. આ લોકોની કથિત રીતે હત્યા કરીને તેમના પરિવારને જાણ કર્યા વગર ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જસવંત સિંહ ખાલરાની આ તપાસે દેશ-વિદેશનું ધ્યાન ખેંચ્યું અને તેમને પંજાબના અગ્રણી માનવાધિકાર કાર્યકરોમાં સ્થાન અપાવ્યું. જોકે ૧૯૯૫માં જસવંત સિંહ ખાલરા પોતે જ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા હતા. ખાલિસ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લે પોતાના ઘરની બહાર કાર ધોઈ રહ્યા હતા ત્યારે જોવા મળ્યા હતા. આ પછી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનને એવા પુરાવા મળ્યા હતા કે તેમને તરણતારણના એક પોલીસ-સ્ટેશનમાં ગેરકાયદે કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. તપાસ-એજન્સીએ તેમના અપહરણ અને હત્યાના કેસમાં પંજાબ પોલીસના ૯ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ ૨૦૦૭ની ૧૬ ઑક્ટોબરે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે ચાર દોષિતોની સજા વધારીને આજીવન કેદમાં ફેરવી હતી. જસવંત સિંહ ખાલરાના પરિવારમાં તેમની પત્ની પરમજિત કૌર ખાલરા અને તેમનાં બે સંતાનો નવકિરણ કૌર તથા જનમીત સિંહ છે.

diljit dosanjh bollywood buzz zee5 bollywood news bollywood gossips bollywood entertainment news punjab